You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને કૅનેડામાં હિમવર્ષાથી વિનાશ, લોકોની પરેશાની વધી
અમેરિકા અને કૅનેડામાં બરફનું વાવાઝોડું ત્રાટક્યું છે. આ તોફાનથી લાખો લોકોને અસર પહોંચી છે. રસ્તા પર બરફ પથરાયો છે.
ઉત્તર અમેરિકામાં આવેલા શિયાળુ તોફાનની અસર હેઠળ 60થી વધુ લોકોનાં મોત થયાં છે.
આર્કટિક પરિસ્થિતિનો ભોગ બનેલ ન્યૂયૉર્કના બફલો શહેરને જોતા ન્યૂયૉર્ક માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફેડરલ સપૉર્ટની કટોકટી હેઠળ જાહેરાત કરી છે.
હિમવર્ષાથી રસ્તાઓ બ્લૉક છે અને વીજળી પણ નહીં હોવાથી લોકોને ખોરાક અને દવાઓ લેવા જવામાં પણ તકલીફ થઈ રહી છે.
નાતાલના દિવસે પણ લોકો ભારે તોફાનને લીધે એકબીજાને મળી શક્યા નહોતા.
ઍરપૉર્ટ પર મુસાફરો અટવાયા
અમેરિકા સહિતના દેશોમાં હિમવર્ષા થતા વીજળીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
બીબીસીના બર્ન્ડ ડેબસમેન જુનિયરના જણાવ્યા અનુસાર, ન્યૂયૉર્કના બફેલોમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક વધીને 28 પર પહોંચી ગયો છે, જ્યારે ઉત્તર અમેરિકામાં શિયાળુ તોફાનની વચ્ચે હજારો લોકો હજુ પણ વીજળી વગર રહી રહ્યા છે.
સમગ્ર અમેરિકામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 62 લોકોનાં મોત થયાં છે.
આ શિયાળુ તોફાન દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં લૂંટની ઘટનાઓની પણ માહિતી મળી છે.
શિયાળુ વાવાઝોડાના કારણે મંગળવારે સવારે લગભગ 4,800 સહિત હજારો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઍરપૉર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે.
મંગળવારે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં ન્યૂયૉર્કની એરી કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે. જે 28 મૃતકોની પૃષ્ટિ થઈ છે, તે તમામ બફેલોમાં હતા.”
બફેલોના મેયર બાયરોન બ્રાઉને જણાવ્યું હતું કે તોફાન બાદ વિસ્તારમાં 4,000થી વધુ લોકો વીજળી વગર રહે છે, કદાચ મોટા ભાગના રહેવાસીઓના જીવનકાળમાં આ સૌથી ખરાબ સ્થિતિ હતી. તોફાનની શરૂઆતમાં આશરે 20,000 લોકો વીજળી વગરના હતા.