શશિ થરૂર બોલ્યા, 'લાગે છે સરકારને સંસદ ચલાવવામાં રસ નથી', સરકારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
સોમવારે લોકસભામાં કૉંગ્રેસના સભ્યોએ આસનને વિનંતી કરી હતી કે કેન્દ્રીય બજેટ પર ચર્ચા શરૂ થાય તે પહેલાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી આપવામાં આવે. જોકે, આસન તરફથી તેની મંજૂરી આપવામાં આવી નહોતી.
આ પછી સદનમાં થયેલી નોકઝોકના કારણે એક વખતના સ્થગન બાદ કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી.
શશિ થરૂર શું બોલ્યા?
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, "હું તો બજેટ પર બોલવા આવ્યો હતો, પરંતુ એવું લાગી રહ્યું છે કે સરકારને અથવા સ્પીકરને સંસદ ચલાવવામાં કોઈ રસ નથી."
તેમણે કહ્યું, "હવે અમે બે વાગ્યે ફરી આવીશું અને જોઈશું કે શું થાય છે? તેઓ (રાહુલ ગાંધી) બજેટ પરની ચર્ચા પહેલાં બોલવા માંગતા હતા… એવું કેવી રીતે શક્ય છે કે બજેટ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી હાજર જ ન હોય, જાણે તેમને પહેલેથી ખબર હોય કે સદન સ્થગિત થવાનું છે."
આ તરફ, બંને ગૃહોની કાર્યવાહી શરૂ થવા પહેલાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે આરોપ લગાવ્યો કે લોકસભામાં કૉંગ્રેસના નેતાઓ જાતે જ સદન ચાલવા દેવા માંગતા નથી.
રિજિજૂએ કહ્યું, "રાજ્યસભામાં કૉંગ્રેસના નેતાઓએ થોડું સમજદારીભર્યું વલણ દાખવ્યું છે. ત્યાં વડા પ્રધાન મોદીના જવાબ સમયે પ્રદર્શન થયું હતું, પરંતુ ત્યાં વડા પ્રધાનનું ભાષણ થયું અને રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ પણ પસાર થઈ શક્યો."
તેમણે આગળ કહ્યું, "લોકસભામાં તો બિલકુલ ચર્ચા થઈ જ નથી. મને લાગે છે કે લોકસભામાં કૉંગ્રેસના નેતાઓ પોતે જ સદન ચાલવા દેવા માંગતા નથી. હું તેમને વિનંતી કરું છું કે સ્પીકર સાથે કૉંગ્રેસના સાંસદોએ જે વર્તન કર્યું છે, તેનાથી સ્પીકર ખૂબ દુઃખી થયા છે અને અમને સૌને પણ ખૂબ ખરાબ લાગ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિજિજૂએ કહ્યું, "અમે તો સદન ચલાવવા માંગીએ છીએ, પરંતુ જો કૉંગ્રેસના કારણે બજેટને પણ ચર્ચા વિના ધ્વનિમતથી પસાર કરવું પડે, તો તેનું નુકસાન કૉંગ્રેસના સાંસદોને વધુ થશે, કારણ કે તેઓ પોતાની વાત રજૂ કરી શકશે નહીં."
'ખીજડો બચાવો આંદોલન' પર રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, X/@ashokgehlot51
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના સહયોગી મોહરસિંહ મીણાના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના બિકાનેર જિલ્લા મુખ્યાલયમાં 2 ફેબ્રુઆરીથી ચાલી રહેલા 'ખીજડો બચાવો આંદોલન'ને પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે રાજ્ય માટે શુભ સંકેત ગણાવ્યું છે.
સોમવારે એક વીડિયો નિવેદન જાહેર કરતાં તેમણે સરકારને ટ્રી પ્રૉટેક્શન ઍક્ટ અંગે વહેલી તકે નિર્ણય લેવાની અપીલ કરી.
અશોક ગેહલોતે કહ્યું, "પહેલાં અરાવલી અને હવે ખીજડો બચાવાને લઈને ચાલી રહેલાં આંદોલનો રાજસ્થાન માટે શુભ સંકેત છે. પર્યાવરણ અંગે સામાન્ય જનતામાં આવેલી જાગૃતિ પ્રશંસનીય છે."
તેમણે ઉમેર્યું, "હવે સમય આવી ગયો છે કે વિકાસ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનનું કડક પાલન કરવામાં આવે. પર્યાવરણ વિના આપણે ભાવિ પેઢીને શું જવાબ આપી શકીશું?"
ગેહલોતે જણાવ્યું કે વિકાસનું પોતાનું મહત્ત્વ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ જો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન નહીં રહે તો પરિસ્થિતિ બગડશે અને પ્રદૂષણ ફેલાશે.
તેમણે કહ્યું, "ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અને પર્યાવરણ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે."
