ગીર : 'મેં સિંહને પંપાળ્યો તો એણે મારો હાથ છોડી દીધો', 'મોતના મુખ'માંથી જીવતા આવેલા માલધારીનો અનુભવ

સિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

    • લેેખક, ગોપાલ કટેશિયા, અલ્પેશ ડાભી
    • દ્વારા રિપોર્ટિંગ, રાજકોટ અને ભાવનગરથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈના રોજ વહેલી સવારે સિંહોનું એક ટોળું ગામમાં આવી ચડ્યા બાદ, કાળુભાઈ પરમાર નામના માલધારી પર હુમલો કરતાં કાળુભાઈ ઘાયલ થયા હતા. ગામના આગેવાનોએ કહ્યું કે ઘાયલ માલધારીને વધારે ઈજાઓ થયેલી હોવાથી સારવાર માટે 60 કિલોમીટર દૂર ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં સિંહો દ્વારા માણસો પર કથિત હુમલાનો આ બીજો બનાવ છે. આ પહેલાં 18 જૂને પાલીતાણા તાલુકાને અડીને આવેલા મહુવા તાલુકાના ગઢડા ગામે નાગજીભાઈ ગુજારિયા નામના એક યુવાનનો મૃતદેહ તેના રહેણાંક નજીક આવેલી બાવળની ઝાડીમાંથી મળી આવ્યો હતો. નાગજીભાઈના પરિવારે આક્ષેપ કર્યો હતો નાગજીભાઈનું મૃત્યુ પણ સિંહો દ્વારા કરાયેલા હુમલામાં થયું છે.

માલધારી કેવી રીતે સિંહની ઝપટે ચડી ગયા?

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, પાલિતાણા: સિંહના હુમલામાંથી જીવતા બચેલા માલધારીએ શું કહ્યું?

બીબીસી ન્યૂઝ ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીના જણાવ્યા અનુસાર કાળુભાઈએ હૉસ્પિટલમાંથી મીડિયાને જણાવ્યું કે આ બનાવ સોમવારે સવારે સાડા આઠેક વાગ્યે બન્યો જ્યારે તેઓ તેમના ઘરે હતા.

કાળુભાઈએ કહ્યું, "હું સવારમાં સાડા આઠે મારી ગાયને નીરણ નાખવા જતો ત્યારે સિંહ બજારમાં બેઠો હતો. ત્યાંથી મારી ઉપર હુમલો કરી દીધો. પહેલાં મારા ખભા પર પંજો મારીને મને પાડી દીધો. પછી મારો હાથ મોઢામાં લઈ લીધો. લગભગ અડધો કલાક પકડી રાખ્યો. પછી મેં તેને ખંજવાળ્યો, પછી તેણે હાથ ઢીલો મૂક્યો એટલે મેં મારો હાથ કાઢી લીધો."

આ હુમલાની પુષ્ટિ કરતાં શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને બીબીસીને જણાવ્યું કે ગરાજિયા ગામે એક કિશોર સિંહે હુમલો કરતાં માલધારીને શારીરિક ઈજાઓ પહોંચી છે.

અંદાજે પચાસેક વર્ષના કાળુભાઈએ ઉમેર્યું કે લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી પરંતુ સિંહ ત્યાંથી નીકળી ગયો તે પહેલાં વન વિભાગની ટીમ ગરાજિયા પહોંચી શકી નહીં. આ હુમલા દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું મનાતા વીડિયોમાં આજુબાજુના લોકો હોંકારા-પડકારા કરતા સંભળાય છે અને સિંહ તરફ પથ્થરો ફેંકતા પણ જોઈ શકાય છે.

માલઘારીનો છુટકારો કેવી રીતે થયો?

કાળુભાઈએ કહ્યું કે સિંહ તેમના પર ચડી બેઠો પછી ગામલોકો પણ તેમને વધારે મદદ કરી શક્યા નહીં. વીડિયોમાં દેખાય છે કે સિંહ પછી અચાનક જ કાળુભાઈને છોડીને જતો રહે છે. કાળુભાઈ કહે છે કે સિંહ તેમને મૂકીને તેમની ગાય તરફ ગયો. જોકે ગામના આગેવાન કરમશીભાઈ ચૌહાણે બીબીસીને જણાવ્યું કે સિંહ કાળુભાઈની બે ગાયોને કોઈ ઈજા કર્યા વગર ત્યાંથી જતો રહ્યો.

કરમશીભાઈએ કહ્યું, "સિંહ ગામમાં અચાનક આવી ચડ્યો અને કાળુભાઈના પાડોશીના વાડામાં ગયો અને એમના તરફ દોડ્યો. પરંતુ એમની ભેંસે તેનો પ્રતિકાર કરતાં સિંહ ત્યાંથી ભાગ્યો અને કાળુભાઈના ઘર તરફ ગયો જ્યાં બે ગાયો બાંધી હતી. પરંતુ ગાયોના બદલે તેણે કાળુભાઈ પર જ હુમલો કર્યો. છેવટે કાળુભાઈને મૂકીને તે તેમની ગાયો તરફ દોડ્યો. જોકે છેવટે ગાયોને પણ કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર તે ત્યાંથી ભાગી ગયો."

