મધદરિયે અપહૃત ભારતીયોને બચાવવાનું ઑપરેશન પાર પાડનાર યુદ્ધજહાજ 'INS ચેન્નાઈ' શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

શુક્રવારે રાત્રે ભારતીય નૌસેનાએ એક ઑપરેશન હાથ ધરીને સોમાલિયાના દરિયાકાંઠાની નજીકથી એક માલવાહક જહાજમાં ફસાયેલા 15 ભારતીય નાગરિકો સહિત કુલ 21ને સુરક્ષિત બચાવી લીધા હતા.

આ વાત સામે આવતાં જ સમગ્ર ઑપરેશન સમાચારોમાં છવાઈ ગયું અને સોશિયલ મીડિયાથી માંડીને અન્ય માધ્યમો સુધી ભારતીય નૌસૈનાની સફળ કામગીરીનાં વખાણ થવાં લાગ્યાં.

આ સફળ ઑપરેશનની ચર્ચા સાથે ઑપરેશન હાથ ધરવા માટે ઉપયોગમાં લેવાયેલા ભારતના યુદ્ધજહાજ ‘આઇએનએસ ચેન્નાઈ’ અને તેની ખાસિયતો પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ હતી.

નોંધનીય છે કે ગુરુવારે સાંજે બ્રાઝિલથી બહરીન તરફ જઈ રહેલા માલવાહક જહાજ એમવી લીલા નૉરફૉકનું સોમાલિયાના ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયાના સમાચાર મળ્યા હતા.

આ જહાજમાં આગળ જણાવ્યું એમ ભારતીય નાવિક પણ સવાર હતા. આ સમાચાર મળતાં જ ભારતીય નૌસૈનાએ અપહૃત જહાજ અને તેમાં સવાર ચાલકદળના સભ્યોને બચાવવા માટેના ઉપાય શરૂ થયા હતા.

અપહૃત જહાજ અને ચાલકદળના બચાવ માટે શુક્રવાર બપોર સુધીમાં ભારતીય નૌસૈનાની કાર્યવાહી સંબંધિત સમાચાર આવવાનું શરૂ થઈ ગયું.

આ દિશામાં સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ પગલું એ આઇએનએસ ચેન્નાઈને બચાવ અભિયાનમાં જોતરવાનું મનાઈ રહ્યું છે.

આખરે આઇએનએસ ચેન્નાઈ અને સ્થળ પર પહોંચેલા ભારતીય મરિન કમાન્ડોની ‘ચેતવણી બાદ ચાંચિયાઓએ પોતાનો ઇરાદો બદલતાં’ અપહૃત ક્રૂ અને જહાજનો અંતે છુટકારો થયો હતો.

આઇએનએસ ચેન્નાઈ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન નૅવીની આધિકારિક વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર આઇએનએસ ચેન્નઈને 21 નવેમ્બર, 2016ના રોજ ભારતીય નૅવીમાં કમિશન કરાયું હતું.

આ યુદ્ધજહાજ એ ઘરઆંગણે ડિઝાઇન કરાયેલ અને વિકસાવાયેલ ‘કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરો’ની શ્રેણીમાં અંતિમ હતું.

આ પહેલાં આ શ્રેણીનાં અન્ય બે જહાજો આઇએનએસ કોલકાતા અને આઇએનએસ કોચીને અનુક્રમે 16 ઑગસ્ટ, 2014 અને 30 સપ્ટેમ્બર, 2015ના રોજ કમિશન કરાયાં હતાં.

તત્કાલીન સંરક્ષણમંત્રી દિવંગત મનોહર પર્રિકરે આઇએનએસ ચેન્નાઈને નૅવીમાં કમિશન કર્યું હતું. તેમણે આ પ્રસંગને ખાસ ગણાવતાં કહ્યું હતું કે, “આ દિવસ ભારતીય નૅવી માટે ઐતિહાસિક છે, કારણ કે આ સાથે જ યુદ્ધ માટે હરહંમેશ તૈયાર રહેવાની દિશામાં સ્વનિર્ભર બનવાની સફરમાં વધુ એક માઇલસ્ટોન છે.”

“આ જહાજ યુદ્ધજહાજ બનાવવાની આપણી કાબેલિયતનું અને સંરક્ષણ માટે સદા તૈયાર રહેવાની તત્પરતાનું પ્રતીક છે.”

આઇએનએસ ચેન્નાઈની ડિઝાઇન નૅવીની ઇન-હાઉસ સંસ્થા, ડિરેક્ટરોરેટ ઑફ નૅવલ ડિઝાઇન દ્વારા તૈયાર કરાઈ હતી.

ધ હિંદુના એક અહેવાલ અનુસાર આઇએનએસ ચેન્નાઈ એ ભારતમાં બનેલાં સૌથી મોટાં ‘ડિસ્ટ્રોયર જહાજો’ પૈકી એક છે. જેની લંબાઈ 164 મીટર છે. આ જહાજ ઘણા પ્રકારનાં ઑપરેશનો હાથ ધરવા માટે સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. જહાજ પર 45 ઑફિસરો અને 395 અને નૅવી કર્મચારીઓને તહેનાત કરાયા છે.

આ સિવાય જહાજમાં ગોઠવાયેલા આધુનિક શસ્ત્રસંરજામ તેને ‘યુદ્ધમાં ઘાતક હથિયાર’ બનાવે છે.

તેના પર સરફેસ-ટુ-સરફેસ ‘બ્રહ્મોસ’ મિસાઇલો અને ‘બરાક-8’ લૉંગ રૅન્જ સરફેસ-ટુ-ઍર મિસાઇલો લગાવાઈ છે.

આ સિવાય જહાજ પર ઘરઆંગણે વિકસિત કરાયેલ ઍન્ટિ-સબમરિન હથિયારો-સેન્સરો તેમજ સોનાર લગાવાયાં છે. હેવી-વેઇટ ટોર્પિડો લૉન્ચર, રૉકેટ લૉન્ચરની ક્ષમતા જહાજને સંકટની ઘડીએ યુદ્ધજહાજને ‘વિનાશક’ બનાવે છે.

આ સિવાય જહાજને સામા પક્ષની મિસાઇલનો સામનો કરી શકે એ હેતુથી તેના પર ‘કવચ’ ડિફેન્સ સિસ્ટમ અને ‘મારિચ’ ટોર્પિડો ડિકોય સિસ્ટમ લગાવાઈ છે.

નોંધનીય છે કે આ બંને સિસ્ટમો ભારતમાં જ વિકસાવાઈ છે. આ સિવાય જહાજ બે મલ્ટિ-રોલ હેલિકૉપ્ટરને ઑપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

જહાજનાં શક્તિશાળી પ્રોપલ્શન પ્લાન્ટ અને ગૅસ ટર્બાઇનની મદદથી એ 30 નૉટ એટલે કે 55 કિમી પ્રતિ કલાકની સર્વોચ્ચ ઝડપ હાંસલ કરી શકે છે.

કેવી રીતે પાર પડાયું ઑપરેશન?

ભારત

ઇમેજ સ્રોત, GETTY IMAGES

નૅવીએ સોમાલિયાના કાંઠે હાથ ધરેલા ઑપરેશન અંગે જાણકારી આપી હતી.

નૅવીએ ત્રણ વીડિયો જાહેર કર્યા હતા, જેમાં ભારતીય કમાન્ડો માલવાહક જહાજ પર બચાવ અભિયાનને અંજામ આપતા નજરે પડે છે.

ભારતીય નૌસૈનાએ જણાવ્યું કે આઇએનએસ ચેન્નાઈ ઍન્ટિ-પાઇરસી પેટ્રોલિંગ પર તહેનાત હતું, પરંતુ આ સમાચાર મળ્યા બાદ યુદ્ધજહાજને માલવાહક જહાજ તરફ રવાના કરી દેવાયું હતું

આ સાથે જ ભારતીય નૌસૈનાએ પોતાનું વધુ એક પેટ્રોલ ઍરક્રાફ્ટ પણ આ દિશામાં જ મોકલ્યું, જે માલવાહક જહાજની ઉપરથી ઊડીને ગયું.

આ વિમાને માલવાહક જહાજ સાથે સંબંધ પણ સ્થાપિત કર્યો.

ભારતીય નૌસૈનાએ જણાવ્યું કે આઇએનએસ ચેન્નાઈએ ગુરુવારે બપોરે સવા ત્રણ વાગ્યે એમવી લીલા નૉરફૉકને ઇન્ટરસેપ્ટ કર્યું હતું.

એ બાદ આ જહાજ પર પ્રીડેટર એમક્યૂ9બી ડ્રોન અને ઇન્ટિગ્રલ હિલોઝ દ્વારા સતત નજર રખાઈ.

ભારત

ઇમેજ સ્રોત, indian navy

તેની થોડી વાર બાદ આઇએનએસ ચેન્નાઈ પર રહેલા કમાન્ડોના દળે માલવાહક જહાજ પર તપાસ પ્રક્રિયા શરૂ કરી.

માલવાહક જહાજ નૉરફૉક રેસ્ક્યૂ મિશન ભારતીય નૅવીના મુખ્યાલયમાં લાઇવ જોવાઈ રહ્યું હતું.

નૌસૈનાના અધિકારી પ્રિડેટર ડ્રોન મારફતે આવી રહેલી ફીડ પણ જોઈ રહ્યા હતા.

કહેવાઈ રહ્યું છે કે ગુરુવારે સાંજે જ્યારે અપહરણના સમાચાર આવ્યા ત્યારથી જ નૅવીએ પોતાના ડ્રોન નૉરફૉક પર નજર રાખવાના હેતુસર લગાડી દીધા હતા.

સેનાના વરિષ્ઠ અધિકારીઓએ એએનઆઇને જણાવ્યું કે ડ્રોન સંબંધિત અધિકારીઓને લાઇવ ફૂટેજ મોકલી રહ્યા હતા.

નૅવીએ જાહેર કરેલા વીડિયોમાં કમાન્ડો એક એક કરીને શિપના વિવિધ ભાગોની તપાસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં કમાન્ડો શિપ પર ચઢતા પણ જોવા મળી રહ્યા છે.

જોકે, ભારતીય નૌસૈનાએ જણાવ્યું કે માલવાહક જહાજ પર કોઈ અપહરણકાર મળ્યું નહોતું. નૅવીના આકલન અનુસાર તેમની ચેતવણી બાદ ચાંચિયાઓએ પોતાનો ઇરાદો બદલી લીધો હશે.

રેડ લાઇન
રેડ લાઇન