સુરત : એક જ પરિવારના સાત સભ્યોના સામૂહિક આપઘાત કેસમાં એસઆઇટીની રચના

ઇમેજ સ્રોત, Sheetal Patel/BBC
શનિવારે ગુજરાતના સુરત જિલ્લામાં એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવ્યાનો મામલો સામે આવ્યો છે.
સ્થાનિક પોલીસે આપેલી પ્રાથમિક જાણકારી અનુસાર સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારના સિદ્ધેશ્વર ઍપાર્ટમેન્ટમાં સોલંકી પરિવારના પાંચ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી જ્યારે બેએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે.
આત્મહત્યા કરનાર આ પરિવારના મૃતકોમાં મિસ્ત્રીકામના કૉન્ટ્રેક્ટર મનીષ સોલંકી (37 વર્ષ), તેમનાં પત્ની રીટાબહેન (35), પિતા કનુભાઈ (72), માતા શોભનાબહેન (70) અને છથી 13 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો દીક્ષા, કાવ્યા અને કુશલ સામેલ છે.
પોલીસ પ્રમાણે સોલંકી પરિવારના લોકોએ આત્મહત્યા કર્યાનો મૅસેજ આવ્યા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચતાં આ બાબત હકીકત હોવાનું માલૂમ પડ્યું હતું.
પરિવારના ઘરેથી પોલીસને પરિવારની ‘આપવીતી જણાવતી અંતિમ ચિઠ્ઠી’ પણ મળી આવી હતી.
પોલીસ પ્રમાણે પરિવારની આત્મહત્યાના મૂળમાં ‘આર્થિક સંકડામણ’ હોવાનું જણાઈ રહ્યું છે.
ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીએ આપેલી વિગતો અનુસાર પરિવારના મોભી પોતે એક ફર્નિચર બનાવવાનું કામ કરતા. તેઓ સુપરવાઇઝર હતા અને તેમના હાથ નીચે ’30-35 લોકો’ કામ કરતા હતા.
પોલીસે આ ઘટના અંગે વધુ વિગત આપતાં કહ્યું હતું કે પરિવારના અંતિમ લખાણને જોતાં લાગી રહ્યું છે કે તેમને અમુક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતા, પરંતુ એ પૈસા તેમને મળી રહ્યા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારે અંતિમ ચિઠ્ઠીમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હોવાનું પોલીસે જણાવેલું.
ઘટના અંગે પ્રાથમિક માહિતી એકઠી કરી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી હોવાનું જણાવાયું હતું.
સુરતના ડીસીપીસ રાકેશ બારોટે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરતાં કહેલું કે, “મૃતકોએ અંતિમ ચિઠ્ઠી લખી છે. અમે આ પાછળનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ. મોટા ભાગે આ આર્થિક સમસ્યાનો મામલો લાગી રહ્યો છે. આગળની તપાસ ચાલુ છે.”
પોલીસને આ ઘટના અંગે શનિવારે બપોરે દોઢ વાગ્યે મૅસેજ આવ્યો હતો.
પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર મનીષ સોલંકીના કારીગરો તેમનો અને તેમના પરિવારજનોનો સવારથી સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ જવાબ ન મળતાં ઘરે જઈને તપાસ કરતા ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. જોકે, ઘટના બન્યાના સમય અંગે વધુ તપાસ બાદ માહિતી મળી શકશે.
એસઆઇટીની રચના

ઇમેજ સ્રોત, Sheetal Patel/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સમગ્ર ઘટનાની તપાસ માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસઆઇટી) રચના કરાઈ છે.
આ માટેના પત્રમાં લખાયું છે કે, “અડાજણ પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં 62/2023 સીઆરપીસી કલમ 174 મુજબના કામે 28 ઑક્ટોબર 2023ના રોજ અડાજણ વિધ્યાકુંજ સ્કૂલની પાછળ સિદ્ધેશ્વર ફ્લૅટના જી-1 રૂમ નં. સી/2 ખાતે રહેતા એક જ પરિવારના સાત સભ્યો દ્વારા અમુક અગમ્ય કારણસર સામૂહિક આત્મહત્યા કર્યાનો ગંભીર અને ચકચારી બનાવ બન્યો છે.”
“આ બનાવ ખૂબ ગંભીર હોવાથી તમામ પાસાં આવરી લઈ ઊંડાણપૂર્વક-ન્યાયિક તપાસ થાય એ માટે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાય છે.”
નાયબ પોલીસ કમિશનર ઝોન-5, સુરત શહેરને આ એસઆઇટીનું અધ્યક્ષપદ અપાયું છે. સાથે જ એસઆઇટીના સભ્યો અને તપાસઅધિકારી તરીકે અનુક્રમે એસીપી, કે ડિવિઝન, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાઈ છે.
ઘટના બાદ મૃતકોના પોસ્ટમૉર્ટમ કરાતાં તેના રિપોર્ટમાં માલૂમ પડ્યું હતું કે મનીષ અને રીટાબહેનના મોટાં પુત્રી અને માતાને ફાંસો અપાયો હતો. જ્યારે બાકીના તમામ સભ્યોને ઝેરી દવા અપાઈ હતી.
(ઇનપુટ : શીતલ પટેલ)
























