બીબીસી અરેબિકનું ઇન્વેસ્ટિગેશનઃ યમનમાં રાજકીય હત્યાઓ માટે યુએઈ આપે છે નાણાં

ઇમેજ સ્રોત, JACK GARLAND/BBC
- લેેખક, નવલ અલ મગાફી
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક ઇન્વેસ્ટિગેશન
- પ્રકાશિત
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) યમનમાં રાજકારણ પ્રેરિત હત્યાઓ માટે ભંડોળ પૂરું પાડી રહ્યું છે. તેને પગલે યમન સરકાર અને લડતાં જૂથો વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, જેણે તાજેતરમાં જ રાતા સમુદ્રમાં વિશ્વનું ધ્યાન ફરી આકર્ષ્યું છે.
એક માહિતગાર વ્યક્તિ(વ્હિલસબ્લોઅર)એ બીબીસી અરેબિક ઇન્વેસ્ટિગેશન્શને જણાવ્યું હતું કે અમેરિકાના ભાડૂતી સૈનિકોએ અમીરાતના અધિકારીઓને આતંકવાદ-વિરોધી તાલીમ આપી હતી અને એ તાલીમનો ઉપયોગ નીચલા સ્તરે કામ કરી શકે તેવા સ્થાનિક લોકોને પ્રશિક્ષિણ આપવા કરાય છે. તેને લીધે રાજકીય હત્યાઓમાં વધારો થયો છે.
બીબીસીને એવું પણ જાણવા મળ્યું હતું કે અમેરિકન ભાડૂતી સૈનિકોનો જાહેર ઉદ્દેશ દક્ષિણ યમનમાં રહેલાં જેહાદી જૂથો અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટને ખતમ કરવાનો છે પરંતુ વાસ્તવમાં યુએઈએ સલામતી દળો માટે અલ-કાયદાના સલામતી દળના ભૂતપૂર્વ સભ્યોની ભરતી કરી છે. યમનમાં હૂથી વિદ્રોહી આંદોલન અને અન્ય સશસ્ત્ર જૂથો સામે લડવા આ સલામતી દળની રચના કરાઈ છે.
યુએઈએ આતંકવાદ સાથે જોડાયેલા ન હોય તેવા લોકોની હત્યા કરાવી હોવાના અમારી તપાસના આક્ષેપોનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આ બધા આક્ષેપો ‘ખોટા અને પાયાવિહોણા છે.’
યમનમાં ત્રણ વર્ષમાં 100થી વધુ લોકોની હત્યા થઈ છે. હત્યાનો આ દોર, મધ્ય પૂર્વના સૌથી ગરીબ દેશમાં અનેક આંતરરાષ્ટ્રીય શક્તિઓને એકમેકની સામે ભીડવતા આંતરિક સંઘર્ષનું એક કારણ છે.
યમનમાં આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પ્રાપ્ત સરકારની પુનઃસ્થાપનાનું કામ આવા ઘાતક વાતાવરણને કારણે અત્યંત મુશ્કેલ બની ગયું છે. તેને લીધે ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોને આડકતરી રીતે પ્રોત્સાહન મળ્યું છે, એવી દલીલ કરી શકાય.
રાતા સમુદ્રમાં જહાજો પર હુમલા કરવા અને વેપાર ખોરવવા બદલ હૂથી બળવાખોરો તાજેતરમાં સમાચારોમાં ચમક્યા છે. વૉશિંગ્ટને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે હૂથીને ફરીથી "વૈશ્વિક આતંકવાદી" જાહેર કરશે.
હું મારા વતન યમનમાં 2014માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી તેનું રિપોર્ટિંગ કરી રહ્યો છું. આ લડાઈને કારણે દેશના ઉત્તર હિસ્સાનો અંકુશ સરકારના હાથમાંથી હૂથીઓના હાથમાં જતો રહ્યો છે. હૂથીઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમજદાર અને સુસજ્જ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળતી લડત માટે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના મોટાભાગના આરબ દેશો તથા મુખ્ય ભાગીદાર યુએઈ હોય તેવા ગઠબંધનને અમેરિકા અને બ્રિટને 2015માં સમર્થન આપ્યું હતું.
યમનની નિર્વાસિત સરકારની પુનઃસ્થાપના અને આતંકવાદ સામે લડવાના ઉદ્દેશ સાથે ગઠબંધને યમન પર ચડાઈ કરી હતી.
