હાર્દિકની બૉલિગમાં ધોનીએ એવી કઈ કમાલ કરી કે જે મુંબઈની આખી ટીમ પર ભારે પડી?

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
  • પ્રકાશિત

આઈપીએલનો સૌથી મોટો મુકાબલો ગણાતી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ ફરી એકવાર ચડિયાતી સાબિત થઈ છે. તેણે મુંબઈને 20 રનથી હરાવી દીધું છે.

અત્યાર સુધીના રેકૉર્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ 20-17થી આગળ છે પરંતુ છેલ્લી છ મૅચમાં ચેન્નઈનો દબદબો રહ્યો છે.

ચેન્નઈએ તેમાંથી પાંચ મૅચ જીતી છે જ્યારે મુંબઈ માત્ર એક જ મુકાબલો જીત્યું હતું. વાનખેડેમાં રમાયેલી મૅચમાં પણ સ્ટેડિયમમાં ભૂરી ટી-શર્ટ કરતાં પીળી ટી-શર્ટ વધુ દેખાતી હતી.

મૅચ તો ચેન્નઈએ જીતી જ હતી પરંતુ એ સિવાય ચેન્નઈના દર્શકોને ધોનીનો ધુંઆધાર અંદાજ પણ બેટિંગમાં જોવા મળ્યો હતો.

પથિરાના બન્યા જીતના હીરો

ચેન્નઈએ જીત માટે આપેલા 207 રનના પડકારનો પીછો કરતા રોહિત શર્મા અને ઈશાન કિશને પાવરપ્લેમાં ટીમને જબરદસ્ત શરૂઆત અપાવતાં વિના વિકેટે 63 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ બૉલિંગ કરવા આવેલા પથિરાનાએ પોતાની પહેલી જ ઑવરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની વિકેટ ઝડપી હતી અને મુંબઈને મોટો ઝટકો આપ્યો હતો.

ઈશાન કિશનને તેમણે શાર્દૂલ ઠાકુરના હાથે કૅચઆઉટ કરાવ્યા તો સૂર્યકુમાર યાદવનો જબરદસ્ત કૅચ મુસ્તફિઝુર રહેમાને ઝડપ્યો હતો. ત્યારબાદ પથિરાનાએ રોહિત શર્માનો સાથ આપી રહેલા તિલક વર્માની વિકેટ ઝડપી હતી.

તિલક વર્માની રોહિત શર્મા સાથેની ભાગીદારીથી મુંબઈ ફરીથી જીત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ પથિરાનાએ તિલક વર્માની વિકેટ ઝડપ્યા બાદ તરત જ રોમારિયો શેફર્ડને બૉલ્ડ કરીને મુંબઈની ગાડી ફરીથી પાટા ઉપરથી ઉતારી દીધી હતી.

પ્લૅયર ઑફ ધી મૅચ

પથિરાનાએ સતત શાનદાર બૉલિંગ કરીને માત્ર 28 રનમાં જ ચાર વિકેટ ઝડપી હતી જેના કારણે તેમને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “જ્યારે હું પાવરપ્લેમાં બૉલિંગ કરવા માટે આવ્યો ત્યારે હું થોડો નર્વસ હતો પરંતુ મેં એ પરિસ્થિતિઓમાં પરિણામ પર ધ્યાન આપવાને બદલે બૉલિંગ પર ધ્યાન આપ્યું જેનો મને ફાયદો થયો.”

કૉમેન્ટરી કરતી વખતે પણ ઇરફાન પઠાણે કહ્યું હતું કે પથિરાનાની સૌથી મોટી ખૂબી એ છે કે તે બૉલિંગ ખૂબ માપીને કરે છે. તેના કારણે તેમની ગતિ પણ જળવાઈ રહે છે. તેમને મલિંગા પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે. પહેલી 17 મૅચના તેમના રેકૉર્ડને જોઈએ તો તેમણે વિકેટ લેવાના મામલામાં મલિંગા અને બુમરાહને પણ પાછળ છોડી દીધા છે.

ઇરફાન પઠાણનું કહેવું છે કે મેદાન પર ઝાકળ હતી અને એ પરિસ્થિતિઓમાં 206 રનને ડીફેન્ડ કરવા સહેલા ન હતા. પરંતુ પથિરાનાએ જે રીત બૉલિંગ કરી એ ચેન્નઈની જીતનું કારણ બની.