રાજ્યના લોકોને અશોક ગેહલોતની અપીલ
અશોક ગેહલોતે રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું, "માત્ર આંદોલન કરવાથી કામ નહીં ચાલે. રાજ્યવાસીઓએ પોતાના-પોતાના વિસ્તારોમાં ગોષ્ઠીઓ યોજી, ચર્ચાઓ કરાવીને લોકોને સમજાવવું જોઈએ કે પર્યાવરણનું મહત્ત્વ શું છે અને પ્રદૂષણ કેવી રીતે દૂર કરી શકાય? દરેક નાગરિકમાં આ વિચાર વિકસિત થવો જોઈએ."
અશોક ગેહલોતે વિકાસ માટે પશ્ચિમ રાજસ્થાનમાં લગાવવામાં આવતા સોલર પ્લાન્ટને જરૂરી ગણાવ્યા, પરંતુ સાથે જ લાખો ખીજડોનાં વૃક્ષોની કટાઈ અને વધતા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી.
તેમણે સરકારને આ મુદ્દે નીતિ બનાવવાની, સંશોધન કરાવવાની અને જનતાની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જનહિતમાં નિર્ણય લેવા માગ કરી.
આ તરફ, મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ રવિવાર રાત્રે જયપુરમાં ધરણા પર બેઠેલા સંતો અને ખીજડો બચાવો આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી.
તેમણે સમગ્ર રાજ્યમાં ખીજડોની કટાઈ પર રોક લગાવવાની સાથે ટ્રી પ્રૉટેક્શન ઍક્ટ બનાવવાની ખાતરી પણ આપી છે. તાજેતરમાં વિધાનસભામાં ખીજડો બચાવવા માટે કાયદો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
હૉંગકૉંગ : ઉદ્યોગપતિ જિમી લાઈને 20 વર્ષની જેલની સજા

ઇમેજ સ્રોત, Getty Images
હૉંગકૉંગની એક અદાલતે લોકશાહી સમર્થક ઉદ્યોગપતિ જિમી લાઈને ડિસેમ્બરમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુનાઓમાં દોષિત ઠરાવ્યા બાદ 20 વર્ષની જેલની સજા સંભળાવી છે.
બ્રિટિશ પાસપૉર્ટ ધરાવતા જિમી લાઈ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ વિદેશી શક્તિઓ સાથે સાંઠગાંઠ કરીને ષડયંત્ર રચવાના બે આરોપો મૂકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ઔપનિવેશિક સમયના એક અલગ કાયદા હેઠળ, તેમના અખબાર 'ઍપ્પલ ડૅઇલી'માં દેશદ્રોહી સામગ્રી પ્રકાશિત કરવાનો પણ એક આરોપ હતો. આ અખબાર હવે બંધ થઈ ચૂક્યું છે.
જિમી લાઈને આ પહેલાં પણ બે કેસોમાં—ધોખાધડી અને ગેરકાયદેસર સભાઓમાં ભાગ લેવાના આરોપસર જેલની સજા થઈ ચૂકી છે.
જિમી લાઈએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
કેટલાક લોકો લાઈને "હીરો" માને છે, જ્યારે કેટલાક તેમને "ગદ્દાર" કહે છે. લાઈના પરિવારે જેલમાં તેમની બગડતી તબિયત અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.
આ તરફ અધિકારીઓનું કહેવું છે કે તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેમના અધિકારોની "સંપૂર્ણ રીતે રક્ષા" કરવામાં આવી રહી છે.
જાપાનની સામાન્ય ચૂંટણીમાં પીએમ સનાઈ તકાઇચીની શાનદાર જીત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

ઇમેજ સ્રોત, Kim Kyung-Hoon/Pool/Reuters/Anadolu via Getty Images
જાપાનમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં વડાં પ્રધાન સનાઈ તકાઇચીની લિબરલ ડેમૉક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતૃત્વ ધરાવતા ગઠબંધને બહુમત હાંસલ કર્યો છે.
સત્તાધારી એલડીપી અને જાપાન ઇનોવેશન પાર્ટીના ગઠબંધનના 465 સભ્યો ધરાવતા નીચલા ગૃહમાં 352 બેઠકો જીતી છે.
એનએચકે સહિત ઘણાં જાપાની મીડિયા આઉટલેટ્સે તેને ઐતિહાસિક જીત ગણાવી છે.
તકાઇચીની જીત પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "જાપાન-ભારતની વિશેષ રણનીતિક તથા વૈશ્વિક ભાગીદારી દુનિયામાં શાંતિ, સ્થિરતા અને ખુશહાલીને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે."
"મને ભરોસો છે કે મહામહિમ (સનાઈ તકાઇચી)ના બહેતરીન નેતૃત્વમાં, જાપાન અને ભારત વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધો ભવિષ્યમાં વધુ ઊંચાઈ સર કરશે."
ઈરાનનાં નોબલ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીને એક વધુ કેસમાં સજા

ઇમેજ સ્રોત, Getty Images
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીને ઈરાનની એક અદાલતે સાડા સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. આ માહિતી તેમના વકીલ મોસ્તફા નિલીએ રવિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.
નરગિસ મોહમ્મદીના વકીલ મોસ્તફા નિલીએ લખ્યું, "તેમને 'મિલીભગત કરીને ષડયંત્ર રચવાના' આરોપમાં છ વર્ષની જેલ અને 'પ્રૉપેગૅન્ડા પ્રવૃત્તિઓ' માટે દોઢ વર્ષની જેલની સજા આપવામાં આવી છે."