દેશના દક્ષિણ પ્રદેશની સલામતીનો હવાલો યુએઈને સોંપવામાં આવ્યો હતો અને તે પ્રદેશમાં આતંકવાદનો સામનો કરવામાં યુએઈ અમેરિકાનું મુખ્ય સાથી બન્યું હતું.
અલ-કાયદાની દક્ષિણ પ્રદેશમાં લાંબા સમયથી હાજરી હતી અને હવે તે પ્રદેશ પર ફરી અંકુશ મેળવી રહ્યું હતું.
યમનના સંઘર્ષની કહાણી
- યમનના લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયની એક શાખાના હૂથી તરીકે ઓળખાતા બળવાખોરોએ 2014માં રાજધાની સના કબજે કરી હતી. સનામાંથી ફેબ્રુઆરી, 2015માં નજર કેદમાંથી નાસી છૂટ્યા પછી રાષ્ટ્રપતિ અબ્દ્રબુહ મન્સૂર હાદીએ દક્ષિણના શહેર એડેનમાં અસ્થાયી રાજધાની બનાવી હતી.
- સાઉદી અરેબિયા અને આઠ અન્ય, મોટાભાગના સુન્ની આરબ દેશોએ હૂથીઓ સામે હવાઈ આક્રમણ શરૂ કર્યું હતું. પ્રાદેશિક પ્રતિસ્પર્ધી ઈરાન દ્વારા હૂથીઓને શસ્ત્રો પૂરા પાડવામાં આવતા હોવાનો સાઉદી અરેબિયા વડપણ હેઠળના ગઠબંધનનો દાવો છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તરફથી સરંજામ સહાય મળી છે.
- એક જ બાજુ પરના લોકો વચ્ચે દેખીતી રીતે જ અથડામણ થઈ છે. સાઉદી સમર્થિત સરકારી દળો અને સહયોગી દક્ષિણ અલગતાવાદી ચળવળ સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (એસટીસી) વચ્ચે ઓગસ્ટ, 2019માં લડાઈ ફાટી નીકળી હતી. એસટીસીએ રાષ્ટ્રપતિ હાદી પર ગેરવહીવટ અને ઇસ્લામવાદી સાથે જોડાણનો આરોપ મૂક્યો હતો.
- અલ-કાયદા ઇન ધ અરેબિયન પેનિન્સુલા (એક્યુએપી) અને હરીફ ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે સંકળાયેલા સ્થાનિક આતંકવાદીઓએ અરાજકતાનો લાભ લઈને દક્ષિણનો પ્રદેશ કબજે કર્યો હતો અને ખાસ કરીને એડનમાં ઘાતક હુમલા કર્યા હતા.
- હૂથીઓએ પણ તેમનો પ્રભાવ વિસ્તાર્યો હતો. નવેમ્બર-2023માં તેમણે રાતા સમુદ્રમાંના આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સ પર હુમલા શરૂ કર્યા હતા, પરંતુ વ્યાપક સ્થિરતાની સ્થાપનાને બદલે, તે સમયે મારી વારંવારની રિપોર્ટિંગ ટ્રિપ્સ દરમિયાન યમન સરકાર નિયંત્રિત દક્ષિણના વિસ્તારોમાં આતંકવાદી જૂથો સાથે સંબંધ ન ધરાવતા યમનના સંખ્યાબંધ નાગરિકોની રહસ્યમય લક્ષ્યાંકિત હત્યાનો દૌર જોવા મળ્યો હતો.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, યોગ્ય પ્રક્રિયા વિના કોઈ પણ નાગરિકની હત્યાને કાયદા-બાહ્ય ગણવામાં આવે છે.
જેમની હત્યા કરવામાં આવી હતી એ પૈકીના મોટા ભાગના મુસ્લિમ બ્રધરહૂડની યમન શાખા, ઇસ્લાહના સભ્યો હતા. ઇસ્લાહ એક લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સુન્ની ઇસ્લામવાદી ચળવળ છે અને તેને અમેરિકાએ ક્યારેય આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી, પરંતુ યુએઈ સહિતના આરબ દેશોમાં તેના પર પ્રતિબંધ છે. ઇસ્લાહની રાજકીય સક્રિયતા અને ચૂંટણી માટેના સમર્થનને દેશના શાહી પરિવારો તેમના શાસન માટે જોખમી માને છે.
