હૉંગકૉંગની અનેક ઇમારતોમાં ભીષણ આગ, 13નાં મૃત્યુ, લોકો જીવ બચાવીને ભાગ્યા - ન્યૂઝ અપડેટ

કૉમનવેલ્થ રમોત્સવ, કૉમનવેલ્થ ગૅમ્સ, 2026 ગ્લાસગો, વર્ષ 2030 અમદાવાદને યજમાનપદ, હર્ષ સંઘવી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ,

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

હૉંગકૉંગના તાઇ પોના રહેણાક વિસ્તારમાં ભારે આગ લાગી છે, જેના કારણે ઓછામાં ઓછા 13 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 28 અન્ય ઘાયલ થયા છે.

ઘટનાસ્થળની જે તસવીરો આવી રહી છે, તેમાં આગની જ્વાળાઓ, ધુમાડાના ગોટેગોટા, જીવ બચાવવા માટે નાસભાગ કરી રહેલા લોકો તથા આગને કાબૂ કરવા માટે પ્રયાસરત્ ફાયરફાઇટર્સ નજરે પડે છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ, વાંગ ફૂક કોર્ટ નામના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં આગ લાગી છે. જેના આઠ બ્લૉક્સમાં બે હજાર કરતાં વધુ ફ્લૅટ્સ છે.

હૉંગકૉંગમાં સામાન્ય રીતે નાના અને એકબીજાની ખૂબ જ નજીક હાઉસિંગ કૉમ્પ્લેક્સ બનેલા હોય છે, જેના કારણે એકની અસર તરત જ બીજા બ્લૉક કે બિલ્ડિંગમાં પણ વર્તાય છે.

હજુ 13 લોકો ફસાયેલા છે. અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તથા તેમના માટે રાહતછાવણીઓ ઊભી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે તથા અમુક બસસેવા રદ કરી દેવામાં આવી છે, અથવા તેમના રૂટ બદલી નાખવામાં આવ્યા છે.

રાજકોટના જાણીતા ક્રિકેટરના સાળાએ કથિત રીતે આત્મહત્યા કરી

ક્રિકેટર, સાળા આત્મહત્યા, જીત પાબારી, બીબીસી ગુજરાતી, રાજકોટ

ઇમેજ સ્રોત, Getty Images/Bipin Tankaria

રાજકોટમાં અમીન માર્ગ પર રહેતા જીત પાબારી નામના યુવકે કથિત રીતે આત્મહત્યા કરી છે. જીત પાબારીએ તેમની સામે બળાત્કારનો ગુનો નોંધાયાના બરાબર એક વર્ષ બાદ 26 નવેમ્બર, બુધવારના દિવસે કથિત રીતે આપઘાત કરી લીધાની માહિતી પોલીસે આપી છે.

રાજકોટના એક જાણીતા ક્રિકેટરના સાળા જીત સામે ગત વર્ષે બળાત્કારનો ગુનો નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેઆર દેસાઈએ બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા સાથે વાત કરતા જીત પાબારીએ કરેલી કથિત આપઘાતની પુષ્ટિ કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર જેઆર દેસાઈ બીબીસી સંવાદદાતાને જણાવ્યું, "જીત પાબારીએ તેમના ઘરે ગળેફાંસો ખાઈને બુધવારે સવારે આત્મહત્યા કરી લીધા હોવાની માહિતી મળી છે. ઘરે તેમને લટકતા જોવાયા બાદ તેમને નજીકની એક ખાનગી હૉસ્પિટલ લઈ જવાયા હતા."

"જ્યાં ડૉક્ટરે જીતને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ આત્મહત્યાનો બનાવ છે. જોકે પોલીસને કોઈ સ્યૂસાઇડ નોટ હજુ સુધી મળી નથી. હાલ તો અકસ્માતે મોતના બનાવ સંદર્ભે આ ઘટના વિષે અમે માહિતી મેળવી રહ્યા છીએ."

નોંધનીય બાબત એ છે કે ગત વર્ષે 26 નવેમ્બરના રોજ જીત પાબારીનાં પૂર્વ મંગેતરે તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે '2014માં સોશિયલ મીડિયા મારફત તે જીત પાબારીના સંપર્કમાં આવી હતી અને 2022માં બંનેની સગાઈ થઈ હતી.'

