બાંગ્લાદેશની એ ત્રિપુટી, જેમણે મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમને ઘૂંટણિયે પાડીને હરાવી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સિરીઝની પ્રથમ મૅચ એકદમ રસપ્રદ રહી. આ ‘લો-સ્કોરિંગ’ મૅચમાં બાંગ્લાદેશનો એક વિકેટે વિજય થયો છે.
ભારતના આ પરાજય પાછળ બાંગ્લાદેશના જે ત્રણ ખેલાડીઓની લાજવાબ રમત જવાબદાર રહી તે હતા સાકિબ અલ હસન, ઇબાદોત હોસૈન અને મેહિદી હસન.
ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લેનાર બાંગ્લાદેશની ટીમના બૉલર સાકિબ અલ હસને 36 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. જ્યારે અન્ય બૉલર ઇબાદોત હુસૈને 47 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી.
આ બે બૉલર્સના કારણે જ 152 રન પર ચાર વિકેટ સાથે રમી રહેલી ભારતીય ટીમની અંતિમ છ વિકેટ છેલ્લા 34 રનોમાં પડી ગઈ અને ભારતીય ટીમ 186 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી.
જ્યારે રન ચૅઝ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 35મી ઓવર બાદ મૅચ જીતે તેવા કોઈ અણસાર ન હતા, પરંતુ મેહિદી હસને છેલ્લા બૉલ સુધી ક્રીસ પર ટકીને ફટકારેલા 38 રનના કારણે બાંગ્લાદેશનો વિજય થયો હતો.

કેવું રહ્યું બાંગ્લાદેશનું પ્રદર્શન?

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવન ઑપનિંગ માટે ઉતર્યા હતા.
ભારતીય ટીમ 41.2 ઓવરમાં 186 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમના તમામ ખેલાડીઓને બૅટિંગની તક મળી હતી. જેમાંથી માત્ર ત્રણ ખેલાડીઓ 30 રનથી વધુ રન ફટકારી શક્યા હતા.
છઠ્ઠી ઓવરમાં ભારતની શિખર ધવન સાત રન બનાવીને આઉટ થયા હતા. તે સમયે ભારતનો સ્કોર 23 રન હતો. આ વિકેટ બાંગ્લાદેશના બૉલર મેહિદી હસન મિરાઝે લીધી હતી. આ સિવાય બાકીની નવ વિકેટો સાકિબ અલ હસન અને ઇબાદોત હોસૈને લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાકિબે 11મી ઓવરના બીજા બૉલે રોહિત શર્મા (27 રન) અને ચોથા બૉલે વિરાટ કોહલી (9 રન)ને આઉટ કર્યા હતા. બાદમાં 33મી ઓવરમાં વૉશિંગ્ટન સુંદર (19 રન)ની વિકેટ લીધી હતી.
ઇબાદોત હોસૈનની વાત કરીએ તો તેમણે ભારતીય ટીમમાં સૌથી વધુ રન મારનારા કેએલ રાહુલ (73 રન) સહિત ચાર ખેલાડીઓની વિકેટો ખેરવી હતી.
તેમણે સૌથી પહેલાં 20મી ઓવરના છેલ્લા બૉલ પર શ્રેયસ અય્યરને 24 રન સાથે પૅવેલિયન ભેગા કર્યા હતા. ત્યાર બાદ 34મી ઓવરમાં શાહબાઝ અહમદને શૂન્ય રન પર, 40મી ઓવરમાં કેએલ રાહુલ અને 42મી ઓવરમાં મોહમ્મદ સિરાજ (9 રન)ની વિકેટ લઈને ભારતીય ટીમને ધ્વસ્ત કરી હતી.

ભારતના બૉલર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
ભારત આ મૅચમાં કુલ ચાર ઑલ રાઉન્ડર્સ સાથે મેદાનમાં ઊતર્યું હતું. જેનો ફાયદો બૅટિંગમાં તો ન દેખાયો પરંતુ બૉલિંગમાં ચોક્કસ દેખાયો.
જોકે, ભારતીય ટીમને છ બૉલર્સને મેદાનમાં ઉતર્યા હતા. જેમાંથી શાહબાઝ અહમદને બાદ કરતા તમામ બૉલર્સે વિકેટો લીધી હતી.
ભારતીય ટીમે 187 રનનો ટાર્ગેટ આપ્યા બાદ બાંગ્લાદેશ તરફથી નજમુલ હોસૈન શાંતો અને કૅપ્ટન લિટ્ટોન દાસ બૅટિંગ માટે ઉતર્યા હતા. જોકે, નજમુલ શાંતો દીપક ચહરના બૉલ પર શૂન્ય રન બનાવીને પૅવેલિયનભેગા થયા હતા.
જ્યારે કૅપ્ટન લિટ્ટોન દાસ વૉશિંગ્ટન સુંદરના બૉલ પર 43 રન બનાવીને આઉટ થયા હતા. લિટ્ટોન દાસે બાંગ્લાદેશ તરફથી સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો.
