આ રહસ્યમય હત્યાઓની તપાસ કરવા માટેનું પ્રારંભિક બિંદુ મને પ્રથમ હત્યા મિશનના લીક થયેલા ડ્રોન ફૂટેજમાંથી મળ્યું હતું. એ ઘટના ડિસેમ્બર-2015ની હતી અને તેનો છેડો સ્પીઅર ઑપરેશન્સ ગ્રૂપ નામની અમેરિકાની એક ખાનગી સલામતી કંપનીના સભ્યો સુધી પહોંચતો હતો.
ફૂટેજમાં જોવા મળેલા ઑપરેશન પાછળના એક માણસને હું આખરે 2020માં લંડનની એક રેસ્ટોરાંમાં મળ્યો હતો. ભૂતપૂર્વ અમેરિકન નેવી સીલ અને બાદમાં સ્પીયરના ચીફ ઑપરેટિંગ ઑફિસર બનેલા આઇઝેક ગિલમોર એવા ઘણા અમેરિકનો પૈકીના એક છે, જેઓ જણાવે છે કે યમનમાં હત્યાઓ માટે તેમને યુએઈ દ્વારા નોકરીએ રાખવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, JACK GARLAND/BBC
તેમણે તેમના પ્રથમ મિશનના ટાર્ગેટ અન્સાફ માયો સિવાય, યુએઈએ આપેલા ‘કિલ લિસ્ટ’માંની કોઈ પણ વ્યક્તિ બાબતે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
અન્સાફ માયો દક્ષિણના બંદરીય શહેર એડનમાં ઇસ્લાહના નેતા છે. એડન 2015થી યમન સરકારની અસ્થાયી રાજધાની છે.
ઇસ્લાહને અમેરિકાના સત્તાવાળાઓએ ક્યારેય આતંકવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કર્યું નથી એ હકીકત સંદર્ભે મેં ગિલમૉરને સવાલ કર્યો હતો.
તેમણે કહ્યું હતું,"આધુનિક સંઘર્ષો કમનસીબે ખૂબ જ અપારદર્શક છે. આપણે યમનમાં જોઈએ છીએ તેમ જે માણસ એક વ્યક્તિ માટે લોકનેતા અને મૌલવી હોય છે તે બીજી વ્યક્તિ માટે આતંકવાદી નેતા ગણાય છે."
ગિલમૉર અને એ સમયમાં યમનમાંના સ્પીયરના એક અન્ય કર્મચારી ડેલ કોમસ્ટૉકે મને જણાવ્યું હતું કે તેમણે હાથ ધરેલી કામગીરી 2016માં પૂર્ણ થઈ હતી, પરંતુ દક્ષિણ યમનમાં હત્યાનો દોર ચાલુ રહ્યો હતો. માનવાધિકાર જૂથ રીપ્રાઇવના જણાવ્યા અનુસાર, વાસ્તવમાં હત્યાનું પ્રમાણ વધ્યું છે.
તેમણે યમનમાં 2015થી 2018 દરમિયાન કરવામાં આવેલી હત્યાઓની તપાસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની હત્યાઓ 2016થી થઈ હતી અને 160 પૈકીના માત્ર 23 લોકો જ આતંકવાદ સાથે સંકળાયેલા હતા.
સ્પીયરની વ્યૂહરચનાનો ઉપયોગ કરીને તમામ હત્યાઓ કરવામાં આવી હતી. તે વ્યૂહરચનામાં વિક્ષેપ તરીકે ઇમ્પ્રોવાઇઝ્ડ ઍક્સપ્લોસિવ ડિવાઇસ(આઈઈડી)ના વિસ્ફોટ અને પછી લક્ષ્ય પર ગોળીબારનો સમાવેશ થાય છે.
યમનના માનવાધિકાર વકીલ હુદા અલ-સરારીના જણાવ્યા મુજબ, યમનમાં આવી રાજકીય હત્યા હજુ ગયા મહિને જ કરાઈ હતી. લાહજમાં આવી જ પદ્ધતિથી એક ઇમામની હત્યા કરાઈ હતી.
