જી-20 સંમેલનમાં બાઇડને યુક્રેનને લઈને શું કહ્યું? -ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @airnewsalerts
બ્રાઝિલના રિયો ડિ જાનેરોમાં ચાલી રહેલા જી-20 સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનની સંપ્રભુતાની વાત કરી છે.
બાઇડને અમેરિકન સરકાર દ્વારા યુક્રેનને સમર્થન આપવાની વાતનો ફરી ઉલ્લેખ કર્યો છે.
તેમણે કહ્યું, “આપણે સૌએ સંઘર્ષો અન સંકટોને સમાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે. આ સંઘર્ષ દુનિયામાં સુરક્ષામાં સુધારની પ્રગતિને નષ્ટ કરે છે.”
તેમણે વધુમાં કહ્યું, “અમેરિકા મજબૂતી સાથે યુક્રેનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાનું સમર્થન કરે છે. મારું માનવું છે કે આ મંચ પર બેઠેલા તમામ લોકોએ પણ આમ કરવું જોઈએ.”
યુક્રેનને લાંબા અંતરની મિસાઇલ નહીં આપે જર્મની

ઇમેજ સ્રોત, Getty Images
જર્મન સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે તેમનો દેશ યુક્રેનને લાંબા અંતરની મિસાઇલ નહીં આપવાના નિર્ણય પર મક્કમ છે.
જર્મન સરકારના પ્રવક્તાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે અમેરિકાએ યુક્રેનને રશિયા પર લાંબા અંતરની મિસાઇલથી હુમલા કરવાની પરવાનગી આપી છે તો અમેરિકાના આ નિર્ણય બાદ જર્મનીએ પોતાની નીતિમાં બદલાવ કર્યો છે ખરો?
જો જર્મન સરકારના પ્રવક્તાએ કહ્યું, “ચાન્સેલરનો નિર્ણય બદલાયો નથી.”
ઉલ્લેખનીય છે કે જર્મની એ અમેરિકા બાદ યુક્રેનને સૈન્ય સહાય આપનારો બીજો દેશ છે. જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ત્સે યુક્રેનને જર્મની નિર્મિત લાંબા અંતરની મિસાઇલ ટૉરસ ન આપવાનો નિર્ણય કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત સપ્તાહે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ત્સની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીતથી વિવાદ થયો હતો. યુક્રેને તેના પર વાંધો ઉઠાવ્યો હતો.
દિલ્હી-એનસીઆરમાં વધતા હવાના પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની સરકારને ફટકાર

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન(જીઆરએપી) 3 અને 4 જૂને લાગુ કરવામાં મોડું કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “નોટિસમાં આવ્યું છે કે જીઆરએપી-3ને લાગુ કરવામાં આવ્યું ત્યારે એક્યૂઆઈ 401-450ના આંકડા સુધી પહોંચી ગયો હતો. જ્યારે કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટે 13 નવેમ્બરે એક્યૂઆઈ 401 નોંધ્યો હતો.”
“કોર્ટને સલાહ આપનારા એમિક્સ ક્યૂરીએ કોર્ટને જણાવ્યું છે કે 12 નવેમ્બર, 2024ના રોજ એક્યૂઆઈ 400નો આંકડો પાર કરી ગયો. ત્યારે તરત જીઆરએપી-3 લાગુ કરવાની જરૂર હતી પરંતુ તેની જગ્યાએ 14 નવેમ્બરે જીઆરએપી-3 લાગુ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે પછીના આદેશ આપ્યા સુધી જીઆરએપી-4 લાગુ રહેશે પછી ભલે એક્યૂઆઈનું સ્તર સુધરે.
સુપ્રીમ કોર્ટે એનસીઆરની સરકારોને કહ્યું છે કે જીઆરએપી-4ને કડકાઈથી અમલમાં લાવો.
મણિપુરમાં બીરેનસિંહ સરકારનું સમર્થન પરત લેવા મામલે શું બોલ્યા કૉનરાડ સંગમા?

ઇમેજ સ્રોત, ANI
મેઘાલયના મુખ્ય મંત્રી અને નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કૉનરાડ સંગમાએ મણિપુરની બીરેનસિંહ સરકારનું પોતાનું સમર્થન પરત લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરી.
તેમણે કહ્યું, “અમે બીરેનસિંહ સરકારથી સમર્થન પરત લીધું છે. અમે સકારાત્મક સહયોગ આપી શકીએ છીએ. શાંતિ અને વ્યવસ્થા તથા સામાન્ય સ્થિતિની બહાલીમાં યોગદાન કરી શકીએ છીએ. પરંતુ આ માટે સ્થિતિ જોવી પડશે, હાલ એ કહેવું મુશ્કેલ છે.”
“અમારી પાર્ટીના નેતા અને ધારાસભ્યો મહેસૂસ કરતા હતા કે એક પાર્ટી તરીકે અમારો મુખ્ય મંત્રી બીરેનસિંહ પર વિશ્વાસ ઊઠી ગયો છે. તેથી અમે સમર્થન પરત લીધું.”
રવિવાર સાંજે નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરમાં ભાજપના નેતૃત્વની ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લીધું.
60 બેઠકો ધરાવતી મણિપુર વિધાનસભામાં એનપીપીના 7 ધારાસભ્યો છે. એનપીપીના એક ધારાસભ્ય જય કિશનસિંહ કેટલાક મહિના પહેલા ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
ઉત્તર ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 34 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર ગાઝામાં બેઇત લાહિયા શહેરમાં ઇઝરાલય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યારસુધી 34 લોકોનાં મૃત્યુ થયાં છે. સ્થાનિક સિવિલ ડિફેન્સ એજન્સીએ આ જાણકારી આપી હતી.
એએફપીએ એજન્સીના હવાલાથી જણાવ્યું કે હુમલામાં જે લોકોનાં મૃત્યુ થયાં છે તેમાં મહિલાઓ અને બાળકો વધારે છે. આ હુમલામાં સાત લોકો ઘાયલ પણ થયા છે.
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તે ઉત્તર ગાઝામાં હુમલા કરે છે જેથી હમાસ ફરીથી એક ન થઈ શકે.
ઇઝરાયલી હુમલાને કારણે છેલ્લાં પાંચ સપ્તાહમાં સવા લાખ કરતાં વધારે લોકો વિસ્થાપિત થયા છે.
ઇઝરાયલ પર સાત ઑક્ટોબરે હમાસે હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે ઇઝરાયલે જવાબ આપતા અત્યારસુધી ગાઝામાં લગભગ 44 હજાર લોકોનાં મોત થયાં છે.
'ઠેરઠેર પરાળ સળગી રહી છે, છતાં કેન્દ્ર સરકાર કશું નથી કરતી', દિલ્હીનાં CM આતિશી

ઇમેજ સ્રોત, @AtishiAAP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશીએ રાજ્યમાં પ્રદૂષણ માટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું છે અને કહ્યું છે કે દેશભરમાં પરાળ સળગાવાઈ રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર કશું નથી કરી રહી.
આતિશીએ સોમવારે દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે પત્રકારપરિષદ કરી હતી.
તેમણે કહ્યું, "દેશભમાં પરાળ સળગાવાઈ રહી છે. હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરેક જગ્યાએ પરાળ સળગાવાઈ રહી છે અને કેન્દ્ર સરકાર હાથ ઉપર હાથ ધરીને બેસી રહી છે."
"ઉત્તર ભારતને મેડિકલ ઇમર્જન્સીમાં ધકેલી દીધું છે. દિલ્હી ઉપરાંત ચંદીગઢ, જયપુર, બિકાનેર, ભોપાલ, પટણા હોય કે લખનઉ. ત્યાં પ્રદૂષણનો આંક ઍર ક્વૉલિટી ઇન્ડૅક્સ (એક્યૂઆઈ) 'બહુ ખરાબ', 'ગંભીર' તથા 'સિવિયર પ્લસ'ની શ્રેણીમાં છે."
આતિશીએ કહ્યું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની (સીપીસીબી) વૅબસાઇટ પર ગઈ કાલ (રવિવાર) સાંજે ચાર વાગ્યાના આંકડા પરથી ઉત્તર ભારતમાં એક્યૂઆઈની પરિસ્થિતિ અંગે અંદાજ મળે છે.
આતિશીએ દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં માત્ર પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. પંજાબ સરકારે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે દેખાડી દીધું છે.
નોંધનીય છે કે સોમવારે દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં પ્રદૂષણ 'ગંભીર'ના સ્તર પર હતું.

કૈલાશ ગહલોત ભાજપમાં જોડાયા

ઇમેજ સ્રોત, BJP
આમ આદમી પાર્ટીના નેતા તથા દિલ્હી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતે એક દિવસ પહેલાં પાર્ટી અને પ્રધાનમંડળમાંથી રાજીનામાં આપી દીધાં હતાં.
હવે તેઓ ભાજપમાં સામેલ થયા છે. આવતા વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગેહલોતના આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો, જેમાં તક આપવા બદલ આભાર માન્યો હતો અને કેટલાક વાયદા પૂર્ણ કરવાના બાકી હોવાની વાત કહી હતી.
તેમણે પત્રમાં લખ્યું, "યમુના નદી પહેલાં કરતાં વધુ પ્રદૂષિત છે. આ સિવાય પણ અનેક શરમજનક વિવાદ થઈ રહ્યા છે. જેમ કે શીશમહેલ વિવાદ. જેણે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકનાર દરેકના મનમાં શંકા ઉત્પન્ન કરી છે."
આ પહેલાં આપે આરોપ મૂક્યો હતો કે ગેહલોત પર ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ હતું. ઈડી તથા અન્ય તપાસ એજન્સીઓ દ્વારા દબાણ લાવીને તેમને આપ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
બાઇડને રશિયાની અંદર અમેરિકન મિસાઇલ્સથી હુમલો કરવાની યુક્રેનને છૂટ આપી

