ઇઝરાયલની કૅબિનેટે અલ જઝીરા ચેનલ પર પ્રતિબંધને મંજૂરી આપી

ઇમેજ સ્રોત, getty images
ઇઝરાયલની કૅબિનેટે દેશમાં અલ જઝીરા નેટવર્કના કામકાજ પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ઇઝરાયલની સંસદે ગયા મહિને સરકારને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાતા વિદેશી ટીવી નેટવર્કોને બંધ કરવાની સત્તા આપી હતી.
આ પ્રતિબંધને કારણે ઇઝરાયલમાં આવેલી અલ જઝીરાની ઑફિસો બંધ કરવામાં આવશે.
ઇઝરાયલ સરકાર લાંબા સમયથી અલ જઝીરા ચેનલ પર ઇઝરાયલ વિરોધી પક્ષપાત કરવાનો આરોપ લગાવતી રહી છે.
બ્રૉડકાસ્ટ ઉપકરણોને જપ્ત કરવામા આવશે અને ચેનલે સેટેલાઇટ તથા કંપની કૅબલોમાંથી હટાવી દેવામા આવશે. આ ઉપરાંત અલ જઝીરા ચેનલની વેબસાઇટ પર પણ પ્રતિબંધ લાદવામાં આવશે.
કતારની સરકારની અલ જઝીરા ચેનલમાં ભાગીદારી છે. ગાઝામાં બંધક ઇઝરાયલીઓની મુક્તિ માટે ચાલી રહેલી વાતચીતમાં કતાર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
ઇઝરાયલ પર 7 ઑક્ટોબરે હમાસના હુમલા પછી ઇઝરાયલની ટીકા વધારે થઈ હતી.
ઇઝરાયલના વડા પ્રધાન કહેતા આવ્યા છે કે આ ચેનલ “આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાઝાથી કેટલાક ગણ્યાગાઠ્યાં પત્રકારો જ રિપોર્ટ મોકલી શકે છે, તેમાં અલ જઝીરાના પત્રકારો પણ સામેલ છે.
અલ જઝીરાના પ્રબંધકે ટીવી નેટવર્ક પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ખતરનાક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમારી ટીમ કાયદાકીય જવાબ તૈયાર કરી રહી છે.
ઇઝરાયલના ચાર વિદેશમંત્રીઓના સલાહકાર રહેલા પૂર્વ ઇઝરાયલી રાજદ્વારી એલૉન પિનકાસે બીબીસી સાથે વાત કરતી વખતે ઇઝરાયલ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે.
તેમણે કહ્યું કે અલ જઝીરા પર ખોટા સમયે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પિનકાસે કહ્યું કે આ પ્રતિબંધ અલ જઝીરાને રિપોર્ટ કરવાથી રોકી શકશે નહીં.
ભારતીય વાયુસેનાની ટુકડી પર ચરમપંથી હુમલો, એક જવાનનું મોત અને ચાર ઘાયલ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાની એક ટુકડી પર થયેલા ચરમપંથી હુમલામાં એક જવાનનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે.
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા ઍક્સ પર આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે પૂંછ જિલ્લામાં શાહસિતાર પાસે સેનાની એક ટુકડીને ચરમપંથીએ નિશાન બનાવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, સાંજે લગભગ 6:15 વાગ્યે જવાનો જરનવાલીથી વાયુસેના સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સેનાએ શનિવારે રાતે નવ વાગ્યા આસપાસ હુમલાની પુષ્ટિ કરી હતી.
જોકે, એક કલાક પછી ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં જણાવ્યું, “આતંકવાદીઓ સાથે ગોળીબારીમાં વાયુસેનાના જવાનોએ બહાદુરીથી લડાઈ લડી. આ દરમિયાન પાંચ આઈએએફ જવાનોને ગોળી લાગી હતી. તેમને સારવાર માટે નજીકના સૈન્ય હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાને કારણે એક જવાનનું મોત થયું છે.”
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે અન્ય એક સૈનિકની સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
એજન્સીએ રવિવારે સવારે જણાવ્યું કે પૂંછ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને સુરક્ષાદળો વાહનોની તપાસ કરી રહ્યાં છે.
આ હુમલા વિશે રાજકીય પક્ષોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂંછમાં થયેલા હુમલાને કાયરતા ગણાવીને સોશિયલ સાઇટ ઍક્સ પર લખ્યું, “જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આપણી સેનાની ટુકડી પર એક કાયરતાપૂર્ણ આતંકી હુમલો એકદમ શરમજનક અને દુ:ખદ છે. હું શહીદ જવાનને મારી વિન્રમ શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ હુમલામાં ઘાયલ થયેલા જવાનો જલદી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું.”
ભારતીય જનતા પાર્ટીના નેતા અને આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે લખ્યું, “હું આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું. પૂંછમાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેના પર હુમલો કર્યો છે, જેમાં વાયુસેનાના ચાર જવાનો ઘાયલ થયા છે. હું તેઓ જલદી અને સંપૂર્ણપણે સ્વસ્થ થાય તેની કામના કરું છું. આ અત્યંત ધિક્કારપૂર્ણ કૃત્ય માટે જવાબદારો લોકોએ ન્યાયનો સામનો કરવો પડશે.”
આરજેડી પાર્ટીના સંસદસભ્ય મનોજ ઝાએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “આ દુ:ખદ ઘટના છે. જ્યારે કોઈ શહીદ થાય છે ત્યારે આપણે ફુલ-માળા ચડાવીને નિશ્ચિંત થઈ જઈએ છીએ. શું આ ઇન્ટેલિજન્સની નિષ્ફળતા નથી? આપણે આજે પણ પુલવામાની ઘટના પર રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. શહીદી અર્થહીન નથી. સરકારે એવાં પગલાં લેવાં જોઈએ કે આવી ઘટનાઓ ફરી ન બને.”
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ત્રણ અઠવાડિયાં પછી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ-રાજૌરી લોકસભા વિસ્તારમાં મતદાન થશે.
પૂંછ જિલ્લો અનંતનાગ-રાજૌરી વિસ્તારનો ભાગ છે, જ્યાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાશે.






