ગિલમૉર અને કોમસ્ટૉક ઉપરાંતના સ્પીયરના બે અન્ય ભાડૂતી સૈનિકો (જેમણે તેમની ઓળખ જાહેર ન કરવા કહ્યું હતું) એ જણાવ્યું હતું કે એડન ખાતેના યુએઈના લશ્કરી થાણામાં અમિરાતના અધિકારીઓને તાલીમ આપવામાં સ્પીયર સામેલ હતી.
પોતાની ઓળખ ગુપ્ત રાખવા ઇચ્છતા એક પત્રકારે પણ અમને જણાવ્યું હતું કે તેમણે આવી તાલીમના ફૂટેજ જોયા છે.
ભાડૂતી સૈનિકો વિગતવાર માહિતી માગતા ન હતા, પરંતુ યુએઈ સાથે પ્રત્યક્ષ રીતે કામ કરી ચૂકેલા યમનના એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ મને વધુ વિગત આપી હતી.

ઇમેજ સ્રોત, JACK GARLAND/BBC
એડનમાં ભાડૂતી સૈનિકોની ખરી ઓળખ આપવાથી મુશ્કેલી સર્જાઈ શકે તેમ હતી. તેથી તેમની ઓળખ અમીરાતી અધિકારીઓના પ્રશિક્ષણકર્તાઓ તરીકે બદલવામાં આવી હતી.
યમનના સૈન્ય અધિકારીએ મને કહ્યું હતું, "તેમણે યમનના સ્થાનિક લોકોને ટાર્ગેટિંગની તાલીમ આપી હતી."
તપાસ દરમિયાન અમે યમનના બીજા ડઝનથી વધુ સ્રોત સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખરેખર આવું જ કરવામાં આવ્યું હતું.
તેમાં એ બે પુરુષનો સમાવેશ થાય છે, જેમણે જણાવ્યું હતું કે અમીરાતના સૈનિકોએ તાલીમ આપી એ પછી તેમણે હત્યાઓ કરી હતી અને તે ચરમપંથ સંબંધી ન હતી.
એક વ્યક્તિએ જણાવ્યુ હતું કે યમનના એક વરિષ્ઠ રાજકીય નેતાની હત્યાના બદલામાં તેને યુએઈની જેલમાંથી મુક્તિની ઑફર કરાઈ હતી, પરંતુ તેણે એ ઑફર સ્વીકારી ન હતી.
યમનના નાગરિકો જ હત્યાઓ કરાવતા હતા તેનો અર્થ એ હતો કે તેનું પગેરું શોધવાનું યુએઈ માટે મુશ્કેલ બને.
યુએઈએ 2017 સુધીમાં એક અર્ધલશ્કરી દળ બનાવવામાં મદદ કરી હતી, જે સમગ્ર દક્ષિણ યમનમાં સશસ્ત્ર જૂથોનું એક નેટવર્ક ચલાવતા તથા તે અમીરાતના ભંડોળથી સંચાલિત સલામતી સંગઠન સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (એસટીસી)નો હિસ્સો હતું.
આ દળ દક્ષિણ યમનમાં સરકારથી સ્વતંત્ર રીતે કાર્યરત હતું અને માત્ર યુએઈના આદેશ અનુસાર કામ કરતું હતું. લડવૈયાઓને માત્ર સક્રિય મોરચે લડવાની તાલીમ આપવામાં આવી ન હતી. એક ખાસ એકમ, ધ એલિટ કાઉન્ટર ટેરરિઝમ યુનિટને હત્યા કરવાની તાલીમ આપવામાં આવી હોવાનું, વ્હિસલબ્લોઅરે અમને જણાવ્યું હતું.
વ્હિસલબ્લોઅરે અમને 11 નામ સાથેનો એક દસ્તાવેજ મોકલ્યો હતો. એ 11 લોકો અલ-કાયદાના ભૂતપૂર્વ સભ્ય હતા અને હવે એસટીસી સાથે કામ કરે છે. એ પૈકીના કેટલાકની ઓળખની ચકાસણી અમે જાતે કરી હતી.
અમારી તપાસ દરમિયાન નાસેર અલ-શિબાનું નામ જાણવા મળ્યું હતું.
નાસેર અલ-કાયદાનો ઉચ્ચ કક્ષાનો ઑપરેટિવ હતો.