પથિરાના યૉર્કર ફેંકવાની સાથેસાથે બૉલિંગમાં પણ સતત વેરિએશન કરે છે. તેના કારણે તેમની સામે મોટો શોટ લગાવવો મુશ્કેલ બને છે. ગઈ કાલની મૅચમાં પણ તેમની બૉલિંગમાં એક પણ છગ્ગો નહોતો પડ્યો.

ધોનીના રન કેમ મહત્ત્વના રહ્યા?

મહેન્દ્રસિંહ ધોની જ્યારે 186 રનનો સ્કોર હતો ત્યારે ડૅરેલ મિચેલની વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા માટે ઊતર્યા ત્યારે માત્ર ચાર બૉલ બાકી હતા અને ચેન્નઈનો સ્કોર 200 પાર પહોંચાડવો મુશ્કેલ હતો. પરંતુ ધોની આવતાં જ હાર્દિક પંડ્યાની બૉલિંગમાં સતત ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા મારીને મૅચનો નકશો જ બદલી નાખ્યો.

તેમણે 500ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરતા માત્ર ચાર બૉલમાં 20 રન ફટકાર્યા હતા. હકીકતમાં આ જ વીસ રન મૅચનું પરિણામ નક્કી કરવામાં મહત્ત્વના નીવડ્યા.

ધોનીની રમતના અંદાજથી એ ક્યારેય લાગ્યું ન હતું કે 42 વર્ષના થઈ ગયા છે. ધોની હજી તેમના 10 વર્ષ પહેલાંના અંદાજથી જ રમી રહ્યા છે.

રોહિત શર્માને ન મળ્યો સાથ

રોહિત શર્માએ જબરદસ્ત બેટિંગ કરી હતી. ઈશાન કિશન અને તિલક વર્મા સાથે મળીને તેમણે સાકીરી ભાગીદારી પણ કરી હતી. પરંતુ ટીમને જરૂર હોય તેવા મહત્ત્વપૂર્ણ તબક્કે જ આ બંને બૅટ્સમૅનોની વિકેટ પડી ગઈ. જો એમાંથી કોઈપણ બે-ત્રણ ઑવર સુધી ટકી ગયા હોત તો મુંબઈની જીત નિશ્ચિત મનાતી હતી.

એક છેડે રોહિત શર્મા બેટિંગ કરી રહ્યા હતા પરંતુ બીજા છેડે સતત વિકેટ પડતી રહેવાને કારણે મુંબઈની ટીમ વધુ ગતિથી રન ન બનાવી શકી અને તેને હારનો સામનો કરવો પડ્યો.

રોહિત શર્માને એ વાતનો અફસોસ જરૂર રહેશે કે તેમની આઈપીએલ કારકિર્દીની માત્ર બીજી સદી ટીમને જીત ન અપાવી શકી.

રોહિત શર્માએ તેમની 63 બૉલની લાંબી ઇનિંગમાં 105 રન બનાવ્યા હતા જેમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. તેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 166.66 હતો.

ઋતુરાજે રમી કૅપ્ટન્સ ઇનિંગ

ઋતુરાજ ગાયકવાડે આ મૅચમાં ઓપનિંગ કરી ન હતી પરંતુ તેઓ ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે ઊતર્યા હતા. તેઓ જે લયમાં જોવા મળ્યા તે ચેન્નઈ માટે ખૂબ સારો સંકેત છે. ઋતુરાજ ખૂબ આક્રમક રીતે બેટિંગ કરી રહ્યા હતા.

તેમણે 40 બૉલમાં 69 રનની ઇનિંગ રમીને ચેન્નઈ માટે મજબૂત પાયો નાખ્યો હતો. તેમણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા.

ઋતુરાજે શિવમ દુબે સાથે મળીને ત્રીજી વિકેટ માટે કુલ 45 બૉલમાં 90 રન બનાવ્યા હતા. એ પહેલાં તેમણે રચીન રવીન્દ્ર સાથે મળીને પણ અર્ધશતકીય ભાગીદારી કરી હતી.

શિવમ દુબે પણ આ આઈપીએલમાં જે રીતે રમી રહ્યા છે તે જોતાં ટી-20 વર્લ્ડકપમાં તેમની દાવેદારી મજબૂત થતી જાય છે.

તેઓ તરત જ મોટા શોટ રમવાની મહારત ધરાવે છે અને એકલાહાથે મૅચનું ચિત્ર બદલી શકે છે. તેમણે આ મૅચમાં પણ 38 બૉલમાં 66 રનની ઇનિંગ રમી હતી અને 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)