ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું મોટું ઍલાન, ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરશે – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફને લઈને મોટું ઍલાન કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે અમેરિકા દુનિયાભરના દેશો પર લાગુ 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવા જઈ રહ્યું છે.

તેમણે દાવો કર્યો કે ઘણા દેશો દશકોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને આ નિર્ણય તેના જવાબમાં લેવામાં આવ્યો છે.

અગાઉ અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લગાવવામાં આવેલા તમામ ટેરિફ રદ કરી દીધા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયાપર 10 ટકા નવા ટેરિફ લગાવી દીધા હતા.

ટ્રમ્પે અદાલતના નિર્ણયને ભયાનક ગણાવ્યો હતો અને તેમની વેપાર નીતિને રદ કરનારા ન્યાયાધીશોને 'બેવકૂફ' કહ્યા હતા.

આ અગાઉ અમેરિકન સુપ્રીમ કોર્ટે વ્હાઇટ હાઉસ દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા મોટા ભાગના ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા. 6-3 નિર્ણયમાં કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ પોતાના અધિકારોથી ઉપરવટ જઈને નિર્ણય લીધો હતો.

અમેરિકાના બિઝનેસમેન અને રાજ્યો માટે આ ચુકાદો જીત માનવામાં આવે છે જેમણે ટ્રમ્પના ટેરિફને પડકાર્યા હતા.

તેનાથી સંભવિત રીતે અબજો ડૉલરના ટેરિફ રિફંડનો રસ્તો ખુલી ગયો છે, સાથે સાથે વૈશ્વિક વ્યાપારના પરિદૃશ્યમાં નવી અનિશ્ચિતતા પણ વધી છે.

શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે એવા સંકેત આપ્યા કે કાનૂની લડાઈ વગર રિફંડ નહીં મળે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આ મામલો વર્ષો સુધી કોર્ટમાં અટવાયેલો રહી શકે છે.

ટી20 વિશ્વકપ : પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડની મૅચ રદ, ત્યાર પછી શું થયું?

ટી20 વિશ્વકપની પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની સુપર-8 મુકાબલાની મૅચ વરસાદને કારણે રદ કરી દેવામાં આવી છે. બંને ટીમને એક-એક અંક મળ્યા છે.

જો બંને ટીમ સેમિફાઇનલમાં પહોંચવા માગતી હોય તો બચીલી બંને મૅચ તેમણે જીતવી પડશે. આ બંને ટીમોને ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા સામે મૅચ રમવાની છે.

સુપર-8ના મુકાબલામાં પાકિસ્તાને ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ત્યાર પછી વરસાદ શરૂ થઈ ગયો હતો.

મૅચ રેફરીએ લગભગ અઢી કલાક રાહ જોઈ પરંતુ કોલંબોમાં વરસાદ ચાલુ જ રહ્યો. તેથી આખરે મૅચ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

આ બીજી વખત બન્યું જ્યારે કે આ ટુર્નામેન્ટમાં વરસાદને કારણે મૅચ રદ કરવી પડી હોય. આ પહેલા ઝિમ્બાબ્વે અને આયર્લૅન્ડ વચ્ચેની મૅચ રદ કરવી પડી હતી.

અમદાવાદમાં પીજી બંધ થવા વિશે મ્યુનિસિપલ કૉર્પોરેશને શું કહ્યું?

જૂન-2025માં ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ મૌના ભટ્ટે યોગ્ય રજિસ્ટ્રેશન તથા સંબંધિત સોસાયટીની મંજૂરી વગર રહેણાંક વિસ્તારોમાં ધંધાકીય હેતુસર ચાલતાં પેઇંગ ગેસ્ટને બંધ કરાવવા અંગે આદેશ આપ્યો હતો.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ જણાવ્યું હતું, "અમારા ઍસ્ટેટ વિભાગે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ફાયર એનઓસી (નૉ-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોય, પોલીસ વૅરિફિકેશન ન થયું હોય કે સોસાયટીની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ચાલતાં 65 જેટલાં પીજીને સીલ કર્યા છે. કાયદેસર રીતે ચાલતાં પીજી સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી."

ઉલ્લેખનીય છે કે પીજી બંધ થવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને અસર પહોંચી હતી.

ત્યારે શુક્રવારે રાત્રે કેટલાક લોકો તથા વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ખાતે ધસી જઈને કમિશનર બંછાનિધિ પણિની ઑફિસની બહાર ધરણાંનો કાર્યક્રમ આપ્યો હતો. બાદમાં પોલીસે તેમને વિખેર્યા હતા.

