ગુજરાતમાં લીંબુના ભાવ કેમ આટલા વધી ગયા, હવે ક્યારે ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
"હાલમાં મારી પાસે નવી લીંબુડીનો માલ જ નથી, તેથી હું ઘરે જ બેઠો છું. પ્રતિ કિલોએ જે લીંબુના ભાવ મળવા જોઈએ તે મળતા નથી. એટલે જ લીંબુડીના ખેડૂતોએ બીજા પાક લેવાના શરૂ કરી દીધા છે. ગઈ સાલ તો લીંબુનો ભાવ જ નહોતો મળ્યો મને, મારે ખોટ થઈ હતી."
આ શબ્દ છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લીંબુની ખેતી કરતા કિશન જગદીશના.
બજારમાં લીંબુના ભાવ ડબલ થઈ ચૂક્યા છે પરંતુ વધેલા લીંબુના ભાવનો લાભ ગુજરાતના ખેડૂતોને નથી થતો તેમ તેમનું કહેવું છે.
આનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે જ્યારે ઉનાળામાં લીંબુની જરૂર હોય ત્યારે ગુજરાતમાં લીંબુનાં ફૂલ આવ્યાં છે. આથી તે બજારમાં વેચી શકાય તેમ નથી હોતાં.
આ સમય દરમિયાન જે લીંબુ બજારમાં ઉપલબ્ધ હોય છે તે દક્ષિણ ભારતથી આવેલાં હોય છે. તેથી ગુજરાતના ખેડૂતોને ગરમીમાં લીંબુના મોંઘા ભાવનો લાભ નથી મળતો. આ લાભ દક્ષિણ ભારતના ખેડૂતોને મળે છે.
કિશાનભાઈ કહે છે કે, "ગુજરાતમાં જૂન મહિનામાં તાજું લીંબુ બજારમાં આવે. એટલે જ્યારે બજારમાં લીંબુના ભાવમાં તેજી હોય ત્યારે અમારાં લીંબુ બજારમાં આવવાનો સમય નથી હોતો."
કિશનભાઈ 50 વીઘા જમીનમાંં લીંબુનું વાવેતર કરે છે. જેમાંથી અત્યારે માત્ર 10-12 મણ લીંબુ જ નીકળે છે. તેઓ કહે છે કે, આજ કારણસર ગુજરાતમાંથી ખેડૂતોએ નવી લીંબુડી કરવાનું ઓછું કરી દીધું છે.
"જો લીંબુના સારા ભાવ રહે તો વર્ષે મને એક વીઘાએ 1-1.5 લાખ રૂપિયા મળતા હોય છે. તેમાંથી પણ દવા, બિયારણ, ખાતર, મજૂરી, પૅકિંગ અને ભાડા ખર્ચ બાદ કર્યા બાદ 50 હજાર નફો રહે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે લીંબુ મહિના પહેલાં 80 રૂપિયે કિલો મળતા હતા તે આજે 160 રૂપિયે કિલો થઈ ગયા છે.
લીંબુના ભાવ બમણા

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના જમાલપુર એપીએમસીના સેક્રેટરી સંજય પટેલ કહે છે કે, "આજની તારીખમાં જમાલપુર હોલસેલ બજારમાં લીંબુનો ભાવ 70-100 રૂપિયા પ્રતિ કિલો છે."
1 માર્ચના રોજ અમદાવાદના હોલસેલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુ 60-100 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું હતું. આ ભાવ વધીને 1 એપ્રિલના રોજ લીંબુ 60-120 રૂપિયે પ્રતિ કિલોએ વેચાયું હતું.
અમદાવાદનાં સરલાબહેન કહે છે કે, હજી થોડા દિવસ પહેલાં લીંબુ 20 રૂપિયે અઢીસો ગ્રામ મળતું હતું, જેનો ભાવ બમણો થઈ ગયો અને હવે 40 રૂપિયે અઢીસો ગ્રામ થઈ ગયો છે.
લીંબુના ભાવ વધવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લીંબુના ભાવવધારાનું પ્રાથમિક કારણ ઉનાળાની ઋતુ આવતા માગમાં થયેલો વધારો અને પુરવઠો ઓછો હોવાનું માનવામાં આવે છે.
સામાન્ય રીતે આ સમય દરમિયાન ભાવ તો વધતા જ હોય છે, કેમ કે આ સમયે જથ્થો સૌથી ઓછો હોય છે. પરંતુ આ વર્ષે ભાવ ઘણો વધારે વધ્યો હોવાનું કહેવાય છે.
ધવલ પ્રજાપતિ અમદાવાદમાં લીંબુના વેપારી છે. તેઓ કહે છે કે, "ભાવ વધવાનું કારણ એ છે કે, ગુજરાતમાં ચોમાસામાં લીંબુ તૈયાર થઈને બજારમાં આવે. આ સમયે લીંબુ પૂરતી માત્રામાં બજારમાં ઉપલબ્ધ હોય છે, તેથી તેનું વળતર સારું નથી મળતું."