કરમશીભાઈનાં પત્ની જિકુબહેન ગરાજિયા ગામના વર્તમાન સરપંચ છે. કરમશીભાઈએ ઉમેર્યું, "હુમલામાં કાળુભાઈને ગર્દન, ખભે અને હાથે ઈજાઓ થઈ છે. સારવાર માટે તેમને પ્રથમ પાલીતાણાની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંના ડૉક્ટરે કહ્યું કે ઈજાઓ વધારે હોવાથી તેમને ભાવનગર લઈ જવા પડશે."

સિંહે હુમલો કેમ કર્યો?

સિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, શેત્રુંજય પર્વત

ગરાજિયા ગામ પાલીતાણા શહેરથી પાંચેક કિલોમીટર દૂર શેત્રુંજય પર્વતની તળેટીમાં આવેલું છે. શેત્રુંજય પર્વત એક રિઝર્વ્ડ ફોરેસ્ટ છે અને તેમાં સિંહ અને દીપડા વસે છે તેમ વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ બીબીસીને જણાવ્યું.

ગામનો સમાવેશ શેત્રુંજી વન્યજીવ વિભાગની પાલીતાણા રેન્જમાં થાય છે.

ચિરાગ અમીને બીબીસીને જણાવ્યું, "આગળના દિવસે ગરાજિયા નજીક આવેલ સોનપરી ગામે આ સિંહોએ એક મારણ કર્યું હતું. તે મારણ ખાઈને ત્રણ સિંહો તેમની અવર-જવરની વાટે જઈ રહ્યા હતા ત્યારે સમય થોડો વધારે થઈ જતાં સવાર પડી ગઈ હતી અને લોકોની અવર-જવર વધી ગઈ હતી. સિંહોના આ ગ્રુપમાં એક પાઠડો નર એટલે કે કિશોર સિંહ પણ હતો અને લોકોએ હો-હલ્લો કરતાં દેખીતી રીતે તે ડરી ગયો હતો. તેવા સંજોગોમાં તેણે એક માલધારી પર હુમલો કરી દીધો. જોકે તે સિંહે તે માલધારીને મારવાનો પ્રયત્ન નથી કર્યો. માલધારીને ઈજા કરીને તે જતો રહે છે તેવું આ ઘટનાના વીડિયોમાં દેખાય છે."

વનવિભાગની પ્રેસનોટ એવું પણ જણાવે છે કે કાળુભાઈ પોતાનાં પ્રાણીઓનો બચાવ કરવા જતાં સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો.

આ વિસ્તારમાં કેટલા સમયથી સિંહ દેખાય છે ?

સિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, શેત્રુંજય પર્વત પર ચડવા માટે પાલીતાણા શહેરમાં આવેલ તળેટી વિસ્તારમાંથી શરું થતી સીડીનું દ્રશ્ય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1990ના દાયકાની શરૂઆત સુધી સિંહો ગીરના જંગલ તરીકે ઓળખાતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જ દેખાતા હતા. આ જંગલ હાલના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં પથરાયેલું છે.

સિંહોની વસ્તી વધતાં 1990ના દાયકાના મધ્ય ભાગની આજુબાજુ સિંહો ગીરના જંગલ બહાર વિસ્તરવા લાગ્યા અને અમરેલીમાં આવેલા પાણિયામાં દેખાવા લાગ્યા. ત્યાર પછી શેત્રુંજી નદીના કિનારે કિનારે તેમનું સામ્રાજ્ય આગળ વધારતાં સિંહો અમરેલીના લીલિયા અને ત્યાંથી ભાવનગરના મહુવા તાલુકામાં પ્રવેશી ગયા અને છેલ્લા એકાદ દાયકાથી ત્યાં સ્થાયી થઈ ગયા છે. મહુવાથી આગળ વધતાં સિંહો પાલીતાણા તાલુકાના શેત્રુંજય પર્વત અને તેની આજુબાજુ પણ વસી ગયા છે.

ગત મહિને શેત્રુંજય પર્વતની સીડી પર સિંહો આવી ચડ્યાનો અને એક સિંહ એક યાત્રાળુની બૅગ લઈને નાસી જવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગીરના જંગલથી દૂર ગીચ માનવ વસ્તીવાળા મહેસૂલી વિસ્તારોમાં સિંહો સ્થાયી થતાં તેમના જતન અને સંરક્ષણ તેમજ સિંહો અને માનવો વચ્ચે ઘર્ષણના બનાવો ટાળવાના હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2019માં શેત્રુંજી વન્યજીવ વિભાગની રચના કરી હતી અને વન વિભાગનો સ્ટાફ ફાળવ્યો હતો. આ વિભાગના નાયબ વન સંરક્ષકની ઓફિસ પાલીતાણા શહેરમાં રાખવામાં આવી છે.

કરમશીભાઈએ કહ્યું, "અમારા ગામમાં છેલ્લાં ત્રણેક વર્ષથી સિંહોના આંટા-ફેરા વધી ગયા છે અને માલઢોરને રંજાડતા રહે છે. પરંતુ કોઈ માણસ પર સિંહે હુમલો કર્યાનો આ પ્રથમ બનાવ છે."

નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને ઉમેર્યું કે વન વિભાગના સ્ટાફે ગરાજીયામાં દેખાયેલ ત્રણેય સિંહોનું લૉકેશન મેળવી લીધું છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે. "અમારો સ્ટાફ ઈજાગ્રસ્ત માલધારીને દાખલ કરાયા છે તે હૉસ્પિટલમાં હાજર છે અને હૉસ્પિટલ સાથે પણ કૉ-ઑર્ડિનેશનમાં છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન