ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર નવી સિસ્ટમ બની, કયા જિલ્લામાં રેડ ઍલર્ટની આગાહી છે?

ગુજરાતમાં વરસાદ, ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લામાં ભારે, તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે.

ગુજરાતમાં હાલ ક્યાં પડી રહ્યો છે વરસાદ?

વીડિયો કૅપ્શન, Surat Rain : શહેરના મોટાભાગના વિસ્તારમાં પહેલા જ વરસાદમાં ભરાયા પાણી

ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે.

તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

આ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી વગેરે જિલ્લામાં છૂટાછવાયો ભારે અને સામાન્ય વરસાદ પડ્યો છે.

તાપી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી તાલુકામાં વરસાદ શરૂ થયો છે.

રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં શેરીઓમાં પાણી ભરાયાં છે.

મોરબી જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

તો પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગરના દસાડા, પાટડી, ધ્રાંગધ્રાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમજ સુરેન્દ્રનગર શહેર અને તેની આસપાસના લીમડી, વઢવાણ, ચોટીલા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

કચ્છના ભુજમાં પણ વરસાદને કારણે બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટૂંકમાં હાલના સમયમાં ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

ગુજરાતમાં વરસાદ, ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગ અનુસાર, હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ વરસાદ વરસી શકે છે.

તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

તો વલસાડ અને દાદરા અને નગરહવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તેમજ અન્ય જિલ્લા અને તાલુકાઓમાં પણ અલગઅલગ વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર બની વરસાદી સિસ્ટમ

વીડિયો કૅપ્શન, Gujarat Weather : નવી સિસ્ટમ ગુજરાત માટે સારા સમાચાર લાવશે કે માઠા?

હાલના સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અરબ સાગર પર એક વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. તેના કારણે વરસાદી ગતિવિધિ વધી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ચોમાસાના ભેજવાળા પવનો આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે.

ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ એવી જ સ્થિતિ છે. તો રાજસ્થાનમાં પણ એક વરસાદી સિસ્ટમ બનેલી છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે.

આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે અને ફરી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે.

સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી છે.

કયા જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે?

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં પહેલી જુલાઈના દિવસે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ સહિત કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં છુટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.

આ સિવાય અન્ય કેટલાક જિલ્લઓમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

આવા જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર સામેલ છે જ્યાં અતિભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત ગુજરાતના બાકી બધા જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

આ જિલ્લાઓમાં છુટોછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.