"જ્યારે લીંબુની માગ ઉનાળામાં વધે છે. ગરમીના કારણે ઘર-ઘરમાં લીંબુ વપરાય છે અને રમઝાન જેવા તહેવારના કારણે લીંબુ અને શરબતની માગ વધારે વધે છે. પરંતુ આ સમયે ગુજરાતનાં લીંબુ પાક્યાં નથી હોતાં. અને આ જ સમયે દક્ષિણ ભારતનાં લીંબુ બજારમાં આવે છે. તેથી ઉનાળામાં લીંબુની મોટા ભાગની માગ દક્ષિણનાં રાજ્યો દ્વારા પૂરી કરવામાં આવે છે."
"વર્ષ 2023માં દક્ષિણ ભારતમાં જે વાવાઝોડાં આવ્યાં તેના કારણે લીંબુના પાકને નુકસાન થયું અને તેનું ઉત્પાદન ઘટી ગયું. તેથી હાલમાં બજારમાં લીંબુની માગ સામે પુરવઠો પણ ઓછો છે. લીંબુના ભાવ વધવાનું કારણ એક આ પણ માનવામાં આવે છે."
તેઓ વધુમાં કહે છે કે રમઝાન સામાન્ય રીતે પાંચમા કે છઠા મહિનામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે માર્ચમાં આવી ગયો છે, જેના કારણે પણ માગ વહેલા વધી ગઈ છે જ્યારે નવો માલ બજારમાં આવવાની હજી ઘણી વાર છે.
ધવલભાઈ એમ પણ કહે છે કે, "ગુજરાતના મહેસાણામાં અગાઉ લીંબુનાં ઘણાં ખેતરો હતાં પરંતુ તેમાંથી 80 ટકા બંધ થઈ ગયાં છે, કારણ કે ખેડૂતોને વર્ષોથી તેમાં નફો નહોતો થતો. જ્યારે જૂનાં લીંબુનાં ઝાડની 25 વર્ષની ફળદાયી વય સમાપ્ત થઈ ગયાં પછી ખેડૂતો એરંડો અને કપાસનું વાવેતર કરવા લાગ્યા છે."
"આ બધાં કારણોને લીધે હવે લીંબુની એકંદર માગ હૈદરાબાદ, નાકરેકલ, ગુંતાર વગેરે જેવા દક્ષિણના કેટલાક જિલ્લાઓ દ્વારા પૂર્ણ થાય છે, એટલે કે તેઓ દેશને 50-60 ટકા લીંબુ પૂરાં પાડે છે."
"ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મારી આવકમાં 40 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ ભારતમાં આવેલા વાવાઝોડાને કારણે લીંબુ ખરી પડ્યાં હતાં."
લીંબુનો ભાવ ક્યારે ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
સંજયભાઈ કહે છે કે હાલમાં 2-5 ટકા જ લીંબુ ગુજરાતનાં હોય છે જ્યારે બીજો બધો જ માલ કર્ણાટક અને અન્ય દક્ષિણ ભરાતનાં રાજ્યોમાંથી આવે છે. રમઝાન પતશે પછી થોડી માગ ઘટશે તો ભાવ ઘટે એવી શક્યતા છે.
પરંતુ ધવલભાઈ કહે છે કે, "જૂન મહિનામાં ગુજરાતના બજારમાં મૂળ ગુજરાતમાં પાકેલું લીંબુ બજારમાં આવશે. તેથી જૂન મહિનામાં જ ભાવ ઘટવાની શક્યતા છે. પરંતુ જથ્થાબંધ બજારમાં ભાવ 80-100 રૂપિયા પર સ્થિર રહેશે, કારણ કે કોલ્ડ સ્ટોરેજમાં લીંબુનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે જે 60-70 રૂપિયામાં વેચાય છે, જ્યારે તાજાં લીંબુ 100 રૂપિયાના ભાવે વેચાય છે. આ જથ્થો 15-20 દિવસ સુધી ચાલશે."
તેમનું કહેવું છે કે 2022માં કોલ્ડ સ્ટોરેજ ખાલી હતું, તેથી ભાવ કિલો દીઠ 300 રૂપિયા સુધી આસમાને પહોંચી ગયા હતા, જે આ વર્ષે નહીં થાય. આના લીધે લોકો લીંબુ માટે 100 રૂપિયાથી વધુ ન ચૂકવે અને જો ભાવ વધે તો તેઓ ટામેટાં જેવાં અન્ય ખાટાં ફળ તરફ વળી શકે છે.
ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે?
રાષ્ટ્રીય બાગાયત બોર્ડ પ્રમાણે, ભારતમાં લસણનું સૌથી વધારે ઉત્પાદન આંધ્ર પ્રદેશમાં થાય છે. આ સિવાય અન્ય મુખ્ય લીંબુ ઉત્પાદક રાજ્યો છે ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આસામ અને રાજસ્થાન.
ગુજરાતમાં લીંબુ મુખ્યત્વે અમદાવાદ, ખેડા, મહેસાણા અને ભાવનગરમાં થાય છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