રાજકોટમાં ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામ-સામે થતાં તણાવ

શુક્રવારે યુવા કૉંગ્રેસના કેટલાક કાર્યકરોએ નવી દિલ્હી ખાતે એઆઇ ઇમ્પૅક્ટ સમિટમાં શર્ટ ઊતારીને વિરોધપ્રદર્શન કર્યું હતું. જેના પડઘા દિલ્હી સહિત દેશનાં અનેક શહેરોમાં સંભળાયા છે.

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયા જણાવે છે કે શુક્રવારે સાંજે રાજકોટ ખાતે ભાજપના કાર્યકરોએ વિરોધપ્રદર્શન યોજયું હતું અને રાહુલ ગાંધીનાં પૂતળાં સળગાવી કૉંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી હતી.

સામે પક્ષે કૉંગ્રેસના કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પૂતળાં અને તસવીરો સળગાવ્યાં હતાં. શનિવારે ભાજપના કાર્યકરો શનિવારે રેસકોર્ષસ્થિત કૉંગ્રેસના કાર્યાલયે વિરોધ કરવા પહોંચ્યા હતા.

ત્યારે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી, જેના કારણે થોડો સમય માટે તણાવ ફેલાઈ જવા પામ્યો હતો. જોકે, પોલીસે ચાંપતો સુરક્ષાબંદોબસ્ત ગોઠવ્યો હોય પરિસ્થિતિ એકંદરે કાબૂમાં રહેવા પામી હતી.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પોતાના પર યૌન શોષણના મામલે એફઆઈઆર દાખલ કરવાના આદેશ પર શું કહ્યું?

પ્રયાગરાજની પૉક્સો કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તથા તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી પર યૌનશોષણના આરોપો મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવે.

તેના પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "ત્યારે જ અમારી સામે દાખલ કરવામાં આવેલા જૂઠા કેસનું સત્ય બહાર આવશે અને દોષિતોને સજા મળી શકશે. તેથી કેસ દાખલ થવો જોઈએ અને આગળની તપાસ હાથ ધરાવી જોઈએ."

"કોર્ટને તેના પર જલદી કામ કરવું જોઈએ તથા વધારે સમય ન લેવો જોઈએ, કારણકે ઘણા લોકો તેને જોઈ રહ્યા છે. નિવેદન લેવામાં આવે અને નિર્ણય લેવામાં આવે. જે ખોટું છે તે ખોટું જ રહેશે, જે જૂઠો કેસ દાખલ કરવામાં આવ્યો છે તે આખરે જૂઠો સાબિત થશે."

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની સામે ફરિયાદ દાખલ કરનારા આશુતોષ બ્રહ્મચારીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "અવિમુક્તેશ્વરાનંદ તથા તેમના શિષ્ય મુકુંદાનંદ સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ અમને ન્યાય મળ્યો છે. નાનાં બાળકો સાથે અવિમુક્તેશ્વરાનંદ કુકર્મ કરતા હતા, લૈંગિક અપરાધ કરતા હતા. કોર્ટે તે સાક્ષ્યોની તપાસના આદેશ પણ આપ્યા છે, જે અમે આપ્યા હતા."

ટી20 વિશ્વકપ : પાકિસ્તાને ન્યૂઝીલૅન્ડ સામેના સુપર-8 મુકાબલામાં ટૉસ જીતીને પહેલી બેટિંગ લીધી

પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વિશ્વકપનો સુપર-8 રાઉન્ડનો મુકાબલો થઈ રહ્યો છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. સુપર-8 મુકાબલાની આ પહેલી મૅચ છે.

આ મૅચ શ્રીલંકાના કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટી20 વિશ્વકપમાં ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાને અત્યારસુધી સાત મૅચ રમી છે. પાકિસ્તાને પાંચ અને ન્યૂઝીલૅન્ડે બે મૅચ જીતી છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ પર આપવામાં આવેલા ચુકાદા મામલે ભારતે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વૈશ્વિક ટેરિફને ત્યાંની સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. આ અંગે હવે ભારત તરફથી વાણિજ્ય અને ઔદ્યોગિક મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે.

મંત્રાલયે પ્રેસ નિવેદન જાહેર કરતાં જણાવ્યું, "અમે કાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ અંગે આપેલા ચુકાદાને જોયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે પ્રેસ કૉન્ફરન્સ પણ કરી છે. અમેરિકન પ્રશાસને કેટલીક જાહેરાતો કરી છે. અમે આ તમામ ઘટનાક્રમોનો પ્રભાવ સમજવા માટે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ."

ટેરિફ રદ્દ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 10 ટકા નવા વૈશ્વિક ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે અદાલતના નિર્ણયને 'ભયાનક' કહીને વેપાર નીતિને ફગાવી દેનારા જજોને 'મૂર્ખ' ગણાવ્યા હતા.

