ગુજરાતમાં ફરી શરૂ થશે ભારે વરસાદ, બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્ય તરફ આવશે?

ગુજરાતમાં ફરી શરૂ થશે ભારે વરસાદ, બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્ય તરફ આવશે?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં બે મોટા ફેરફારો થવાની શક્યતા છે, જેમાં રાજ્યમાં ફરીથી વરસાદનો નવા રાઉન્ડની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

જ્યારે બીજી તરફ રાજસ્થાન અને કચ્છના ભાગોમાં બીજો ફેરફાર થશે અને ચોમાસું ત્યાંથી વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શરૂ થઈ શકે છે.

બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલાં છે અને આ બંને ભેગાં થઈને એક નવી સિસ્ટમ બનશે. હવામાન વિભાગ પ્રમાણે આ આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની જશે અને તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.

આ સિસ્ટમને કારણે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ફરીથી ચોમાસાના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આ મહિનાના અંત સુધી છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં 23 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ જશે, સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે.

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં 25 તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે અને તે બાદ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

25થી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.

હાલની સ્થિતિ અને હવામાનનાં મૉડલ્સ દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં આ મહિનાના અંત સુધી છુટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.

સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.

જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લા વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધાવની શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

બીજી તરફ હવામાન વિભાગે 23 સપ્ટેમ્બરથી રાજસ્થાન અને કચ્છના વિસ્તારોમાં ચોમાસું વિદાય લે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

જોકે, કચ્છના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તો પણ રાજ્યના બીજા વિસ્તારોમાં હાલ ચોમાસું હજી લંબાય તેવી શક્યતા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.