મોહમ્મદી છેલ્લાં ઘણાં વર્ષોથી જેલની અનેક સજાઓ ભોગવી રહ્યાં છે. ડિસેમ્બર 2024માં તબીબી કારણોસર તેમને જેલમાંથી ત્રણ અઠવાડિયા માટે અસ્થાયી મુક્તિ આપવામાં આવી હતી.
જોકે, ગાર્ડિયનના અહેવાલ મુજબ, ઍક્ટિવિસ્ટો અને પશ્ચિમી દેશોના દબાણને કારણે તેમની મુક્તિનો સમયગાળો વધારવામાં આવ્યો હતો.
તેમની તાજેતરની ધરપકડ ડિસેમ્બર 2025માં એક શોકસભા દરમિયાન "ભડકાઉ નિવેદન" આપવાના આરોપમાં કરવામાં આવી હતી.
આ જ મામલે ઈરાનના ઉત્તર-પૂર્વી શહેર મશહદની એક અદાલતે તેમને સાડા સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.
53 વર્ષીય નરગિસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા બદલ વર્ષ 2023માં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે મુકાબલો થશે કે નહીં? રાજીવ શુક્લએ આપ્યો આ જવાબ

ઇમેજ સ્રોત, ANI
ટી20 વર્લ્ડકપ 2026ના કાર્યક્રમમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિર્ધારિત મુકાબલા અંગે રવિવાર રાત્રે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તેના પર રાજીવ શુક્લએ જવાબ આપ્યો, "હું આ બાબતે કોઈ ટિપ્પણી નહીં કરું, ન તો બીસીસીઆઈ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી છે. બધી બાબતો આઈસીસી પર છોડી દેવામાં આવી છે. આઈસીસી જે નિર્ણય લેશે, અમે તેને માન્ય રાખીશું."
રાજીવ શુક્લાએ કહ્યું, "બધું જ આઈસીસી પર છોડી દેવાયું છે."
પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ 2026માં ભારત સામે મૅચ નહીં રમવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય તેણે બાંગ્લાદેશ પ્રત્યે સમર્થન દર્શાવવા માટે લીધો છે.
હકીકતમાં, બાંગ્લાદેશે સુરક્ષા કારણો દર્શાવીને ભારત આવીને મૅચ રમવાનો ઇન્કાર કર્યો હતો અને પોતાના મૅચોના વૅન્યૂ બદલવાની માંગ કરી હતી.
ત્યારબાદ આઈસીસીએ બાંગ્લાદેશને આ ટુર્નામેન્ટમાંથી બહાર રાખીને તેની જગ્યાએ સ્કૉટલૅન્ડને સામેલ કરી લીધું.
ભારત સામે ટી20 વર્લ્ડકપના મુકાબલાના પાકિસ્તાનના પ્રસ્તાવિત બહિષ્કારને લઈને ઊભા થયેલા ગૂંચવાડાને ઉકેલવા માટે પ્રયત્નો ચાલુ છે.
આ દરમિયાન, રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ લાહોરમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ સાથે મુલાકાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા પણ ભારત અને પાકિસ્તાનના મુકાબલા અંગેના ગૂંચવાડાને ઉકેલવા માટે રવિવારે લાહોર પહોંચ્યા હતા.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હિંદુ વેપારીની હત્યા, પોલીસે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ખુજદાર જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ કરેલા હુમલામાં એક હિંદુ વેપારી મલ્લુ મલ સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે તથા અન્ય બે ઘાયલ થયા છે.
ખુજદારના પોલીસ અધિકારી વહાબ બલૂચના કહેવા પ્રમાણે, ખુજદારના નાલ વિસ્તારમાં આ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓને ટાંકતા બીબીસી ઉર્દૂના મોહમ્મદ કાઝીમ જણાવે છે કે, મૃતક તથા ઘાયલ લોકો ખુજદાર જિલ્લાના વધ ક્ષેત્રના રહીશ હતા અને પિકનિક કરવા માટે નાલના હરનબો ડૅમ વિસ્તારમાં ગયા હતા.
તેમણે જણાવ્યું કે અજાણ્યા હથિયારધારીઓએ તેમની ઉપર ગોળીઓ ચલાવી હતી, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં તથા અન્ય બે ઘાયલ થયા હતા.
અન્ય બે મૃતકની ઓળખ અબ્દુલ રાશિદ તથા અબ્દુલ સબૂર તરીકે થઈ છે.
વહાબ બલૂચના કહેવા પ્રમાણે, ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
વહાબ બલૂચના કહેવા પ્રમાણે, હત્યાનો હેતુ હજુ સુધી સ્પષ્ટ નથી થયો તથા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
હુમલાના વિરોધમાં મૃતકો અને પીડિતોના સંબંધીઓ તથા વધના રહીશોએ ક્વેટા અને કરાચી વચ્ચેના હાઇવેને જામ કરી દીધો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















