રૅપર બાદશાહે 'ટટીરી' ગીત વિવાદ અંગે માફી માંગતા શું કહ્યું? ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images
રૅપર આદિત્ય પ્રતીકસિંહ સિસોદિયા ઉર્ફ બાદશાહે તેમના તાજેતરમાં રજૂ થયેલા ગીત 'ટટીરી' વિશે જે વિવાદ થયો છે. તેના બદલ માફી માંગી છે.
તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું, "મારા નવા ગીત 'ટટીરી'ના કેટલાક શબ્દો અને વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનને કારણે જે સંદેશ ગયો છે, તેનાથી અનેક લોકોને ઠેસ પહોંચી છે. વિશેષ કરીને મારા પોતાના હરિયાણાના લોકોની ભાવનાઓ ઉપર આઘાત થયો છે."
"હરિયાણાની કોઈ મહિલા વિશે હું અશ્લીલ વાત કરું એવો મારો કોઈ ઇરાદો ન હતો. હું હિપ-હૉપ જૉનરનો છું. જેમાં લિરિક્સ હરીફ માટે હોય છે. નહીં કે કોઈ સ્ત્રી કે બાળક માટે."
બાદશાહે કહ્યું, "હું પોતે હરિયાણાનો છું અને મારી પોતાની ઓળખ હરિયાણા થકી છે. મેં હરિયાણાની સંસ્કૃતિ અને બોલીને ઊંચા સ્તરે લઈ જવાનો હંમેશાં પ્રયાસ કર્યો છે."
બાદશાહે ઉમેર્યું, "આમ છતાં જો મારા ગીતના એ ભાગને કારણે કોઈને આઘાત લાગ્યો હોય, તો હું હૃદયપૂર્વક બધાની માફી માગું છું. હું આશા કરું છું કે તમે મને હરિયાણાનો દીકરો જાણીને, પોતાનો દીકરો સમજીને માફ કરશો."
ઉલ્લેખનીય છે કે હરિયાણા પોલીસે બાદશાહને હાજર થવા નોટિસ કાઢી છે તથા તેમને પકડવા માટે ઠેર-ઠેર રેડ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 'ટટીરી' ગીતના શબ્દો અંગે વિવાદ થયો છે અને તેમની બાદશાહ સામે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. હરિયાણાના મહિલા આયોગે પણ તેમને સમન્સ કાઢ્યા છે.
હરિયાણા પોલીસના કહેવા પ્રમાણે, બાદશાહની સામે લૂક-આઉટ નોટિસ કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. યુટ્યૂબ ઉપરથી એ ગીત હઠાવડાવી લેવાયું છે તથા અન્ય પ્લૅટફૉર્મ ઉપરથી પણ હઠાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જો કોઈપણ વ્યક્તિ વાંધાજનક સામગ્રી શૅર કરશે, તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરિયાણા મહિલા આયોગનાં ચૅરપર્સન રેણુ ભાટિયાએ કહ્યું, "બાદશાહના એ ગીતમાં શરમજક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વાંધાજનક ભાષાને પાછી ખેંચવી જોઈએ અને માંગવી જોઈએ."
ઈરાનના રાષ્ટ્રપતિની માફી વચ્ચે દુબઈ ઍરપૉર્ટ ઉપર ડ્રૉનથી હુમલો

ઇમેજ સ્રોત, Andreas Rentz/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પાસે ડ્રોન હુમલો થયો છે. એક વીડિયોમાં દુબઈ ઍરપૉર્ટ પાસે ડ્રૉનને પડતું જોઈ શકાય છે અને બીબીસીએ આ વીડિયોની પુષ્ટિ કરી છે.
સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વ્યાપક રીતે શૅર થઈ રહ્યો છે. જેમાં એક ધડાકો થતો તથા ટર્મિનલ પાસે ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે.
વીડિયોમાં એક શખ્સને, "વધુ એક ડ્રૉન" બોલતા સાંભળી શકાય છે. ધડાકો ક્યાં થયો, તે સ્પષ્ટ નથી, પરંતુ તે ઍરપૉર્ટના 'કૉનકોર્સ-એ' પાસે થયો હોવાની શક્યતા છે.
દુબઈ સરકારની મીડિયા ઑફિસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "દુબઈ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કાટમાળ પડવાને કારણે એક નાની ઘટના ઘટી હતી, જેની ઉપર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવાયો છે. કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ઉપર કોઈ ઘટના થઈ હોવાના અહેવાલો સોશિયલ મીડિયા ઉપર ફેલાયા છે. જેને પણ અધિકારીઓ નકારે છે."
અન્ય એક પોસ્ટમાં શનિવાર બપોરથી ઉડ્ડાણ શરૂ થવાની વાત પણ કહેવામાં આવી છે.
બીજી બાજુ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે (આઇઆરજીસી) દાવો કર્યો છે કે તેણે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા 'પ્રાઇમા' નામના ઑઇલ ટૅન્કર ઉપર નિશાન સાધ્યું છે.
ટેલિગ્રામ ઉપર બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે, જહાજને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, જેની તેણે અવગણના કરી હતી.
બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનો વીડિયો સંદેશ ઈરાનની સરકારી ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પેઝેશ્કિયાનને એમ કહેતા સાંભળી શકાય છે, "મને લાગે છે કે જેમની ઉપર હુમલા થયા છે એ પાડોશી દેશોની માફી માંગવી જરૂરી છે. પાડોશી દેશો ઉપર હુમલો કરવાનો અમારો કોઈ ઇરાદો નથી."
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાને બહાલ કરવા માટે સહયોગ આપવાની વાત પણ કરી હતી.
તેમણે કહ્યું હતું કે સેનાને ઈરાનનાં નેતૃત્વનો એક નિર્ણય પ્રસારિત કરવામાં આવ્યો છે, "જ્યાં સુધી પહેલા (ઈરાન ઉપર) હુમલો ન થાય, ત્યાર સુધી પાડોશી દેશ ઉપર હુમલો ન કરવો."
સુરતમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સુરતમાં કોલેજમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક મંદિરના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે.
ઉધનાની એક કૉલેજમાં અભ્યાસ કરતી લગભગ 19 વર્ષની બે બહેનપણીઓ કૉલેજે ગયા પછી પરત ન આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી.
ત્યાર પછી મંદિરમાં તપાસ કરવામાં આવતા બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેએ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના વિશે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચુડાસમાએ બીબીસીને જણાવ્યું કે "બંને યુવતીઓના મોબાઇલ એફએસએલની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળ્યા ત્યાંથી ઝેરી દવાઓ મળી હતી."
તેમણે કહ્યું કે "મોબાઇલની ચકાસણી દરમિયાન યુવતીઓએ એઆઈ પ્લૅટફૉર્મ પર આત્મહત્યા કરવાની રીત વિશે સર્ચ કર્યુ હતું. બંનેએ શા માટે આ પગલું લીધું તેનું ચોક્કસ કારણ જાણવાનું બાકી છે."
નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ નિર્દોષ

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 2002માં થયેલી પત્રકારની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રામ રહીમના વકીલ જિતેન્દ્ર ખુરાનાએ શનિવારે આ માહિતી આપી હતી.
ડેરા પ્રમુખને દોષિત ઠેરવ્યા અને તેમને આ મામલે આજીવન કેદની સજા ફટકારાયાના સાત વર્ષ પછી કોર્ટનો આ ચુકાદો આવ્યો છે.
આ વિશે વાત કરતાં રામ રહીમના વકીલ જિતેન્દ્ર ખુરાનાએ કહ્યું, "કોર્ટે તેમને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે."
"અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ગુરમીત રામ રહીમસિંહનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. આજે માનનીય હાઇકોર્ટે પણ આ વાત સ્વીકારી અને તેમને નિર્દોષ જાહેર કર્યા."
તેમણે જણાવ્યું કે આ મામલે અન્ય ત્રણ આરોપીઓની સજા યથાવત્ રાખવામાં આવી છે.
ઈરાનના મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર જોરદાર વિસ્ફોટ

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images
ઈરાનના એક મુખ્ય ઍરપૉર્ટ પર મોટો હુમલો થયાની ખબર મળી રહી છે. આ ઈરાનનું સૌથી વ્યસ્ત રહેનારું ઍરપૉર્ટ માનવામાં આવે છે જેનું નામ મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાને નજરે જોનારા લોકો તરફથી શૅર કરવામાં આવેલાં ફૂટેજમાં મેહરાબાદ ઍરપૉર્ટ પર પ્લેન સળગતું દેખાય છે અને તેનો ધુમાડો આકાશમાં દેખાય છે.
શુક્રવારે લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી ખબર પડે છે કે આ ઍરપૉર્ટ પર ઘણાં વિમાનો હતાં. ઈરાનની સરકારી મીડિયા પણ રિપોર્ટ કરી રહી છે કે ઍરપૉર્ટના કેટલાક ભાગોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે.
આ ત્યારે થયું જ્યારે ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેઓ ઈરાનમાં 'મોટા પાયે હુમલાઓ' શરૂ કરી રહ્યા છે.
જોકે, એ સ્પષ્ટ નથી કે નવા હુમલામાં ઍરપૉર્ટના કયા ભાગ પર બૉમ્બમારો થયો છે, પરંતુ ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે આ વખતે વધારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.
રાંધણગેસના LPG સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, ઈરાન યુદ્ધની અસર

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર ગૅસના ભાવ પર પડી છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોના હવાલે ખબર આપી છે કે, ભારતે ઘર વપરાશ માટેના રાંધણગૅસના ભાવમાં સિલિન્ડર દીઠ 60 રૂપિયા વધારો જાહેર કર્યો છે.
કૉમર્શિયલ વપરાશ માટેના 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ પણ 115 રૂપિયા વધારવામાં આવ્યો છે.
આ ભાવવધારો સાતમી માર્ચથી એટલે કે શનિવારથી જ અમલમાં આવી ગયો છે.
પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષના કારણે ઊર્જાના ભાવમાં વધારો થયો છે જેનો બોજ ઑઇલ કંપનીઓએ ગ્રાહકો પર નાખ્યો છે.
ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓને બાદ કરતા સામાન્ય વપરાશ માટેના સબસિડી વગરનાં એલપીજી સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં 913 રૂપિયા રહેશે. IOCની વેબસાઇટ પર આ નવા ભાવ અપડેટ થઈ ગયા છે.
ઈરાનના વિદેશમંત્રીએ ભારત અને શ્રીલંકાના વિદેશમંત્રીઓ સાથે વાત કરી

ઇમેજ સ્રોત, Noushad Thekkayil/NurPhoto via Getty Images
ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને શ્રીલંકાના વિદેશમંત્રી વિજિથા હેરાથ સાથે ફોન પર વાતચીત કરી છે.
આ વાતચીતમાં તેમણે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછીના ઘટનાક્રમ અને બંને દેશોના સંબંધો પર વાત કરી છે.
ઈરાની વિદેશ મંત્રાલયે ઍક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે "વાતચીત દરમિયાન વિદેશમંત્રીએ તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલા દરમિયાન થયેલા અપરાધોની વાત કરી હતી. ઈરાનના વિદેશમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે તમામ સરકારો અને સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી છે કે તે અમેરિકા અને ઇઝરાયલનાં ગુનાઈત કામોની આકરી ટીકા કરે."
વિદેશ મંત્રાલયે લખ્યું છે કે "અરાગચીની વાતચીત દરમિયાન ઈરાની નેવીના જહાજ ડેના પર અમેરિકાના અપરાધિક હુમલાની આકરી ટીકા કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ પૂર્વ ચેતવણી વગર 2000 માઇલ દૂર ઇન્ટરનૅશનલ વૉટરમાં નિશાન બનાવવામાં આવ્યું હતું."
નાની વયનાં બાળકો માટે સોશિયિલ મીડિયા પર પ્રતિબંધ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ હરીફાઇમાં

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નાની વયનાં બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકનારાં પ્રથમ રાજ્યો બનવાની દોડમાં છે.
કર્ણાટકે 16 વર્ષ અને આંધ્ર પ્રદેશે 13 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે.
કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં પોતાની બજેટ સ્પીચમાં જાહેરાત કરી કે "મોબાઇલ ફોનના વધતા ઉપયોગથી થતી ખરાબ અસરને રોકવા 16 વર્ષથી ઓછી વયનાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દેવો ન જોઈએ."
આ જાહેરાત પછી તરત આંધ્ર પ્રદેશના આઇટી મંત્રી નારા લોકેશે સોશિયલ મીડિયા પર લખ્યું કે "નકલ કરવી એ પ્રસંશાનું સૌથી સાચું રૂપ હોય છે. કર્ણાટક 16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનું વિચારે છે તે જાણીને આનંદ થયો. સૌથી પહેલાં આંધ્ર પ્રદેશમાં અમે ડિજિટલ વિશ્વની ખરાબ અસરોથી યુવાનોને બચાવવા માટે આવો પ્રસ્તાવ મૂક્યો હતો. ક્યારેક ક્યારેક સારા વિચારો ઝડપથી ફેલાય છે. તેમને આ યોજનામાં આગળ વધવા માટે શુભકામનાઓ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