યુવતીએ તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 'સગાઈ બાદ જીત પાબારીએ તેમની સાથે બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યો હતો અને પછી સગાઈ તોડી નાખી હતી.'

રાજકોટમાં જ રહેતી આ યુવતીની ફરિયાદ બાદ પોલીસે જીત પાબારીની ધરપકડ પણ કરી હતી, પછી તેમને જામીન મળી ગયા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર જેઆર દેસાઈએ કહ્યું, "યુવતીએ નોંધાવેલી ફરિયાદના અનુસંધાને જીત પાબારીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસના અંતે પોલીસે જીત પાબારી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે, પરંતુ ટ્રાયલ હજુ પેન્ડિંગ છે. જીત પાબારીને આ ગુનામાં પછીથી જામીન મળી ગયા હતા."

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

'મારું ભવિષ્ય બીસીસીઆઈના હાથમાં...' દક્ષિણ આફ્રિકા સામે 2-0થી પરાજય બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે શું કહ્યું?

ગૌતમ ગંભીર, હેડ કોચ, દક્ષિણ આફ્રિકા સામે વ્હાઇટ વોશ,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગૌતમ ગંભીર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટનું પરિણામ બુધવારે આવ્યું, જેમાં ભારતનો 408 રને પરાજય થયો છે. જે રનની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો પરાજય છે.

કોલકતા બાદ ગુવાહાટી ટેસ્ટમાં પણ દક્ષિણ ભારત સામે પરાજય થયો છે. લગભગ અઢી દાયકા બાદ મહેમાન ટીમના હાથે ભારતનો ટેસ્ટ સિરીઝમાં પરાજય થયો છે.

ગત વર્ષે ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી પરાજય થયો હતો. એ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ઉપર પણ સવાલ ઊઠી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીત કરતી વેળાએ ગૌતમ ગંભીર નિરાશ જણાયા હતા.

ગંભીરે કહ્યું હતું કે તેમના ભવિષ્ય અંગે બીસીસીઆઈએ નિર્ણય લેવાનો છે. સાથે જ તેમણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ (2-2) અને ચૅમ્પિયન્સ ટ્રૉફી અને એશિયા કપમાં વિજયની વાતો પણ યાદ કરાવી હતી.

સાથે જ ગૌતમ ગંભીરે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના પ્રદર્શનની જવાબદારી સ્વીકારી હતી. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના પ્રદર્શન ઉપર સવાલ ઊઠી રહ્યા છે.

ગુવાહાટી ટેસ્ટમાં ભારતનો 408 રને પરાજય, 25 વર્ષ બાદ દ. આફ્રિકાએ ભારતનો કર્યો સિરીઝમાં વ્હાઇટવૉશ

ગુવાહાટી ટેસ્ટમાં ભારતનો 408 રને પરાજય, 25 વર્ષ બાદ દ. આફ્રિકાએ ભારતને કર્યું સિરીઝમાં વ્હાઇટવૉશ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

દક્ષિણ આફ્રિકા સામેની ગુવાહાટી ટેસ્ટમૅચમાં ભારતનો પરાજય થયો છે.

સિરીઝની બીજી ટેસ્ટમૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. તેની સામે ભારત માત્ર 140 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતુ. એક માત્ર બૅટ્સમૅન રવીન્દ્ર જાડેજાએ 54 રન માર્યા હતા અને અન્ય કોઈ બૅટ્સમૅનો પિચ પર ટકી શક્યા નહોતા.

25 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાએ ભારતનો તેની જ ભૂમિ પર વ્હાઇટવૉશ કર્યો છે. આ પહેલાની કોલકાતાની ટેસ્ટ ભારત હારી ચૂક્યું હતું. અગાઉ હૅન્સી ક્રોનિએના નેતૃત્વમાં વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકાએ ભારતને તેની ભૂમિ પર 2-0થી ટેસ્ટ સિરીઝમાં હરાવીને વ્હાઇટવૉશ કર્યો હતો.

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારો

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

તખ્તાપલટનું અને પોતાના વામપંથી વિરોધી લૂલા ડી સિલ્વાની હત્યાનું ષડયંત્ર રચવાના મામલે તેમને દોષિત ઠેરવાયા.

જસ્ટિસ એલેક્ઝેન્ડ્રે ડી મોરેસે કહ્યું કે 'કેસનો આખરી ચુકાદો આવી ગયો છે અને હવે તેની સામે કોઈ અપીલ ન થઈ શકે'.

