ભાજપ સાંસદ સંસદમાં શું બોલ્યા કે હોબાળો મચ્યો અને રમેશ બિધુડી કોણ છે?

દક્ષિણ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીના બે વખતના સાંસદ રમેશ બિધુડી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દક્ષિણ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીના બે વખતના સાંસદ રમેશ બિધુડી
પ્રકાશિત

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભાજપના સાંસદ રમેશ બિધુડી દ્વારા સંસદમાં અપાયેલા વિવાદાસ્પદ નિવેદનને 'ગંભીરતા'થી લેતાં ભવિષ્યમાં આવા વર્તનની પુનરાવૃત્તિ પર 'કડક કાર્યવાહી' કરવાની ચેતવણી આપી છે.

લોકસભામાં ગુરુવારે 'ચંદ્રયાન-3ની સફળતા' પર એક ચર્ચા દરમિયાન બિધુડીએ બહુજન સમાજ પાર્ટીના સાંસદ કુંવર દાનિશઅલીને નિશાન બનાવતાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

એ બાદ સંસદમાં હોબાળો મચી ગયો હતો અને વિપક્ષી નેતાઓએ દક્ષિણ દિલ્હીમાંથી ભાજપના સાંસદ રમેશ બિધુડી વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે સ્પીકરે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બિધુડીને એ એવું કહેતાં ચેતાવ્યા કે ભવિષ્યમાં જો આવું વર્તન ફરીથી કરવામાં આવશે તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહમાં અપશબ્દો બોલાયાની ઘટના બાદ સાંસદ દાનિશઅલીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Rahul Gandhi/X

ઇમેજ કૅપ્શન, ગૃહમાં અપશબ્દો બોલાયાની ઘટના બાદ સાંસદ દાનિશઅલીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

સમાચાર સંસ્થા પીટીઆઈના રિપોર્ટ અનુસાર બિધુડીની ટિપ્પણી બાદ સંસદમાં હાજર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો.

બહુજન સમાજ પાર્ટીના સાસંદ દાનિશઅલીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, "મને આશા છે કે મારી સાથે ન્યાય થશે અને સ્પીકરસાહેબ કાર્યવાહી કરશે. જો આવું ના થયું તો ભારે મનથી હું સંસદ છોડવાનો વિચાર કરીશ. "

આ વચ્ચે સમાચાર સંસ્થા એએનઆઈ અને પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવાયું છે કે દાનિશઅલી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા બદલ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર સાંસદ રમેશ બિધુડીને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ વીડિયોમાં રમેશ બિધુડી જ્યારે વાંધાજનક શબ્દો બોલતા હતા ત્યારે ભાજપના સાંસદ ડૉક્ટર હર્ષવર્ધન તેમની પાછળ બેસીને સ્મિત આપતા નજરે પડી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમના આ વર્તન પર પણ વાંધો ઉઠાવ્યો છે.

આ મામલે થયેલ વિવાદ વચ્ચે રાહુલ ગાંધી શુક્રવાર સાંજે તેમને મળવા પહોંચ્યા.

દાનિશઅલીની ઑફિસે જણાવ્યું કે રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ દાનિશઅલીના ઘરે પહોંચ્યા.

આ મુલાકાત બાદ દાનિશઅલી અને રાહુલ ગાંધીએ ફરી “નફરતની બજારમાં મહોબતની દુકાન”વાળી વાત કરી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

રાહુલ ગાંધીએ પણ આ મુલાકાતની તસવીરો પોતાના એક્સ એકાઉન્ટ પર મૂકી અને લખ્યું, “નફરતની બજારમાં મહોબતની દુકાન.”

બીબીસી ગુજરાતી

સંસદમાં અપશબ્દો બોલનાર બિધુડી કોણ છે?

