ગુજરાતના આ જિલ્લામાં ભયાનક ગરમીની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને આવનારા પાંચ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે.
બીજી તરફ ચોમાસું માલદીવ્સ, કોમોરિન એરિયા, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબારના ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર પહોંચી ગયું છે. હવામાન વિભાગે 19મેના રોજ જારી કરેલા બુલેટિન પ્રમાણે ભારતના દરિયામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હાલ ચોમાસું સમયસર આગળ વધી રહ્યું છે.
જ્યારે બંગાળની ખાડીમાં ચોમાસા આગાળ વધવાની સાથે જ એક લૉ પ્રેશર એરિયા બનશે અને ખાડીની મધ્યમાં પહોંચતાની સાથે જ તે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.
હાલ ગુજરાતમાં પશ્ચિમ તરફથી સીધા પવનો આવી રહ્યા છે અને આ ગરમ પવનોને કારણે રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે.
ચોમાસું કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Gujarat - IMD
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હવે અંદાજે એક મહિના કરતાં ઓછો સમય બાકી રહ્યો છે. જ્યારે બીજી તરફ ચોમાસું ઝડપથી બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે.
શ્રીલંકા સુધી પહોંચી ગયેલું ચોમાસું હવે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યારબાદ તે કેરળમાં પહોંચશે. કેટલાક હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું નક્કી થયેલી તારીખ કરતાં પહેલાં પહોંચે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કેરળમાં ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતાં કહ્યું હતું કે 31 મેના રોજ ચોમાસું કેરળ પર પહોંચી જશે. કેરળ પર પહોંચ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે અને જૂન મહિના પ્રથમ કે બીજા અઠવાડિયામાં ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 15 જૂન છે, પરંતુ તે પહેલાં રાજ્યમાં ચોમાસા પહેલાંની ગતિવિધિરૂપે વરસાદ શરૂ થઈ જતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં પાંચ દિવસ ઑરેન્જ ઍલર્ટ

ઇમેજ સ્રોત, Gujarat - IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્મયાં હિટવેવની સ્થિતિ રહેશે.
20 મેના રોજ અમદાવાદ ઍરપોર્ટ પર 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપામાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 45.1 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે ભીષણ ગરમી પડતી હોય છે અને જૂનના બીજા અઠવાડિયા સુધી ગરમીનો પારો ઊંચો રહેતો હોય છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ઍલર્ટ જારી કર્યું છે.
કયા જિલ્લામાં કયું ઍલર્ટ જાહેર કરાયું?
ઑરેન્જ ઍલર્ટ : બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરત અને વલસાડ
યલો ઍલર્ટ : વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી
આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમિયાન પણ તાપમાન વધારે રહેશે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ગરમ રાત્રીનું પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે?

ઇમેજ સ્રોત, Gujarat - IMD
ચોમાસું આગળ વધવાની સાથે-સાથે બંગાળની ખાડીમાં હાલ એક નવી સિસ્ટમ બની રહી છે અને તે બંગાળની ખાડીમાં આગળ વધશે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 22 મેના રોજ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે. જે બંગાળની ખાડીમાં આગળ વધશે અને 24 મેના રોજ આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
હવામાનના જીએફએસ મૉડલ પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને કદાચ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે પરંતુ તે ક્યાં ટકરાશે તે મામલે તમામ મૉડલ હજી એકમત નથી.
આ વાવાઝોડાનો ગુજરાત પર સીધો કોઈ ખતરો નથી અને તેના કારણે રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદ થાય તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને આવનારા દિવસોમાં પણ ગરમી રહેવાની સંભાવના છે.
અરબી સમુદ્રમાં જ્યારે વાવાઝોડું સર્જાય તો ગુજરાતને સીધો ખતરો રહે છે, બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય અને તે કાંઠે ટકરાઈને મહારાષ્ટ્ર પરથી ગુજરાત તરફ આવે તો પણ તેની નબળી પડેલી સિસ્ટમ પહોંચતી હોય છે. જેથી રાજ્યમાં માત્ર વરસાદ થાય પરંતુ ભારે પવનની શક્યતા રહેતી નથી.
હિટવેવમાં શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
હિટવેવની સ્થિતિમાં શું કરવું અને ગરમીથી કેવી રીતે બચી શકાય તે માટે એનડીએમએ ગાઇડલાઇન જારી કરી છે.
- ગરમી વધારે હોય તો પાણી પીવો, તરસ ના લાગી હોય તો પણ પાણી પીવું
- હળવાં, આછાં રંગના, સુતરાઉ કપડાં પહેરવાં
- તડકામાં જાવ ત્યારે ચશ્માં, ટોપી, ચપ્પલ કે શૂઝ પહેરીને જવું, તડકાથી બચવા છત્રી લઈ જવી
- બહાર જવાનું થાય ત્યારે જરૂર પડે તો પાણી સાથે રાખવું
- હિટવેવની સ્થિતિમાં ચા, કૉફી કે કાર્બોહાઇડ્રેટ ધરાવતાં પીણાં ના પીવાં
- ગરમીમાં બહાર જતી વખતે જરૂરી ના હોય તો બાળકોને સાથે ના લઈ જવાં
-જો વધારે ગરમી લાગી જાય તો તુરંત ડૉક્ટરને બતાવો






