70 વર્ષના બોલ્સોનારો રાજધાની બ્રાસીલિયાની જેલમાં પોતાની સજા ભોગવવાનું શરૂ કરશે, જ્યાં તેમને શનિવારે હિરાસતમાં રાખવામાં આવ્યા છે.

તેમને ત્યારે હિરાસતમાં રાખવામાં આવ્યા હતા જ્યારે તેમના ઘર પર નજરબંધ દરમિયાન તેમણે નિરક્ષણ મૉનિટરને હઠાવી દીધા હતા. બાતમાં તેમણે માન્યું કે તેમણે મૉનિટરને ખોલવાની કોશિશ કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે તેમનો ભાગવાનો કોઈ વિચાર નહોતો.

બંધારણ દિવસ પર મમતા બેનરજીએ કહ્યું- લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા જોખમમાં

બંધારણ દિવસ પર મમતા બેનરજીએ કહ્યું- લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા જોખમમાં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બંધારણ દિવસ પર ભારતીય સંવિધાન પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે.

મમતા બેનરજીએ ઍક્સ પર એક લાંબી પોસ્ટમાં ભારતીય બંધારણને ભારતને જોડનારું ગણાવ્યું.

તેમણે લખ્યું, "હવે, જ્યારે લોકતંત્ર જોખમમાં છે, જ્યારે ધર્મનિરપેક્ષતા જોખમમાં છે, જ્યારે ફેડરલિઝમને બુલડોઝરથી દબાવવામાં આવે છે, આ મુશ્કેલીના સમયમાં આપણે આપણા સંવિધાનથી મળનારા બહુમૂલ્ય દિશા નિર્દેશોનું રક્ષણ કરવું જોઈએ."

આજે દેશભરમાં બંધારણ દિવસ મનાવાઈ રહ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એક પત્ર લખ્યો છે.

જેમાં તેમણે લખ્યું કે વર્ષ 2015માં એડીએ સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ તેમાં જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હઠાવવાનો ઉલ્લેખ કરતા લખ્યું, "સરદાર પટેલ જીની જ પ્રેરણા છે જેને કારણે અમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને હઠાવવા માટે પ્રેરિત કર્યા. તે બાદ ત્યાં ભારતનું બંધારણ પૂર્ણ પ્રકારે લાગુ થઈ ગયું છે અને લોકોને સંવિધાન અંતર્ગત તમામ અધિકારો મળી રહ્યા છે."

અરુણાચલ પ્રદેશ અંગે ચીનના નિવેદન પછી ભારતે આપ્યો આ જવાબ

બીબીસી ગુજરાતી ભારત ચીન અરુણાચલ પ્રદેશ વિદેશ મંત્રાલય

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

અરુણાચલ પ્રદેશ અંગે ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યા પછી ભારતે પણ પ્રતિક્રિયા આપી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, "અમે અરુણાચલ પ્રદેશનાં એક ભારતીય નાગરિકને ફાવે તે રીતે અટકાયતમાં લેવા વિશે ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનને જોયું છે. તેમની પાસે સત્તાવાર પાસપૉર્ટ હતો અને જાપાન જવા માટે શાંઘાઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી પસાર થતાં હતાં."

તેમણે કહ્યું કે "અરુણાચલ પ્રદેશ એ ભારતનો મહત્ત્વનો અને અતૂટ હિસ્સો છે અને આ વાત એકદમ સ્પષ્ટ છે. ચીન દ્વારા કોઈ પણ ઇન્કાર કરવામાં આવે તો પણ તે બદલાશે નહીં."

રણધીર જયસ્વાલે કહ્યું કે "અટકાયતમાં લેવાનો મુદ્દે ચીન સમક્ષ મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. ચીનના અધિકારીઓ હજુ પણ પોતાની કાર્યવાહી વિશે સ્પષ્ટતા આપી શક્યા નથી, જે આંતરરાષ્ટ્રીય હવાઇપ્રવાસને નિયંત્રિત કરતા અનેક નિયમોનું ઉલ્લંઘન છે."

"ચીનની કાર્યવાહી એ નિયમોનું ઉલ્લંઘન કરે છે જે દરેક દેશના નાગરિકોને 24 કલાક સુધી વિઝા ફ્રી આવવા-જવાની મંજૂરી આપે છે."