રમેશ બિધુડી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીના તુઘલકાબાદમાં જન્મેલા બિધુડીનો ઉછેર અને ભણતર પણ દિલ્હીમાં જ પૂરું થયું.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવેલું કે તેમના પિતાએ ગામમાં શાળા, આર્યસમાજ મંદિર અને હૉસ્પિટલ માટે પોતાની જમીન દાન આપી દીધેલી.

80ના દાયકામાં દિલ્હી યુનિવર્સિટીની ભગતસિંહ કૉલેજના વિદ્યાર્થી રાજકારણ દ્વારા તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા હતા.

બિધુડી અને તેમનો પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્યો છે.

બિધુડીની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થીકાળથી થઈ ગઈ હતી.

તેમણે 1993થી સક્રિયપણે રાજકારણમાં ઝંપલાવ્યું. તેઓ વર્ષ 2003થી મે 2014 સુધી દિલ્હી વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા.

વર્ષ 2019માં લોકસબા ચૂંટણીમાં રમેશ બિધુડીએ આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા અને કૉંગ્રેસના ઉમેદવાર અને બૉક્સિંગ ચૅમ્પિયન વિજેંદરસિંહને હરાવ્યા હતા.

રમેશ બિધુડી વર્ષ 2014થી ભાજપના સાંસદ છે. તેઓ 2014 અને 2019માં ભાજપની ટિકિટ પર દક્ષિણ દિલ્હી લોકસભાથી ચૂંટાયા છે.

આ દરમિયાન કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, "તેમણે (બિધુડી) દાનિશઅલીને જે પણ કહ્યું એ અત્યંત નિંદનીય છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે માફી માગી એ પૂરતી નથી. આવી ભાષાનો ઉપયોગ ગૃહની અંદર કે બહાર ના કરવો જોઈએ."

"વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે નવી સંસદની શરૂઆત નારીશક્તિથી થઈ છે પણ આની શરૂઆત રમેશ બિધુડીથી થઈ છે. આ રમેશ બિધુડી નહીં પણ ભારતીય જનતા પાર્ટીના વિચાર છે. અમારી માગ છે કે રમેશ બિધુડીનું સભ્યપદ રદ થવું જોઈએ."

બીબીસી ગુજરાતી

બિધુડી અને વિવાદ

બિધુડી

ઇમેજ સ્રોત, ANI

તેઓ વ્યવસાયે બિઝનેસમૅન છે અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે તેમણે પોતાની સંપત્તિ 18 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું.

તેમના વિરુદ્ધ IPC સેક્શન 323, 34, 500, 502 અંતર્ગત કેસ નોંધાયેલા છે. તેમની આવકનો મુખ્ય સ્રોત વેપાર અને ભાડાની રકમ હોવાનું તેઓ જણાવે છે.

એવું નથી કે તેમનું નામ પ્રથમ વખત કોઈ વિવાદમાં સામે આવ્યું છે. વર્ષ 2017માં તેમણે કૉંગ્રેસ પર હુમલો કરવા માટે સોનિયા ગાંધીના ઇટાલિયન મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મથુરામાં તેમણે એક જનસભા દરમિયાન કહેલું કે, “ઇટાલીમાં એવા સંસ્કાર હોય છે કે લગ્નનાં પાંચ-સાત માસમાં તો પૌત્ર-પૌત્રી પણ થઈ જાય. ભારતીય સંસ્કૃતિમાં આવા સંસ્કાર નથી.”

જોકે બાદમાં તેમણે આ નિવેદન અંગે સ્પષ્ટતા કરતું નિવેદનેય આપ્યું હતું.

તેમણે કહેલું કે, “અમારાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં ‘અચ્છે દિન’નો હિસાબ ન માગી શકાય.”

બિધુડીએ આ વાત કૉંગ્રેસની એ ટીકાના જવાબમાં કહેલી કે સરકાર બન્યાનાં અઢી વર્ષ બાદેય ભાજપ સરકારે પોતાના વાયદા પૂરા નથી કર્યા.

બિધુડી પર અગાઉ પણ સંસદની અંદર ‘અસંસદીય અને અશોભનીય’ કૉમેન્ટ કર્યાના આરોપ લાગી ચૂક્યા છે.

ગુરુવારે લોકસભામાં એક મુસ્લિમ સાંસદની ધાર્મિક ઓળખ તેમના નિશાન પર હતી તો આની પહેલાં ચાર મહિલા સાંસદોએ સ્પીકર પાસે જઈને તેમના કથિત ‘વર્તન’ અંગે ફરિયાદ કરી હતી.

આ ઘટના 4 ઑગસ્ટ, 2015ની છે. રંજિત રંજન, સુષ્મિતા દેવ, અર્પિતા ઘોષ અને પીકે શ્રીમતી ટીચે બિધુડી પર ‘અભદ્ર અને અમર્યાદિત’ ભાષાનો પ્રયોગ કરવાનો આરોપ કર્યો હતો.

જોકે, બિધુડીએ આ આરોપો નકારી કાઢ્યા હતા.

અંગ્રેજી અખબાર ઇકૉનૉમિક ટાઇમ્સને તેમણે આ મામલે કહેલું કે, “મારી તેમની સાથે કોઈ અંગત લડાઈ નથી અને મેં આવી ભાષાનો પ્રયોગેય નથી કર્યો. તેઓ ધ્યાન ભટકાવવા માટે આવી રીતોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ મહિલા હોવાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.”

બીબીસી ગુજરાતી

ભાજપના નેતા ડૉ. હર્ષવર્ધનનું નિવેદન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

આ વીડિયોમાં રમેશ બિધુડી જ્યારે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે ભાજપના સાંસદ ડૉક્ટર હર્ષવર્ધન પણ તેમની પાછળ બેસીને સ્મિત આપતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ અંગે આપત્તિ વ્યક્ત કરતાં ડૉ. હર્ષવર્ધન પર સવાલ ઉઠાવ્યા છે.

હવે ડૉ. હર્ષવર્ધને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું છે કે, “મેં જોયું કે ટ્વિટર પર મારું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકસભામાં બે સાંસદો દ્વારા એકબીજા વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરાયા મામલે મારું નામ ઢસડાઈ રહ્યું છે.”

તેમણે કહ્યું, “અમારા વરિષ્ઠ નેતા રાજનાથસિંહ પહેલાં જ બંને તરફથી અક્ષમ્ય ભાષાનો પ્રયોગ કરાયાની વાતની નિંદા કરી ચૂક્યા છે.”

ડૉ. હર્ષવર્ધને લખ્યું, “સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ લખનારા મારા મુસ્લિમ મિત્રોને હું પૂછવા માગું છું કે શું તેમને ખરેખર લાગે છે કે હું અમુક સમુદાયની સંવેદનાઓને ઠેસ પહોંચાડનારી ભાષાનો ઉપયોગ કરનાર સાથે હોઈ શકું?”

તેઓ કહે છે કે, “મારી છબિ બગાડવાની કોશિશ કરાઈ રહી છે. 30 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં મેં લાખો મુસ્લિમ ભાઈ, બહેનો સાથે કામ કર્યું છે. મારું બાળપણ પણ ચાંદની ચોકના ફાટક તેલિયા વિસ્તારમાં મુસ્લિમ મિત્રો સાથે રમતગમત કરતાં પસાર થયું.”

તેઓ કહે છે કે, “મેં ચાંદની ચોક લોકસભાની ચૂંટણી જીતી અને જો તમામ સમુદાયોએ મારું સમર્થન ન કર્યું હોત તો આવું થવું અશક્ય હોત. મને એ વાતનું દુ:ખ છે કે લોકો આમાં મારું નામ ઢસડી રહ્યા છે. સત્ય તો છે કે એટલા ઘોંઘાટમાં ખરેખર શું કહેવાયું એ મને બરોબર સંભળાયું નહોતું. હું મારું જીવન સિદ્ધાંતો સાથે જીવું છું.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી