શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'રામમંદિરમાં ચોરીના જવાબદાર મોદી અને યોગી' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
રામમંદિરમાં દાનચોરીનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. તાજેતરમાં અયોધ્યાના રામમંદિર ટ્રસ્ટના નવા મહામંત્રી કૃષ્ણમોહનને બનાવાયા છે. આ પદ પર રહેલા ચંપત રાયે રાજીનામું આપ્યું હતું.
હવે આ મામલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું હતું કે, "કોષાધ્યક્ષે પણ એવું સ્વીકાર્યું છે કે તેમનું આમાં કંઈ ચાલતું નહોતું. એટલે કે આ ટ્રસ્ટના સંચાલનમાં સાધુ-સંતોનો સમાવેશ પણ દેખાડો હતો. હકીકતમાં તમારા જ ખાસ લોકો આ ટ્રસ્ટને ચલાવતા હતા."
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, "એટલા માટે જ નરેન્દ્ર મોદીજી, તમે આની જવાબદારીમાંથી બચી નહીં શકો. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ તેના જવાબદાર છે. આ બધું તેમના નાક નીચે થયું છે. જો ગોળી ચલાવાઈ હોય તો જવાબદાર મુલાયમસિંહ હોય, તો ચોરી થઈ તેના જવાબદાર આદિત્યનાથ કેમ નહીં?"
તેમણે કહ્યું હતું કે, "રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે. બંને એન્જિન મળીને જ કામ કરી રહ્યા હતા. આથી, ચોરીની તમામ જવાબદારી મોદી અને યોગીની છે. ધર્મની જગ્યાનો તમે કેવી રીતે સ્વાર્થ ખાતર તમે ઉપયોગ કરી રહ્યા હતા એ પ્રજા જોઈ રહી છે."
અહીં ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ચોરીના આરોપો પછી પહેલી વાર રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું.
22 જુલાઈએ આ ટ્રસ્ટની ફરી બેઠક થશે અને ખાસ અધિકારીઓની નિયુક્તિ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
રોનાલ્ડોનું સ્વપ્ન તૂટ્યું, પોર્ટુગલની ટીમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર

ઇમેજ સ્રોત, Getty Images
ફિફા વર્લ્ડકપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને પોર્ટુગલને 1-0 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પોતાની ટીમને ટાઇટલ તરફ આગળ લઈ જવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.
ડલ્લાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચમાં સ્પેને 91મી મિનિટે ગોલ કર્યો હતો. સ્પેનના મિકેલ મેરિનોએ 91મી મિનિટે (ઇંજરી ટાઇમ) પોતાના દેશ માટે એકમાત્ર ગોલ કર્યો હતો.
મેરિનોએ ફેરન ટોરેસ પાસેથી પાસ લીધો અને ગોલકીપર ડિએગો કોસ્ટાની જમણી બાજુથી ગોલ પોસ્ટ તરફ ધકેલી દીધો હતો.
મેરિનો સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે મેદાનમાં આવ્યા હતા.
41 વર્ષીય રોનાલ્ડો રડતાં રડતાં મેદાન છોડીને જતાં જોવા મળ્યા હતા.
ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરાયા, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરાયેલા સંજુ સેમસનને હવે ઝિમ્બાબ્વે સામેની આગામી ટી20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી.
બીસીસીઆઇએ સોમવારે ત્રણ મૅચની ટી20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી.
આમાં વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચમાં સંજુ સેમસનની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.
ફાસ્ટ બૉલર મયંક યાદવ અને બેટ્સમેન રિંકુસિંહ ટીમમાં પાછા ફર્યા છે.
આ શ્રેણી 23 જુલાઈથી શરૂ થશે અને બધી મૅચ હરારેમાં રમાશે.
ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુસિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક શર્મા, મયૂરસિંહ, યશ ઠાકુર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