તેને આતંકવાદ માટે જેલમાં ગોંધી દેવામાં આવ્યો હતો અને બાદમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
યમન સરકારના એક પ્રધાને અમને જણાવ્યું હતું કે નાસેર અલ-શિબા અમેરિકન યુદ્ધજહાજ યુએસએસ કોલે પરના હુમલાનો એક જાણીતો શકમંદ છે.
ઑક્ટોબર, 2000ના એ હુમલામાં અમેરિકાના 17 ખલાસીઓ માર્યા ગયા હતા. બહુવિધ સૂત્રોએ અમને જણાવ્યું હતું કે તે હવે એસટીસીના લશ્કરી એકમો પૈકીના એકનો કમાન્ડર છે.
વકીલ હુદા અલ-સરારી યુએઈ સમર્થિત દળોએ કરેેલા માનવાધિકારના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યા છે. આ કામને લીધે તેમને વારંવાર હત્યાની ધમકી મળે છે, પરંતુ આખરી કિંમત તેમના 18 વર્ષના પુત્ર મોહસેને ચૂકવવી પડી હતી.
મોહસેન માર્ચ, 2019માં સ્થાનિક પેટ્રોલ પંપ પર ગયો ત્યારે તેની છાતીમાં ગોળી મારવામાં આવી હતી અને એક મહિના પછી તેનું મૃત્યુ થયું હતું.
મોહસેનના અવસાન પછી હુદાએ કામ ફરી શરૂ કર્યું ત્યારે તેમને તેમનું કામ બંધ કરી દેવાના સંદેશા મળ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે "એક દીકરાની હત્યા અપૂરતી છે? તમે ઇચ્છો છો કે અમે બીજાની પણ હત્યા કરીએ?"
એ પછી એડનના સરકારી વકીલે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે મોહસેનની હત્યા યુએઈ સમર્થિત આતંકવાદ-વિરોધી યુનિટના એક સભ્યએ કરી હતી. જોકે, સત્તાવાળાઓએ ક્યારેય પગલાં લીધા ન હતાં.
સરકારી વકીલની ઑફિસના સભ્યોની ઓળખ સલામતીના કારણોસર જાહેર કરવી શક્ય નથી. તેમણે અમને જણાવ્યું હતું કે વ્યાપક હત્યાઓને લીધે ભયનું વાતાવરણ સર્જાયું છે. તેનો અર્થ એ થાય કે યુએઈ સમર્થિત દળોની સંડોવણીવાળા કેસોમાં પણ ન્યાય મેળવવા લોકો બહુ ડરતા હોય છે.
રીપ્રાઇવને એક લીક થયેલો દસ્તાવેજ પ્રાપ્ત થયો હતો. એ દસ્તાવેજ દર્શાવે છે કે સ્પીયરને 2020 સુધી પૈસા ચૂકવવામાં આવતા હતા. એ શા માટે ચૂકવવામાં આવતા હતા એ સ્પષ્ટ નથી.
અમે સ્પીયરના સ્થાપક અબ્રાહમ ગોલનને પૂછ્યું હતું કે તમારા ભાડૂતી સૈનિકોએ અમિરાતીઓને હત્યાની ટેકનિક્સની તાલીમ આપી હતી? તેમણે જવાબ આપ્યો ન હતો.
અમે અમારી તપાસમાં પ્રાપ્ત આરોપો યુએઈ સરકાર સમક્ષ રજૂ કર્યા હતા.
યુએઈ સરકારે જણાવ્યું હતું કે અમે આતંકવાદ સાથે સંબંધ ધરાવતા લોકોને નિશાન બનાવ્યા હોવાની અને યમનની સરકાર તથા તેના આંતરરાષ્ટ્રીય સાથીઓના કહેવાથી યમનમાં આતંકવાદ-વિરોધી કાર્યવાહીને સમર્થન આપ્યું હોવાની વાત ખોટી છે.
સરકારે જણાવ્યું હતું કે "યુએઈએ આ કામગીરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કર્યું છે."
અમે અમેરિકાના સંરક્ષણ વિભાગ અને વિદેશ વિભાગને સ્પીયર ઑપરેશન્શ ગ્રૂપ બાબતે વાત કરવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.
અમેરિકન સરકારની ગુપ્તચર એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "સીઆઈએ આવા ઑપરેશન્શમાં સામેલ થાય તે વિચાર જ ખોટો છે."






















