ગુજરાતમાં ઑગસ્ટમાં વરસાદ બંધ કેમ થયો અને નવો રાઉન્ડ ક્યારે આવશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં હાલ બે પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે.

બંગાળની ખાડીમાં ઑગસ્ટ મહિનામાં સર્જાયેલી સિસ્ટમને કારણે એવી આશા જાગી હતી કે મધ્ય ભારતથી લઈને ગુજરાત સુધી ફરી ચોમાસું સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

જોકે, આ સિસ્ટમ ખૂબ મજબૂત ના બની શકી અને મધ્ય પ્રદેશ પર પહોંચ્યા બાદ એ નબળી પડી અને તે હવે ઉત્તર પ્રદેશ તરફ જતી રહી છે. જેના કારણે ફરીથી વરસાદ ઘટવાની શરૂઆત થઈ જશે.

હવે ચોમાસું માત્ર દોઢ મહિના જેટલું બાકી રહ્યું છે અને ચોમાસાના લગભગ અઢી મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે. ઑગસ્ટ મહિનાનું હવે લગભગ અઠવાડિયું માત્ર બાકી રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતમાં હાલ વરસાદની રાહ જોવાઈ રહી છે અને આવનારા દિવસોની હવામાન વિભાગની આગાહી પણ ચિંતા ઉપજાવનારી છે.

ગ્રે લાઇન

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

19થી 21 ઑગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી.

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સ્થિતિ કપરી છે અને બિનપિયત ખેતી કરતા ખેડૂતો માટે હવેની સ્થિતિ વધારે મુશ્કેલ બની રહી છે.

દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ફરીથી શુષ્ક બની જશે એટલે કે છુટોછવાયો વરસાદ પણ બંધ થઈ જવાની શક્યતા છે.

આવનારા પાંચ દિવસો સુધી હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે ઑગસ્ટ મહિનાના અંત સુધી દેશના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા નથી. ગુજરાતમાં પણ ઑગસ્ટના અંત સુધી ફરીથી કોઈ નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા નથી.19થી 21 ઑગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી હળવાથી મધ્ય વરસાદ વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી.

ગ્રે લાઇન

ઑગસ્ટ મહિનામાં વરસાદ કેમ બંધ થઈ ગયો?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના ઉપરાઉપરી રાઉન્ડ જોવા મળ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી.

જુલાઈ મહિનામાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમો એક બાદ એક ગુજરાત તરફ આવી અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ પહેલાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદ થયો હતો. હાલ અનેક વિસ્તારોમાં વાવણી બાદ પાકને પિયતની જરૂર પડી રહી છે.

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમને કારણે આવે છે. જુલાઈ મહિનામાં બંગાળની ખાડી ખૂબ જ સક્રિય હતી પરંતુ ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ તેમાં કોઈ સિસ્ટમો બની રહી નથી.

તાજેતરમાં બનેલી એક સિસ્ટમ પણ નબળી બની અને તે ગુજરાત કે રાજસ્થાન સુધી પહોંચી શકી નહીં. બીજી તરફ રાજસ્થાન, મધ્ય પ્રદેશ કે દક્ષિણ ગુજરાત પર પણ કોઈ સિસ્ટમ બની નથી.

જેના કારણે મૉન્સૂન ટ્રફ પણ સતત હિમાલયની તળેટીના વિસ્તારમાં હતી અને સૌથી વધારે વરરસાદ ત્યાં જ પડ્યો હતો. હાલ પણ મૉન્સૂન ટ્રફ ફરીથી ખસીને ઉત્તરમાં તેના સામાન્ય સ્થાને જતી રહેશે અને ઉત્તર ભારત તથા પૂર્વોત્તરમાં વધારે વરસાદ થશે.

બીબીસી ગુજરાતી

ચોમાસા પર અલ નીનોની અસર?

ગુજરાતમાં વરસાદ

ભારતથી દૂર મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરનું તાપમાન છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ વધતા તાપમાનને અલ નીનો કહેવામાં આવે છે.

હાલ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ ખૂબ મજબૂત બની રહી છે અને તેની અસર વિશ્વભરના વાતાવરણમાં થઈ રહી છે. જ્યારે પણ અલ નીનો સર્જાય છે ત્યારે ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે અલ નીનો મજબૂત થતાં હવે તેની અસર ભારતના ચોમાસા પર વર્તાઈ રહી છે. જુલાઈમાં સારા વરસાદ બાદ હવે ઑગસ્ટ મહિનામાં વરસાદ ઘટી રહ્યો છે.

જુલાઈ મહિનામાં અલ નીનો હજી મજબૂત થઈ રહ્યું હતું એટલે તેની વધારે અસર ભારતના ચોમાસા પર થઈ ન હોવાનું નિષ્ણાતો માને છે. જ્યારે હવે તેની અસર દેખાઈ રહી છે અને બાકી રહેલા ચોમાસા પર પણ તેની અસર દેખાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

ભૂતકાળમાં પણ જોઈએ તો જ્યારે અલ નીનોની સ્થિતિ પેદા થઈ છે ત્યારે કેટલાક અપવાદને બાદ કરતાં ભારતમાં ચોમાસાની સ્થિતિ નબળી રહી છે. કેટલાક વર્ષોમાં તો ભારતે દુષ્કાળ જોવા પડ્યા છે.

રેડ લાઇન
રેડ લાઇન