એક પ્રેસ કૉન્ફરન્સમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ભારત સાથે થયેલા વેપાર કરાર પર શું અસર પડશે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "કંઈ બદલાયું નથી, ભારત ટેરિફ ચૂકવશે. અમે ટેરિફ ચૂકવવાના નથી."

મહિલા ટી20 : ભારતે ઑસ્ટ્રેલિયાને 17 રને હરાવીને સિરીઝ કરી કબજે

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવીને ત્રણ મૅચોની ટી20 સિરીઝ પર પોતાનો કબજો કરી દીધો છે. ભારતે ઑસ્ટ્રેલિયાને 17 રને હાર આપી છે.

બંને ટીમો વચ્ચે ઑસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં આ મૅચ રમાઈ હતી. જ્યાં ટૉસ જીતીને ભારતે પહેલી બેટિંગ કરી હતી.

ભારતે ઑસ્ટ્રેલિયાને 177 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. પરંતુ ઑસ્ટ્રેલિયાની ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શકી.

ઑસ્ટ્રેલિયાની ટીમમાં સર્વોચ્ચ સ્કોર એશ્લે ગાર્ડનરનો રહ્યો. તેમણે 45 બૉલમાં 57 રન બનાવ્યા હતા. ફોએબે લીચફિલ્ડે 17 બૉલમાં 26 રન બનાવ્યા.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સારી પારી રમીને 55 બૉલમાં 82 રન બનાવ્યા હતા. આ પહેલાં સિરીઝમાં બંને ટીમોએ એક-એક મૅચ જીતી હતી.

એઆઇ સમિટ દરમિયાન શર્ટ ઊતારીને વિરોધ કરનારા કૉંગ્રેસના કાર્યકરોને પોલીસ કસ્ટડીમાં મોકલાયા

ઇન્ડિયન યુથ કૉંગ્રેસના કેટલાક કાર્યકરોએ શુક્રવારે નવી દિલ્હી ખાતે આયોજિત એઆઇ સમિટમાં શર્ટ ઊતારીને વિરોધપ્રદર્શન કર્યું હતું. સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારેબાજી કરી હતી. એ પછી પોલીસે તેમની અટકાયત કરી હતી.

દેખાવકારોમાંથી ચાર કાર્યકર્તાઓને દિલ્હી પોલીસે ધરપકડ કરીને તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ કાર્યકરોમાં કૃષ્ણ હરિ, કુંદન યાદવ, અજયકુમાર તથા નરસિંહ્મા યાદવને શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

દિલ્હી પોલીસે યુવા કૉંગ્રેસના ભાનુ ચિબની પણ પૂછપરછ કરી હતી.

બીજી બાજુ, શનિવારે દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધીનાં ઘરની બહાર દેખાવો યોજ્યા હતા.

કૉંગ્રેસનું કહેવું છે કે વિરોધપ્રદર્શન કરવું એ તેનો 'લોકશાહીએ આપેલો અધિકાર' છે. બીજી બાજુ, ભાજપે તેને 'શરમજનક સ્થિતિમાં મૂકનારું કૃત્ય' ગણાવ્યું હતું.

બસપાનાં સુપ્રીમો માયાવતીએ એઆઇ ઇમ્પૅક્ટ સમિટ દરમિયાન કૉંગ્રેસનાં કાર્યકરોનાં પ્રદર્શનને 'અશોભનીય' અને 'નિંદનીય' ગણાવ્યું હતું. માયાવતીના કહેવા પ્રમાણે, જો આ કાર્યક્રમ દેશનો હોત, તો કોઈ વાંધો ન હતો. પરંતુ આ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ હતો, જેમાં આવું આચરણ ચિંતાનો વિષય છે. પોતાના દેશની ગરિમા અને ઇમેજને બગાડવામાં ન આવે, એ સારું રહેશે.

ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલો કરવાની અમેરિકાની તૈયારી - ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ઈરાનનો અણુ કાર્યક્રમ રોકવા અને તેમના નેતાઓ પર દબાણ વધારવાના હેતુથી ઈરાન પર મર્યાદિત સૈન્ય હુમલો કરવાનો વિચાર કરે છે.

ટ્રમ્પે પત્રકારોના સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. તેનાથી કેટલાક કલાક અગાઉ અધિકારીઓએ હુમલાની સંભાવનાના સંકેત આપ્યા હતા.

ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે દુનિયાને "કદાચ આગામી 10 દિવસમાં" ખબર પડી જશે કે ઈરાન સાથે સમજૂતી થશે કે પછી અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે. તાજેતરનાં અઠવાડિયાંમાં અમેરિકાએ આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય હાજરી વધારી છે.

શુક્રવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે "ઈરાન સંભવિત સમજૂતીના ડ્રાફ્ટ પર તૈયારી કરે છે અને આગામી કેટલાક દિવસોમાં અમેરિકાના વિશેષદૂત સ્ટીવ વિટકૉફને સોંપવામાં આવશે."

અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓને શંકા છે કે ઈરાન પોતાના પરમાણુ હથિયારના કાર્યક્રમમાં આગળ વધી રહ્યું છે. ઈરાને હંમેશાં આ આરોપોને નકાર્યા છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટ્રમ્પે દુનિયાભરમાં નવા ટેરિફ લગાવ્યા

અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લગાવવામાં આવેલા તમામ ટેરિફ રદ કરી દીધા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયાપર 10 ટકા નવા ટેરિફ લગાવી દીધા છે.

ટ્રમ્પે અદાલતના નિર્ણયને ભયાનક ગણાવ્યો હતો અને તેમની વેપાર નીતિને રદ કરનારા ન્યાયાધીશોને 'બેવકૂફ' કહ્યા હતા.

આ અગાઉ અમેરિકન સુપ્રીમ કોર્ટે વ્હાઇટ હાઉસ દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા મોટા ભાગના ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા. 6-3 નિર્ણયમાં કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ પોતાના અધિકારોથી ઉપરવટ જઈને નિર્ણય લીધો હતો.

અમેરિકાના બિઝનેસમેન અને રાજ્યો માટે આ ચુકાદો જીત માનવામાં આવે છે જેમણે ટ્રમ્પના ટેરિફને પડકાર્યા હતા.

તેનાથી સંભવિત રીતે અબજો ડૉલરના ટેરિફ રિફંડનો રસ્તો ખુલી ગયો છે, સાથે સાથે વૈશ્વિક વ્યાપારના પરિદૃશ્યમાં નવી અનિશ્ચિતતા પણ વધી છે.

શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે એવા સંકેત આપ્યા કે કાનૂની લડાઈ વગર રિફંડ નહીં મળે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આ મામલો વર્ષો સુધી કોર્ટમાં અટવાયેલો રહી શકે છે.

ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં - ટ્રમ્પ

અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેનાથી ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં થાય.

તેનો અર્થ એવો કાઢવામાં આવે છે કે ભારત પર 18 ટકાના ટેરિફ ચાલુ રહેશે.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે ટ્રમ્પે જણાવ્યું કે "મને લાગે છેકે ભારત સાથે મારા સંબંધો બહુ સારા છે અને અને ભારત સાથે ટ્રેડ કરીએ છીએ. ભારત રશિયાથી અલગ થઈ ગયું છે."

"ભારત રશિયા પાસેથી ઑઇલ મેળવતું હતું."

"મારી વિનંતીના કારણે તેમણે તે બંધ કરી દીધું કારણ કે અમે ભયાનક યુદ્ધ બંધ કરાવવા માગીએ છીએ જેમાં દર મહિને 25 હજાર લોકો માર્યા જાય છે."

શુક્રવારે ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં આ વાત કરી હતી.તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોની વાત કરતા કહ્યું કે "આ સંબંધો બહુ સારા છે."

પાકિસ્તાનમાં 28.9 ટકા ગરીબી દર, પૂર્વ મંત્રીએ કહ્યું- વાસ્તવમાં ઘણી વધારે ગરીબી

પાકિસ્તાનમાં છેલ્લાં છ વર્ષમાં ગરીબી દરમાં ભારે વધારો થયો છે.

પ્લાનિંગ કમિશનના નવા આંકડા મુજબ 2018-19 માં ગરીબી દર 21.9 ટકા હતો, જે 2024-25માં વધીને 28.9 ટકા થઈ ગયો.

રિપોર્ટ પ્રમાણે શહેરોમાં ગરીબીનો દર 11 ટકાથી વધીને 17.4 ટકા થઈ ગયો, જ્યારે ગામડામાં આ દર 28.2 ટકાથી વધીને 36.2 ટકા થયો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ગરીબી વધવાનાં કારણોમાં કોરોના રોગચાળાની અસર, દુનિયાભરમાં માલસામાન અને ઍનર્જીના ભાવોમાં વધારો, પાકિસ્તાનમાં પૂરના કારણે માળખાકીય સવલતોને નુકસાન અને રોજગારની તકો ઘટવાનો સમાવેશ થાય છે.

બીબીસી ઉર્દૂ મુજબ ભૂતપૂર્વ નાણામંત્રી ડૉ. હફીઝ પાશાએ સરકારી રિપોર્ટની ટીકા કરી છે.

તેમનું કહેવું છે કે આ આંકડા જમીની હકીકતથી અલગ છે. તેમના કહેવા મુજબ વર્લ્ડ બૅન્કનો રિસર્ચ દર્શાવે છે કે પાકિસ્તાનમાં ગરીબીનો દર 45 ટકા છે, જ્યારે તેમના પોતાના સંશોધન પ્રમાણે આ દર 43 ટકા જેટલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન