શાંતિની વાતચીત વચ્ચે યુક્રેન અને રશિયાએ એકબીજા પર કર્યા મોટા હુમલા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધ સમાપ્ત કરવાને લઈને ટ્રમ્પના 'પીસ પ્લાન' પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે યુક્રેન અને રશિયાએ એકબીજાનાં શહેરો પર હુમલા કર્યા છે.
યુક્રેનની રાજધાની કિએવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ કહ્યું છે કે રશિયાના હુમલામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ પહેલાં અધિકારીનું કહેવું હતું કે ઓછામાં ઓછા બે રહેણાંક વિસ્તારો પર હુમલો થયો છે.
જ્યારે રશિયાના અધિકારીનું કહેવું છે કે ક્રાસ્નોડાર અને રોસ્તોવના બૉર્ડર વિસ્તારમાં યુક્રેને રાતભર હવાઈ હુમલાઓ કર્યા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે રશિયાની સેનાએ 249 ડ્રૉન તોડી પાડ્યાં છે. રોસ્તોવ વિસ્તારના કાર્યકારી ગવર્નરનું કહેવું છે કે આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે.
બીબીસી સાથે વાત કરતાં એક અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે શાંતિ યોજના પર જિનેવામાં થયેલી વાતચીત બાદ અબૂ ધાબીમાં રશિયાના પ્રતિનિધિઓ સાથે મિટિંગ થવા જઈ રહી છે.
શરૂઆતમાં પ્રસ્તાવિત ટ્રમ્પના પીસ પ્લાન પર રવિવારે જિનેવામાં બેઠક થઈ અને તેમાં સંશોધન કરવામાં આવ્યું. જેને હવે અપડેટેડ પીસ પ્લાન કહેવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ પીસ પ્લાનને લઈને 'લગભગ ઘણી બાબતોમાં સહમત' છે.
અરૂણાચલ પ્રદેશની મહિલાનો દાવો, 'ભારતીય પાસપૉર્ટ હતો તેથી ચીની અધિકારીઓએ પરેશાન કર્યા'

ઇમેજ સ્રોત, ANI
અરૂણાચલ પ્રદેશનાં એક મહિલાએ દાવો કર્યો છે કે ભારતીય પાસપૉર્ટને કારણે તેમને શાંઘાઈ પુડોંગ ઍરપૉર્ટ પર ચીની અધિકારીઓએ ઘણા કલાકો સુધી પરેશાન કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, પ્રેમા વાંગિયોમ થોંગડોકે જણાવ્યું, "હું એક ભારતીય નાગરિક છું અને 14 વર્ષોથી બ્રિટનમાં રહું છું. હું વાયા શાંઘાઈ, લંડનથી જાપાનની યાત્રા પર હતી."
તેમણે દાવો કર્યો કે શાંઘાઈમાં તેમને રોકવામાં આવ્યાં હતાં અને કહેવામાં આવ્યું કે તેમનો પાસપૉર્ટ વૈધ નથી.
થોંગડોકે દાવો કર્યો, "અધિકારીઓએ મજાક ઉડાવી અને કહ્યું કે અરૂણાચલ પ્રદેશ ભારતનો ભાગ નથી. ચીનનો ભાગ છે. મેં બેઇજિંગમાં ભારતીય દૂતાવાસને ફોન કર્યો. એક અધિકારી મને મળવા આવ્યા."
પ્રેમા થોંગડોકે જણાવ્યું, "18 કલાક પછી તેઓ ત્યાંથી નીકળી શક્યાં. આ મામલે તેમણે ભારતીય વિદેશ મંત્રાલય, પીએમઓ, અરૂણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી અને વિદેશ સચિવને મેલ લખ્યો છે કે કોઈ સામાન્ય નાગરિકની સાથે આ પ્રકારની ઘટના ન થવી જોઈએ."
બીબીસીને સૂત્રો મારફતે જાણકારી મળી છે કે ભારત સરકારે આ ઘટનાના દિવસે જ બેઇજિંગ અને દિલ્હીમાં ચીની પક્ષની સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. શાંઘાઈમાં ભારતના દૂતાવાસે પણ આ મામલાને સ્થાનિકસ્તરે ઉઠાવ્યો હતો અને ફસાયેલાં યાત્રીની મદદ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે ભારતે ચીનને કહ્યું છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેના નિવાસીઓને ભારતીય પાસપૉર્ટ રાખવા અને તેના મારફતે યાત્રા કરવાનો પૂરો અધિકાર છે.
પૂર્વ એફબીઆઈ ડાયરેક્ટર કોમી અને ન્યૂ યૉર્ક ઍટર્ની જનરલ સામેનો કેસ ફગાવાયો

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ એફબીઆઈ ડાયરેક્ટર જેમ્સ કોમી અને ન્યૂ યૉર્ક ઍટર્ની જનરલ લેટેટિયા જેમ્સ સામે આપરાધિક કેસને ફગાવી દેવામાં આવ્યો છે.
અમેરિકાના જજે કહ્યું છે કે આરોપ લગાવનારા અભિયોજકને ગેરકાયદેસર રીતે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જજ કૅમરન ક્યૂરીએ કહ્યું કે લિંડસે હૅલિગન ક્યારે પણ આ પદ માટે યોગ્ય નહોતાં. જેમને ટ્રમ્પ દ્વારા પોતાના બે રાજકીય વિરોધીઓની સામે આરોપો લગાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
કોમી અને જેમ્સે પોતાને નિર્દોષ ગણાવ્યાં હતાં અને આ કેસને રાજનીતિક ગણાવ્યો હતો.
આ ચુકાદા પર વ્હાઇટ હાઉસે બીબીસીને જણાવ્યું છે કે "કોમી અને જેમ્સ સામે આરોપોનાં તથ્યો નથી બદલાતાં અને આ મામલે આ કોઈ આખરી ચુકાદો નથી."
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણી વખત કોમી અને જેમ્સ પર હુમલો કરી ચૂક્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું હતું, "તે તમામ ઘણા દોષિતો છે, ન્યાય હોવો જોઈએ, હાલમાં."
સોમવારે પોતાના નિર્ણયમાં જજ ક્યૂરીએ લખ્યું કે વ્હાઇટ હાઉસના પૂર્વ સહયોગી હૅલિગનને ગ્રાન્ડ જ્યૂરી સામે આરોપ લગાવવાનો અધિકાર જ નહોતો.
ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખ ગુજરાત પરથી પસાર થઈ ત્યારે શું અસર થઈ?

ઇમેજ સ્રોત, Reuters
ઇથિયોપિયાના અફાર ક્ષેત્રમાં સ્થિત હાયલી ગુબ્બી જ્વાળામુખી રવિવારની સવારે ફાટ્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, તેની આસપાસનાં ગામોમાં ધૂળની ચાદર ઢંકાઈ ગઈ હતી. સેટેલાઇટ તસવીરોમાં રાખનું વાદળ લાલ સાગરની ઉપર તરતું જોવા મળ્યું હતું.
ટૂલૂઝ વૉલ્કેનિક ઍશ ઍડવાઇઝરી સેન્ટર પ્રમાણે, જ્વાળામુખીમાંથી નીકળેલાં રાખનાં વાદળો ઓમાન, ભારત અને ઉત્તર પાકિસ્તાન તરફ પહોંચ્યાં. તેને કારણે કોઈ નુકસાન થયાની કે કોઈના હતાહત થયાની જાણકારી નથી.
રાખનાં વાદળો ગુજરાત થઈ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યાં છે. જ્વાળામુખીનો વિસ્ફોટ તો શાંત પડી ગયો છે પરંતુ રાખનું વાદળ વાયુમંડળમાં આગળ વધી રહ્યું છે. આ વાદળ 100-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારતથી આગળ વધી રહ્યું છે.
આ વાદળ આગળ વધ્યાં બાદ વિવિધ ઍરલાઇન્સોએ તેમની કેટલીક ફ્લાઇટ્સ રદ કરી નાખી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આકાશા ઍર, ઇન્ડિગો અને કેએલએમ જેવી ઍરલાઇન્સે સોમવારે કેટલીક ફ્લાઇટ્સ કૅન્સલ કરી દીધી.
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે 'ટ્રમ્પ પીસ પ્લાનમાં સુધારા'

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે રવિવારે જીનિવામાં વાતચીત થઈ હતી. તેના પગલે યુક્રેન અને અમેરિકાના સંયુક્ત નિવેદનમાં 'અપડેટેડ પીસ પ્લાન'ની વાત કરવામાં આવી હતી.
બંને પક્ષે તેને 'અપડેટેડ અને સંશોધિત ફ્રેમવર્ક ડૉક્યુમેન્ટ' ગણાવ્યું છે.
રવિવારે અમેરિકા, જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ હતી.
આ અગાઉ અમેરિકાએ એક પીસ પ્લાનની દરખાસ્ત મૂકી હતી જેને વ્યાપક રીતે રશિયાની તરફેણમાં ગણવામાં આવી હતી.
ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારે એક પ્રતિનિધિને ટાંકીને કહ્યું કે નવી યોજનામાં સામેલ કરવામાં આવેલા 19 મુદ્દા, શરૂઆતની યોજનામાંથી જ લેવામાં આવ્યા છે.
અપડેટેડ પીસ પ્લાન વિશે વધુ માહિતી નથી, પરંતુ સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ તેમાં જણાવાયું છે કે યુક્રેનમાં પશ્ચિમી દેશો પોતાની સેના સ્થાયી રીતે નહીં રાખી શકે. પરંતુ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ નથી.
48 કલાકમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા, તામિલનાડુમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
તામિલનાડુના હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
23 નવેમ્બરથી દક્ષિણ અંદમાન સમુદ્રમાં ડિપ્રેશન રચાયું હતું. 24 નવેમ્બરે પણ મલેશિયાથી નજીક આવેલા વિસ્તારમાં આ ડિપ્રેશન રહ્યું હતું. હવે આગામી ચોવીસ કલાકમાં તે અંદમાન નિકોબારના સમુદ્ર પર આગળ વધીને સાઉથ બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.
હાલમાં તામિલનાડુમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો છે. કૉયમ્બતૂર, કન્યાકુમારી, રામનાથપુરમ્, તેનકાસી, થેની, નીલગિરી, તિરુનેલવેલી સહિતના જિલ્લામાં આજે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. 26 નવેમ્બરથી લઇને 30 નવેમ્બર સુધી તામિલનાડુમાં અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમાંથી કેટલાક જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