આ અગાઉ ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે "ઝાંગનાન એ ચીનનો વિસ્તાર છે. ચીને ગેરકાયદે રીતે ભારત દ્વારા વસાવવામાં આવેલા કથિત અરુણાચલ પ્રદેશને કદી માન્યતા નથી આપી."

આઈસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપ 2026 : ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્યાં અને ક્યારે થશે?

ભારત પાકિસ્તાન બીબીસી ગુજરાતી આઈસીસી ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ ટી20

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજાનારા આઈસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપ 2026નો કાર્યક્રમ જારી થઈ ગયો છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેતી 20 ટીમોને ચાર જૂથમાં વહેંચવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન બંને ગ્રૂપ Aમાં છે.

7 ફેબ્રુઆરીએ ભારતનો મુકાબલો અમેરિકા સાથે થશે. 12 ફેબ્રુઆરીએ નામિબિયા, 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સાથે ભારત રમશે.

ભારત અને પાકિસ્તાનની મૅચ કોલંબોમાં યોજાશે. પાકિસ્તાનની બધી મૅચ કોલંબોમાં રમાવાની છે.

ગ્રૂપ Aમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા, નેધરલૅન્ડ્સ અને નામિબિયા સામેલ છે.

ગ્રૂપ Bમાં ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લૅન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન સામેલ છે.

ગ્રૂપ Cમાં ઇંગ્લૅન્ડ, વેસ્ટઇન્ડિઝ, બાંગ્લાદેશ, નેપાળ અને ઇટાલી સામેલ છે

ગ્રૂપ Dમાં ન્યૂઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, કૅનેડા અને યુએઈનો સમાવેશ થાય છે.

7 ફેબ્રુઆરીથી કુલ 40 ગ્રૂપ મૅચ રમાશે. દરેક ગ્રૂપમાંથી બે ટીમો સુપર એઇટ ફેઝમાં પહોંચશે જે 21 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેમાંથી ચાર ટીમો નૉકઆઉટ સ્ટેજમાં જશે. ત્યાર પછી કોલકાતા/કોલંબો અને મુંબઈમાં સેમિફાઇનલ રમાશે. 8 માર્ચે અમદાવાદ અથવા કોલંબોમાં ફાઇનલ મૅચ રમાશે.

અમેરિકાના પીસ પ્લાન પર યુક્રેનની સહમતિ

બીબીસી ગુજરાતી અમેરિકા ચીન રશિયા ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદિમીર પુતિન ઝેલેન્સ્કી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે પીસ ડીલ અંગે અમેરિકા સાથે સહમતિ બની ગઈ છે.

ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 20 મુદ્દાનો એક પીસ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર ગયા અઠવાડિયે જીનિવામાં ચર્ચા થઈ હતી અને તેને અપડેટ કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે "શરૂઆતના અમેરિકન પ્લાનમાં બંને પક્ષો માટે સૂચન કરવામાં આવ્યા છે અને કેટલાક મુદ્દા પર જ અસહમતિ છે."

તેમણે લખ્યું કે "આ પીસ પ્લાનને અંતિમ રૂપ આપવાની આશા સાથે મેં વિશેષ દૂત સ્ટીવ વિટકૉફને મૉસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મળવાનો નિર્દેશ આપ્યો છે અને તે જ સમયે સેક્રેટરી ઑફ આર્મી ડેન ડિસ્કૉલ યુક્રેનના પ્રતિનિધિઓને મળશે."

તેમણે આગળ લખ્યું કે "હું ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળીશ. પરંતુ પીસ ડીલ અંતિમ તબક્કામાં પહોંચશે ત્યારે જ મળીશ."

રશિયાએ અગાઉ કહ્યું હતું કે નવી ડ્રાફ્ટ ડીલ વિશે હજુ સુધી રશિયાની સલાહ લેવામાં નથી આવી. રશિયાના વિદેશ મંત્રીએ ચેતવણી આપી હતી કે મૉસ્કો શરૂઆતમાં અમેરિકન ફ્રેમવર્કની તરફેણમાં હતું, પરંતુ તેમાં મોટા ફેરફાર કરવામાં આવશે તો સ્થિત 'એકદમ અલગ' થઈ જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન