'આંતરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નહીં'- રાજનાથસિંહ - ન્યૂઝ અપડેટ

અમેરિકા, ભારત, રાજનાથસિંહ ટેરિફ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાજનાથસિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યાં છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આંતરાષ્ટ્રીય સંબંધોમાં કોઇ પણ કાયમી દોસ્ત કે દુશ્મન હોતો નથી. માત્ર કાયમી હિત હોય છે.

રાજનાથસિંહે એનડીટીવી ડિફેન્સ સમિટમાં આ વાત કહી હતી.

એમનું નિવેદન એ સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાએ ભારતથી આવતા સામાન પર 50 ટકા ટેરિફ લગાડ્યો છે જે 27 ઑગષ્ટથી લાગુ થઈ ગયો છે.

રાજનાથસિંહે કહ્યું, "ટ્રેડ વૉર અને ટેરિફ વૉરની સ્થિતિ ગંભીર થઈ રહી છે. કોઈ પણ દેશ આગળ વધે છે ત્યારે એની સાથે-સાથે કેટલાક દેશોની સાથે એના વિચારો મળે છે. બીજી બાજુ કેટલાક દેશો સાથે એના વિચારો નથી પણ મળતા."

"જેની સાથે વિચારો મળે છે એને મિત્ર રાષ્ટ્ર સમજવામાં આવે છે અને જેની સાથે વિચારો નથી મળતા એને સામાન્ય રીતે દુશ્મન સમજવામાં આવે છે."

સંરક્ષણ મંત્રીએ કહ્યું, "ભારત કોઈને પણ પોતાનો દુશ્મન માનતું નથી, પણ અમારા માટે, અમારા લોકોનો, અમારા ખેડૂતોનો, અમારા નાના વેપારીઓનો, અમારા દેશવાસીઓનું હિત સૌથી સર્વોપરી છે. અમે કોઈ પણ કિંમતે અમારા દેશના કલ્યાણ સાથે સમાધાન ન કરી શકીએ."

એમણે કહ્યું, "કેટલું પણ દબાણ આવે, ભારત પોતાના ખેડૂતો, વ્યવ્સાયિકો, દુકાનદારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોનાં હિતોને સર્વોચ્ય પ્રાથમિકતા આપતું રહેશે."

રાજનાથસિંહે કહ્યું, "આજની બદલતી ભૂ-રાજનીતિએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ડીફેન્સના ક્ષેત્રમાં બાહ્ય નિર્ભરતા, હવે આપણા માટે કોઈ વિકલ્પ નથી. વર્તમાન સ્થિતિમાં આપણી અર્થવ્યવસ્થાને આપણી સુરક્ષા, બંને માટે આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે."

હાલોલમાં 4 કલાકમાં 10 ઇંચ અને ઉમરેઠમાં 4 ઇંચ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, હિંમતનગર નજીક 17 લોકોનું રેસ્ક્યૂ

ગુજરાત ચોમાસું વરસાદ પાણી રેલ પૂર હાલોલ સાબરકાંઠા હિંમતનગર આણંદ ઉમરેઠ ડાકોર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, હાલોલમાં છેલ્લા 4 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો.

બીબીસી ગુજરાતીની પંચમહાલ જિલ્લાના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભયંકર વરસાદ પડ્યો છે.

હવામાન ખાતાની પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 4 કલાકમાં હાલોલમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

વડોદરા-હાલોલ-ગોધરા રોડ પર પાણી ભરાઈ ગયાં છે. પાવાગઢ ડુંગર ગામ અને હાલોલ સોસાયટીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

ગુજરાત ચોમાસું વરસાદ પાણી રેલ પૂર હાલોલ સાબરકાંઠા હિંમતનગર આણંદ ઉમરેઠ ડાકોર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NACHIKETA MEHTA

ઇમેજ કૅપ્શન, આણંદના ઉમરેઠમાં પાણી ભરાઈ ગયાં હતાં.

બીજી તરફ આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીબીસી સહયોગી નચિતેતા મહેતાના જણાવ્યા પ્રમાણે ચાર ઇંચ વરસાદને કારણે ઉમરેઠના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અહીં ડાકોર-નડિયાદ રોડ પાસે પાણી ભરાઈ ગયાં છે. જેને કારણે ડાકોર જતા માર્ગ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઉમરેઠના મુખ્ય બજારમાં આવેલી દૂકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.

હિંમતનગર નજીક બની રહેલા ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ જતાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, હિંમતનગર નજીક બની રહેલા ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ જતાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

તો સાબરકાંઠા નજીક આવેલાં હૂંજ, બખોર, રામપુરા અને અન્ય ગામોની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

બીબીસી સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે ગાંભોઈ-ભીલોડા રાજ્યના હાઇવે પર હિંમતપુર નજીક બની રહેલા ઓવરબ્રિજ પાસે પાણી ફરી વળ્યાં હતાં. આ વિસ્તારમાં પાંચ કાર અને એક બસ ફસાયાં હતાં. જેમાં 17 મુસાફરો હતા અને તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ટ્રમ્પ સરકારે લાદેલા ટેરિફને અમેરિકન કોર્ટે ગેરકાયદેસર ગણાવ્યા

ડૉનાલ્ડ ટ્રમ્પ, ટેરિફ ભારત, ગેરકાયદે ટેરિફ કોર્ટ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉનાલ્ડ ટ્રમ્પે દુનિયાના ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાની એક અપીલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો કે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ ગેરકાયદેસર છે.

અદાલતના આ ચુકાદા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી છે.

એમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "બધાં ટેરિફ અત્યારે પણ લાગુ છે. આજે એક અત્યંત પક્ષપાતી અદાલતે ખોટી રીતે કહ્યું કે આપણાં ટેરિફ હટાવવાં જોઈએ, પણ એમને ખબર છે કે આખરે અમેરિકાની જ જીત થશે."

આ ફેંસલાથી કાયદાકીય સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેમાં ટ્રમ્પની વિદેશ નીતિની યોજનાઓને પણ અસર થઈ શકે છે.

આ ફેંસલો ટ્રમ્પના 'રેસિપ્રોકલ ટેરિફ'ને પ્રભાવિત કરે છે, જે દુનિયાના ઘણા દેશો પર લગાવવામાં આવેલા છે.

જેમાં ચીન, ભારત, બ્રાઝિલ, મૅક્સિકો અને કૅનેડા પર લગાવવામાં આવેલાં ટેરિફ પણ સામેલ છે.

આ ટેરિફ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ એકટ હેઠળ લાદવામાં આવ્યા હોવાનો ટ્રમ્પ સરકારનો તર્ક 7-4ના ફેંસલામાં અમેરિકાની ફેડરલ સર્કિટ અપીલ કોર્ટે ફગાવી દીધો હતો.

અદાલતે ટ્રમ્પના આ ફેંસલાને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવ્યા છે.

આ ફેંસલો 14 ઑક્ટોબર સુધી લાગુ થશે નહીં, જેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવાની અપીલ કરવાનો સમય મળી શકે.

જમ્મુ-કાશ્મીર : રામબન જિલ્લામાં ફાટ્યું વાદળ, ત્રણનાં મૃત્યુ, ત્રણ લાપતા

જમ્મુ કાશ્મીર રામબન વાદળ ફાટવાની ઘટના મોત ચોમાસું વરસાદ પૂર રેલ હવામાન

ઇમેજ સ્રોત, Bilal Wani

બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રાજગઢ ગામમાં વાદળ ફાટવાને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે કે ત્રણ લોકો લાપતા છે.

આ જાણકારી રામબનના ડેપ્યુટી કમિશનર ઇલિયાસ અહમદે બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરને આપી હતી.

તેમણે કહ્યું, "લાપતા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટના રાત્રે થઈ હતી. જેને કારણે ગામમાં અચાનક પૂર આવ્યું."

આ ગામ શ્રીનગરથી 200 કિલોમીટર દૂર છે. છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સતત વાદળ ફાટવાની ઘટનાઓ બની રહી છે. અત્યારસુધી તેમાં લગભગ 100થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

અમેરિકાએ પેલેસ્ટાઇનના નેતાને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સામેલ થતા રોક્યા, વિઝા રદ કર્યો

અમેરિકાએ પેલેસ્ટાઇનના નેતાને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સામેલ થતા રોક્યા, વિઝા રદ કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇનના નેતા મહમૂદ અબ્બાસ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકમાં ભાગ લેવા જવાની યોજના બનાવી રહ્યા હતા.

પેલેસ્ટાઇન ઑથોરિટીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ આવતા મહિને ન્યૂ યૉર્કમાં થઈ રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં સામેલ નહીં થઈ શકે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમનો અને અન્ય 80 જેટલા અન્ય પેલેસ્ટિનિયન અધિકારીઓના વિઝા રદ કરી દેવાયા છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તેમના પર શાંતિની કરવામાં આવી રહેલી કોશિશોને નબળી પાડવાનો અને 'એક કાલ્પનિક પેલેસ્ટાઇન રાજ્યને એકતરફી માન્યતાની માગ' કરવાનો આરોપ લગાવ્યો છે.

અમેરિકાના આ નિર્ણયનું ઇઝરાયલે સ્વાગત કર્યું છે.

આ પગલું અસામાન્ય ગણાવાય છે. કારણકે સામાન્ય રીતે અમેરિકાથી આશા રાખવામાં આવે છે કે તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય આવતા તમામ દેશના અધિકારીઓની યાત્રા સરળ બનાવે. અને તે માટે તે સુવિધા આપે.

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ફ્રાન્સ, સંયુક્ત રાષ્ટ્ર સત્રમાં પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોની આગેવાની કરી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ફ્રાન્સનાં આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે.

ગામ્બિયાથી સ્પેન જતી બોટ પલટી, ઓછામાં ઓછા 69 મુસાફરોનાં મૃત્યુ

ગામ્બિયાથી સ્પેન જતી બૉટ પલટી, ઓછામાં ઓછા 69 મુસાફરોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty Images

ઇમેજ કૅપ્શન, બોટમાં 160 લોકો સવાર હતા, જે ગામ્બિયા અને સેનેગલના નાગરિક હતા.

મૉરિટાનિયાના તટરક્ષકોના જણાવ્યા અનુસાર, તેના તટ પાસે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 69 પ્રવાસીઓનાં મૃત્યુ થઈ ગયાં છે. કેટલાક લોકો લાપતા પણ છે.

17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે લાપતા છે તેમની શોધખોળ ચાલી રહી છે. આ લાકડાંની બોટ સ્પેનના કૅનરી દ્વીપસમૂહ તરફ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

બચેલા લોકોના જણાવ્યા પ્રમાણે, આ બોટ મંગળવારે થયેલા અકસ્માતના છ દિવસ પહેલાં ગામ્બિયાથી રવાના થઈ હતી. તેમાં લગભગ 160 લોકો સવાર હતા. જેમાં મહત્તમ ગામ્બિયા અને સેનેગલના નાગરિકો હતા.

ઍટલાન્ટિક મહાસાગરના રસ્તે આ ખતરનાક મુસાફરી યુરોપ પહોંચવાની કોશિશ કરી રહેલા આફ્રિકી લોકો વચ્ચે સામાન્ય છે.

ગત વર્ષે લગભગ 47,000 લોકો કૅનરી દ્વીપસમૂહ પહોંચ્યા હતા.

સ્પેનની બીન-સરકારી સંસ્થા કામિનાંડો ફ્રોંતેરાસનું અનુમાન છે કે આ દરમિયાન 9,000થી વધુ મુસાફરો યુરોપ પહોંચવાની કોશિશમાં માર્યા ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન