પાકિસ્તાન સેના: જો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકવાદી હોય, તો અમને સોંપો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
પાકિસ્તાની સેનાની પ્રચારપાંખ આઈએસપીઆરના (ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ) ડીજી (ડાયરેક્ટર જનરલ) લૅફટનન્ટ જનરલ અહમદ શરીફે કહ્યું છે કે 'અફઘાનિસ્તાનમાં આતંકવાદી કેન્દ્ર' છે. અલકાયદા તથા આઈએસઆઈએસ સહિતના આતંકવાદી સંગઠનોના નેતા ત્યાં છે.
લૅફટનન્ટ જનરલ અહમદ શરીફે કહ્યું, "અમે અફઘાન તાલિબાન સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે તેઓ આતંકવાદીઓને આશરો દેવાનું બંધ કરે."
તહેરિક-એ-તાલિબાન,પાકિસ્તાનના સભ્યો પાકિસ્તાની નાગરિક હોવાની વાતને શરીફે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જો તેઓ પાકિસ્તાની હોય, તો તેમને પાકિસ્તાનને સોંપી દેવા જોઈએ.
તેમણે કહ્યું કે જ્યારે નાટોની સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું, ત્યારે લગભગ સાત અબજ ડૉલરની કિંમતના હથિયાર મૂકી ગયાં હતાં અને હવે તેનો ઉપયોગ આતંકવાદ માટે થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક મહિના દરમિયાન પાકિસ્તાનમાં હુમલા વધ્યા છે અને પાકિસ્તાન તેના માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવે છે. અફઘાનિસ્તાને આ આરોપોને નકાર્યા છે.
હૉંગકૉંગ: આગમાં મૃત્યુ પામેલાઓની સ્મૃતિમાં ત્રણ દિવસનો શોક

ઇમેજ સ્રોત, Peter PARKS / AFP via Getty Images
હૉંગકૉંગમાં ગત લગભગ 80 વર્ષની સૌથી ભીષણ આગ લાગી, જેમાં ઓછામાં ઓછા 128 લોકોનાં મૃત્યુ થયાં છે. ઉપરાંત સેંકડો લોકો હજુ પણ ગુમ છે.
બીબીસી ન્યૂઝના ટૅબી વિલ્સન જણાવે છે કે હૉંગકૉંગના અધિકારીઓએ મૃતકોની સ્મૃતિમાં ત્રણ દિવસીય શોકની જાહેરાત કરી છે, જેની શરૂઆત ત્રણ મિનિટના શોકથી કરવામાં આવી હતી.
શનિવારે સવારે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય શહેરમાં ઠેર-ઠેર મૅમોરિયલ પૉઇન્ટૂસ બનાવવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે હૉંગકૉંગના તાઈ પો વિસ્તારના વાંગ ફૂક કોર્ટ નામના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેમાં સોસાયટીના આઠમાંથી સાત ટાવર આગના ભરડામાં આવી ગયા હતા.
બ્લૉકમાં ચાલી રહેલાં સમારકામમાં ભ્રષ્ટાચારની શંકામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં અન્ય ત્રણ શખ્સોની હત્યાના આરોપ સબબ ધરપકડ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળ : મમતા સરકારે નવા વક્ફ સુધાર કાયદાને મંજૂરી આપી

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળની સરકારે નવા વક્ફ સંશોધન કાયદાને મંજૂરી આપી છે. આ મુદ્દે ભાજપે મમતા બેનરજી સરકાર ઉપર નિશાન સાધ્યું છે.
પશ્ચિમ બંગાળ ભાજપે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "તેમણે (મમતા બેનરજીએ) પહેલાં વક્ફ સંશોધનનો વિરોધ કર્યો હતો. મહિનાઓ પછી, તેમની સરકારે ભારત સરકારના સુધારેલા વક્ફ કાયદાને સ્વીકારી લીધો છે."
રાજ્યના લઘુમતી વિકાસ વિભાગે જિલ્લાધિકારીઓને 5ડિસેમ્બર સુધીમાં 82 હજાર વક્ફ સંપત્તિઓ વિશેની માહિતી સેન્ટ્રલ પૉર્ટલ ઉપર અપલોડ કરવાના નિર્દેશ આપ્યા છે.
એપ્રિલ-2025માં વક્ફ સંશોધન વિધેયક સંસદનાં બંને ગૃહોમાં પસાર થયું હતું. ગુરુવારે તમામ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને લખેલા પત્રમાં આ નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ ચુકાદાને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી કે તેઓ આ નવા કાયદાને લાગુ નહીં થવા દે.
'દિત્વાહ' વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકામાં ભારતે 12 ટન રાહતસામગ્રી પહોંચાડી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, X/@DrSJaishankar
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે દિત્વાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકા માટે ભારતે અત્યાર સુધી 12 ટન રાહતસામગ્રી પહોંચાડી છે.
એસ. જયશંકરે ઍક્સ પોસ્ટ પર લખ્યું, "ઑપરેશન સાગરબંધુ શરૂ થયું. ભારતીય વાયુસેનાનું સી-130 વિમાન લગભગ 12 ટન માનવીય મદદ લઈને કોલંબો પહોંચ્યું, જેમાં ટેન્ટ, તાડપત્રી, કંબલ, હાઇજીન કિટ અને ભોજનસામગ્રી સામેલ છે."
શ્રીલંકાના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સેન્ટર (ડીએમસી)એ શનિવારે સવારે છ વાગ્યા સુધી 69 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે ઓછામાં ઓછા 34 લોકો હજુ પણ ગુમ છે.
ડીએમસી પ્રમાણે આ આપત્તિથી લગભગ 61 હજાર પરિવારોના બે લાખ કરતાં વધુ લોકો પ્રભાવિત થયા છે.
દિત્વાહ વાવાઝોડા અંગે હવામાન વિભાગે આ રાજ્યો માટે ચેતવણી જાહેર કરી

ઇમેજ સ્રોત, ANI
હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ દિત્વાહ વાવાઝોડા અંગે ચેતવણી આપી છે.
આઇએમડીએ ઍક્સ પર પોસ્ટ કર્યું છે, "દિત્વાહ વાવાઝોડું, જે હાલ શ્રીલંકા અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પાસે છે. એ થોડું હજુ મજબૂત થઈ શકે છે. 30 નવેમ્બરના રોજ સવાર સુધી ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો પાસે પહોંચી શકે છે."
28 નવેમ્બરના રોજ જાહેર કરેલ પ્રેસ રિલીઝમાં આઇએમડીએ દિત્વાહ વાવાઝોડાને કારણે તામિલનાડુમાં 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ સાથે તોફાનની શક્યતા વ્યક્ત કરી છે.
આઇએમડી પ્રમાણે આંધ્ર પ્રદેશમાં તેના કારણે 29 નવેમ્બરથી 1 ડિસેમ્બ્ર દરમિયાન અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેમજ કેરળ, પુડુચેરી અને કર્ણાટકમાં આજે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
ઍરબસ સૉફ્ટવૅર અપડેટ : સમગ્ર વિશ્વમાં હજારો વિમાનોનાં ઑપરેશન પર અસર થવાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિમાન નિર્માતા કંપની ઍરબસે પોતાનાં હજારો વિમાનો માટે એક સૉફ્ટવૅર અપડેટની જાહેરાત કરી છે. આનું કારણ સૂર્યમાંથી નીકળતું તીવ્ર રેડિયેશન ગણાવાઈ રહ્યું છે, જેનાથી ફ્લાઇટ કંટ્રોલ માટે જરૂરી ડેટા કરપ્ટ થઈ જાય છે.
એવું મનાઈ રહ્યું છે આનાથી સમગ્ર વિશઅવમાં છ હજાર વિમાન અસરગ્રસ્ત થશે.
અમેરિકન ઍરલાઇન્સ, ડેલ્ટા, ઍર ઇન્ડિયા અને વિઝ જેવી સમગ્ર વિશ્વની ઘણી ઍરલાઇનોએ આ સૉફ્ટવૅર અપડટેથી પોતાની સેવા પ્રભાવિત થવાની વાત કહી છે.
ઍર ઇન્ડિયાએ ઍરબસના નિર્દેશ બાદ પોતાના 'નિર્ધારિત ઑપરેશનમાં વિલંબ' અંગે ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી છે.
ઍર ઇન્ડિયાએ ઍક્સ પર પોસ્ટ કર્યું, "અમને ઍરબસના એક નિર્દેશ વિશે માહિતી મળી છે જે તેના એ320 ફેમિલી ઍરક્રાફ્ટ સાથે સંકળાયેલી છે. એ હાલ ઍરલાઇન ઑપરેટરો વચ્ચે સર્વિસમાં છે. આનાથી અમારી ફ્લીટના એક ભાગમાં સૉફ્ટવૅર/હાર્ડવૅર રિએલાઇનમેન્ટ થશે, જેનાથી ટર્નઅરાઉન્ડ ટાઇમ વધશે અને અમારા નક્કી કરેલાં ઑપરેશન્સમાં વિલંબ થશે."
ઇન્ડિગોએ એક્સ પર પોસ્ટ કર્યું, "ઍરબસે ગ્લોબલ એ320 ફ્લીટ માટે એક ટૅકનિકલ ઍડ્વાઇઝરી જાહેર કરી છે. અમે તમામ સુરક્ષા પ્રોટોકૉલ પ્રમાણે, પૂરી મહેનત અને સાવધાનીથી પોતાના ઍરક્રાફ્ટની જરૂરી અપડેટ્સ માટે કામ કરી રહ્યા છીએ."
ઇન્ડિગોએ કેટલીક ફ્લાઇટના શિડ્યૂલમાં થોડા બદલાવની વાત કરી છે અને મુસાફરોને ઍરપૉર્ટ પહોંચતા પહેલાં ઍપ કે વેબસાઇટ મારફતે ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવાની અપીલ કરી છે.
ઍર લાઇને મદદ માટે 011-69329333, 011-69329999 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
બીજી તરફ ઇઝીજેટનું કહેવું છે કે તેણે જરૂરી સૉફ્ટવૅર અપડેટ કર્યાં છે અને શનિવારે તેની તમામ ઉડાણો સામાન્ય રીતે ચલાવવાનું આયોજન છે.
લંડનના હીથ્રો ઍરપૉર્ટનું કહેવું છે કે તેના ફ્લાઇટ ઑપરેશન પર કોઈ અસર નહીં પડે, જ્યારે ગેટવિકે કેટલીક સમસ્યાઓ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે.
બ્રિટનનાં પરિવહન મંત્રી હેઇડી એલેક્ઝેન્ડરનું કહેવું છે કે બ્રિટનની ઍરલાઇનો પર તેની અસર સીમિત લાગે છે. તેમણે મુસાફરોને વધુ જાણકારી માટે ઍરલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















