ચંદ્રગ્રહણ : ભારતમાં આ તારીખે થશે ગ્રહણ, ક્યાં જોવા મળશે, કોણ નહીં જોઈ શકે?

 આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં તે ક્યાં દેખાશે?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચંદ્રગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય તેને બ્લ્ડ મૂન કહે છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

આ વરસે છેલ્લું ચંદ્રગ્રહણ 17 અને 18 સપ્ટેમ્બર વચ્ચે થવાનું છે. આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે તે પૂર્ણિમાના દિવસે થશે.

તેને સુપર મૂન કહે છે. સુપર મૂન એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે અને 14 ટકા વધારે ચમકીલો પણ હોય છે. તેને પેરિગી મૂન પણ કહે છે.

સપ્ટેમ્બરની પૂર્ણિમાને ઉત્તર ગોળાર્ધમાં શરદ ઋતુના પાકો સાથે જોડાયેલ હોવાથી તેને હાર્વેસ્ટ મૂન પણ કહે છે.

આ વખતે ચંદ્રગ્રહણ પેનુમબ્રલ(ઉપછાયા) ચંદ્રગ્રહણ હશે. વાસ્તવમાં ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને પેનુમબ્રલ ચંદ્રગ્રહણ.

  • પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વીની પ્રચ્છાયાથી ઢંકાઈ જાય છે.સૂર્યની વિપરીત દિશામાં કોણના રૂપમાં પડનારી કોઈ ગ્રહ કે ઉપગ્રહની છાયાને પ્રચ્છાયા કહે છે.
  • આંશિક ચંદ્રગ્રહણમાં ચંદ્રનો એક ભાગ જ પૃથ્વીની પ્રચ્છાયાથી ઢંકાઈ જાય છે.
  • જ્યારે પેનુમબ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે તો તેને અંગ્રેજીમાં પેનુમબ્રા કહે છે.આ પૂર્ણ ચંદ્રગ્રહણ નથી હોતું એટલે પૃથ્વી પર ચંદ્રની છાયા ન પડીને, માત્ર ઉપછાયા પડે છે. એટલે કે એક ધુંધળી છાયા જ નજરે પડે છે. પેનુમબ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકારમાં કોઈ પરિવર્તન નજરે પડતું નથી.

ભારતમાં ક્યારે થશે ચંદ્રગ્રહણ?

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા મુજબ ભારતમાં આ ચંદ્રગ્રહણ બુધવારે, 18 સપ્ટેમ્બરની સવારે 6.11 વાગ્યે શરૂ થશે. સવારે 7.42 વાગ્યે ચંદ્ર આંશિક રૂપે ઢંકાવાનું શરૂ થશે. જે સવારે 8.45 વાગ્યા સુધી ચાલશે.

ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?

ભારતના લોકો આ ચંદ્રગ્રહણને નહીં જોઈ શકે. સવારે સૂર્યના વધુ પ્રકાશમાં આ ચંદ્રગ્રહણ નજરે નહીં પડે.

ભારત અને કેટલાક અન્ય દેશોની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ દુનિયાના ઘણા દેશોમાં દેખાશે. જેમાં ઉત્તર અમેરિકા, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગો સામેલ છે.

ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે?

ચંદ્રગ્રહણનાં વિભિન્ન ચરણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્રગ્રહણનાં વિભિન્ન ચરણ (2010માં આઇસલૅન્ડમાં લેવામાં આવેલી તસવીર)

સૂર્યની પરિક્રમા દરમિયાન જ્યારે પૃથ્વી, ચંદ્ર તથા સૂર્યની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને ચંદ્ર છૂપાઈ જાય છે કે ચંદ્રનો ભાગ અંધકારમય થઈ જાય છે. આ સ્થિતિને ગ્રહણ કહેવાય છે.

ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણની સરખામણીએ વ્યાપક સ્તરે દેખાય છે.

ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને નગ્ન આંખોએ જોઈ શકે છે જ્યારે કે સૂર્યગ્રહણમાં આવું ન કરી શકાય.

સુપર મૂન, બ્લૂ મૂન અને બ્લ્ડ મૂન શું છે?

બ્લડ મૂન ચંદ્રગ્રહણમાં ચંદ્રમા લાલ રંગનો દેખાય છે

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બ્લ્ડ મૂન ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ રંગનો દેખાય છે
  • સુપર મૂન: સુપર મૂન એક ખગોળીય ઘટના છે. આ દરમિયાન ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય છે અને 14 ટકા વધારે ચમક ધરાવતો દેખાય છે. તેને પેરિગી મૂન પણ કહેવાય છે. ધરતીથી સૌથી નજીકની સ્થિતિને પેરિગી (3,56,500 કિલોમીટર) અને દૂરની સ્થિતિને અપોગી (4,06,700 કિલોમીટર) કહે છે.
  • બ્લૂ મૂન: જ્યારે ફૂલ મૂન મહીનામાં બે વખત થાય છે ત્યારે બીજા ફૂલ મૂનને બ્લૂ મૂન કહે છે.
  • બ્લ્ડ મૂન: ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીની છાયાને કારણે ધરતી પરથી ચંદ્ર કાળો દેખાય છે. ઘણીવાર ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક સૅકંડો માટે ચંદ્ર લાલ રંગનો પણ દેખાય છે. જેને બ્લ્ડ મૂન કહે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.