ગુજરાત પર પહોંચી વરસાદી સિસ્ટમ, બે દિવસ આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો. જે બાદ સોમવારે ફરી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે, આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
આ સિસ્ટમની સાથે-સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા સર્જાયેલી છે, જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે.
ગુજરાતમાં પહેલી જૂનથી અત્યાર સુધી સરેરાશ 20 ટકા જેટલો વધારે વરસાદ થયો છે, છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
45 જળાશય છલકાયાં

ઇમેજ સ્રોત, Daxesh Shah
ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની પ્રેસ રિલીઝ મુજબ, સોમવાર સવારની સ્થિતિ પ્રમાણે, રાજ્યનાં 45 જળાશય સંપૂર્ણપણે છલકાઈ જતાં હાઈઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સાત જળાશય 90થી 100 ટકા પાણીથી ભરાયાં છે.
સરદાર સરોવર ડૅમ તેની કુલ ક્ષમતાના 53.37 ટકા જેટલો ભરાયો છે. આ સિવાયનાં 206 જળાશય તેની સરેરાશ ક્ષમતાના 47.19 ટકા જેટલાં નોંધાયાં છે.
રાજ્યના 30 ડૅમ 70થી 100 ટકા ભરાતા ઍલર્ટ, 28 ડૅમમાં 50થી 70 ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 36 ડૅમ તેની સરેરાશ ક્ષમતાના 25થી 50 ટકા ભરાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિસ્તારવાર જોઈએ તો દક્ષિણ ગુજરાતનાં 13 જળાશય સરેરાશ 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 ડૅમમાં સરેરાશ 50.88 ટકા, કચ્છના 20 બંધમાં સરેરાશ 50 ટકા, મધ્ય ગુજરાતના 17 ડૅમમાં સરેરાશ 37.29 ટકા તથા ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં સરેરાશ 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

મધ્ય ગુજરાતમાં મેઘમહેર

ઇમેજ સ્રોત, imd.gov.in
ગોધરાસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે બસ-સ્ટૅન્ડ, વાવવાળા માર્કેટ, હુસેની ચોક, દર્કોલી દરવાજા તથા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
દાહોદમાં ઐતિહાસિક છાપ તળાવ છલકાયું હતું, જેને નિહાળવા માટે લોકો ઊમટી પડ્યા હતા. આ સિવાય માછણ નદીમાં પણ નવા નીરની આવક થઈ છે.
દાહોદના સંજેલી તાલુકામાં હિરોલા તથા પાંડી ફળિયાને જોડતું નવીન નાળું ધોવાઈ ગયું હતું, જેના કારણે બાળકોને મૂકવા જવામાં વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ખેડા જિલ્લાના નડિયાદમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વૈશાલી, માઈ મંદિર, શ્રેયસ, ખોડિયાર અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિવાય વસો (સાડા ત્રણ ઇંચ) અને મહુધા (ત્રણ ઇંચ) તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત પર નવી સિસ્ટમ આવતાની સાથે જ 29 જુલાઈની સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેની સાથે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
આગામી બે દિવસો સુધી દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે.
આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદની આગાહી છે. કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે.
સિસ્ટમ ગુજરાત પર આવતાંની સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી ગયું છે અને પૂર્વ, મધ્ય તથા ઉત્તર ગુજરાત પર વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતા છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ સુધી વધારે વરસાદની શક્યતા છે.
કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 15 દિવસોથી વધારે વરસાદ પડી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર સતત વધારે રહ્યું છે.
રાજ્યપર આવેલી આ સિસ્ટમને કારણે બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 29 અને 30 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે ગુજરાત રીજનના વિસ્તારોમાં 2 ઑગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસો સુધી સતત વરસાદ પડવાની શક્યતા છે.
જોકે, આગામી પાંચ દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નહીં પડે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડતો રહેશે.
પહેલી જૂનથી 28 જુલાઈ સુધી સરેરાશની રીતે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં તેની સરેરાશ કરતાં 236 ટકા વધારે વરસાદ થયો છે, જે બાદ પોરબંદરમાં સરેરાશ કરતાં 149 ટકા જેટલો વધારે વરસાદ થયો છે.
ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદને કારણે 45 જળાશયો સંપૂર્ણ ભરાઈ જતાં તેને હાઇ ઍલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધી તેમની ક્ષમતાના 53 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે.