ઇમેજ સ્રોત, White Sands Missile Range
અમેરિકાએ તેની નીતિમાં બહુ મોટો ફેરફાર કર્યો છે અને યુક્રેનને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી મિસાઇલ્સનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. યુક્રેન આ મિસાઇલ્સની મદદથી રશિયામાં ખૂબ ઊંડે સુધી પ્રહાર કરવા સક્ષમ બનશે.
અમેરિકામાં બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસ સમક્ષ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
અધિકારીના કહેવા પ્રમાણે, "આવી વાતો જાહેર ન કરવાની હોય. મિસાઇલ્સ જ બોલશે."
યુક્રેન અત્યાર સુધી અમેરિકા દ્વારા આપવામાં આવેલી લાંબા અંતરની મિસાઇલ્સનો ઉપયોગ માત્ર પોતાના દેશના સીમાવિસ્તારમાં રહેલા રશિયન લક્ષ્યાંકોને વેધવા માટે જ કરી શકતું હતું.
ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આવી હિલચાલ સામે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું હતું કે જો આવો કોઈ નિર્ણય લેવામાં આવશે તો યુક્રેન યુદ્ધમાં નાટો સામેલ થયું છે એમ માનવામાં આવશે.
પુતિને તાજેતરના ઘટનાક્રમ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ રશિયાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે "સ્થિતિ વકરશે."
'શેખ હસીનાને પરત મોકલવા ભારત સમક્ષ માગ કરીશું'

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશની વચગાળાની સરકારે 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનૂસે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે પદભ્રષ્ટ થયેલાં વડાં પ્રધાન શેખ હસીનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુનૂસે કહ્યું હતું કે તેઓ ભારત સમક્ષ માગ કરશે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવે.
તાજેતરમાં જ બાંગ્લાદેશના વિદેશ વિભાગના પ્રવક્તા તૌફિક હસને કહ્યું હતું કે શેખ હસીના વારંવાર રાજકીય નિવેદનબાજી કરે છે.
હસને કહ્યું કે આ અંગે ભારતીય હાઈકમિશન તથા ભારત સરકારને જાણ કરવામાં આવી છે. તેમને જણાવાયું હતું કે શેખ હસીના ભારતમાં રહીને રાજકીય નિવેદનબાજી કરે તે યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે હસીના સામે અનામતવિરોધી આંદોલન હાથ ધરવામાં આવ્યાં હતાં. એ પછી તેઓ ભારત આવી ગયાં હતાં. આઠ ઑગસ્ટે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના થઈ હતી, જેના વડા મોહમ્મદ યુનૂસ છે.
પાટણમાં મેડિકલના વિદ્યાર્થીનું કથિત રેગિંગને કારણે મૃત્યુ

ઇમેજ સ્રોત, gmersmchpatan.org
પીટીઆઈના અહેવાલ અનુસાર, પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. પરિવારજનોનો આરોપ છે કે સિનિયરો દ્વારા મૃતક અનિલ મથાનિયાનું રેગિંગ કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે, "અનિલ મથાનિયા જીએમઈઆરએસ મેડિકલ કૉલેજ ખાતે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. 18 વર્ષીય અનિલ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના રહીશ છે."
"અનિલના અવસાન અંગે માહિતી મળતા પરિવારજનો પાટણ ધસી આવ્યા હતા. જ્યાં તેમણે શનિવારે રાત્રે અનિલ સાથે રેગિંગ થયું હોવાના આક્ષેપ કર્યા હતા."
કૉલેજના ડીન ડૉ. હાર્દિક શાહના કહેવા પ્રમાણે, "વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બચાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. મથાનિયાના સહપાઠીઓના કહેવા પ્રમાણે, કૉલેજ હૉસ્ટેલમાં ઓળખના બહાને સિનિયરોએ તેમને ત્રણેક કલાક ઊભા રાખ્યા હતા."
શાહના કહેવા પ્રમાણે, કૉલેજની ઍન્ટિ-રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી છે અને જો કોઈ સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ માટે જવાબદાર જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મૃતકના પરિવારજન ધર્મેન્દ્ર મથાનિયાના કહેવા પ્રમાણે, તેઓ પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે સરકાર અને કૉલેજ તરફથી ન્યાય મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















