સુરતમાં 'પ્રેમપ્રકરણ' મુદ્દે યુવાનો વચ્ચે માથાકૂટ, યુવાનની ચાકુના મારીને હત્યા કરાયાનો આરોપ

પ્રેમ પ્રકરણ મામલે સુરતમાં એકની હત્યા

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

ઇમેજ કૅપ્શન, પાર્થ આહિરકરની હત્યા કરી દેવાઈ હોવાનો આરોપ
પ્રકાશિત

સુરતના નાનપુરા વિસ્તારમાં એક યુવકની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.

24 વર્ષના પાર્થ આહીરકર એક બર્થ ડે પાર્ટીમાં ગયા હતા ત્યારે પાર્ટીમાં માથાકૂટ થતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.

પોલીસે પાર્થને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારનારા આરોપી અઝરુદ્દીન શેખને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર છે.

મૃતક પાર્થના પિતાએ માગ કરી છે કે જેણે તેમના દીકરાની હત્યા કરી છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ.

દાવા અનુસાર પાર્થની હત્યાનો એક કથિત વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ચપ્પાના ઘા મારતી જોવા મળી રહી છે. આ દરમિયાન એક યુવતી હુમલો કરનારને અટકાવવાનો પ્રયાસ કરતી દેખાઈ રહી છે.

પોલીસના દાવા અનુસાર હત્યાના આરોપી અઝરુદ્દીને પાર્થ પર કથિતપણે ચપ્પાનો હુમલો કર્યો એ દરમિયાન આ વીડિયો ઉતારી લેવાયો હતો.

દાવા અનુસાર જ્યારે હુમલો કરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિને ઘટનાનો વીડિયો ઉતારતાં જોઈ લે છે ત્યારે હુમલાખોર આ વ્યક્તિને ઈજા પહોંચડવાના ઇરાદે દોડતી દેખાઈ રહી છે.

જોકે, બીબીસીએ સ્વતંત્ર રીતે આ વીડિયોની પુષ્ટિ નથી કરી શક્યું.

સુરતની અઠવાલાઇન્સ પોલીસ હવે આરોપી અઝરુદ્દીનની પૂછપરછ કરીને આખી ઘટનાની તપાસ કરી રહી છે.

સુરતમાં પ્રેમ પ્રકરણ મામલે હત્યા

પાર્થને ચપ્પાના ઘા મરાયાનો આરોપ

સુરતમાં પ્રેમ પ્રકરણ મામલે એકની હત્યા

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

ઇમેજ કૅપ્શન, પાર્થની હત્યાના આરોપમાં પોલીસે અઝરુદ્દીનની ધરપકડ કરી

સુરતમાં 15 ઑગસ્ટની રાતે એક યુવતીના ભાઈની બર્થ ડે પાર્ટી હતી. આ બર્થ ડે પાર્ટીમાં પાર્થ અને અઝરુદ્દીન બંને પહોંચ્યા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ પાર્ટીમાં બંને વચ્ચે યુવતીને લઈને બોલાચાલી થઈ હતી અને મામલો બિચક્યો હતો.

સુરતના ડીસીપી વિજયસિંહ ગુર્જર બીબીસીના સહયોગી રૂપેશ સોનવણેને જણાવતાં કહે છે, “નાનપુરાના ટિમલિયાવાડ પાસે બર્થ ડે પાર્ટી હતી. તેમાં જે છોકરાનો બર્થ ડે હતો તેની બહેનનો પૂર્વ પ્રેમી અઝરૂદ્દીન અહમદ શેખ પણ આવ્યો હતો અને પાર્થ પણ ત્યાં ગયો હતો. અઝરૂદ્દીન 25 વર્ષનો છે. આ પાર્ટીમાં છોકરાની બહેનના પ્રેમપ્રકરણને લઈને બોલાચાલી થઈ અને તકરાર વધી. અઝરૂદ્દીને પાર્થ પર ચાકુથી વાર કર્યો.”

ઘાયલ પાર્થને સુરતની મહાવીર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ડૉક્ટરની સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું.

પોલીસના જણાવ્યા અનુસાર, પાર્થને ચાકુના 15 ઘા મારવામાં આવ્યા હતા.

સુરતમાં હત્યા

ગુનેગારને કડક સજાની માગ

સુરતમાં હત્યા

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

ઇમેજ કૅપ્શન, જ્યાં પાર્થની હત્યા થઈ તે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ તપાસ કરી રહી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ જણાવે છે કે પાર્થની હત્યા માટે પ્રેમપ્રકરણ જવાબદાર છે.

વિજયસિંહ ગુર્જરના જણાવ્યા પ્રમાણે, “જેમનો બર્થ ડે હતો તે છોકરાની બહેન સાથે અઝરુદ્દીનને પહેલાં પ્રેમસંબંધ હતો. આ જ છોકરી સાથે પાર્થ દોસ્તી કરવાની કોશિશ કરતો હતો. આ જ વાતને લઈને અઝરુદ્દીન અને પાર્થ વચ્ચે ઝઘડો થયો.”

મળી રહેલ માહિતી અનુસાર અઝરૂદ્દીન અને આ યુવતી અગાઉ પ્રેમમાં હતાં, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયાં હતાં.

પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્થ પહેલાં આ યુવતીના ઘર પાસે જ રહેતા હતા. તેથી તેમણે આ યુવતી સાથે સંપર્કો બનાવવાનું શરૂ કર્યું હતું.

અઝરુદ્દીનને આ વાતની ખબર પડી ગઈ. તેથી આ બર્થ ડે પાર્ટીમાં બંને વચ્ચે આ યુવતી મામલે ઝઘડો થયો હતો.

પાર્થના એક વર્ષ અગાઉ જ પ્રેમલગ્ન થયાં હતાં. તેની પત્નીને હાલ છ મહિનાનો ગર્ભ છે.

પાર્થના પિતા રમેશભાઈ આહિરકર બીબીસીના સહયોગી રૂપેશ સોનવણે સાથેની વાતચીતમાં કહે છે, “નાનપુરામાં શું થયું તે અમને ખબર નથી, બસ અમને તો ફોન આવ્યો કે મારો છોકરો હૉસ્પિટલમાં દાખલ છે. અમે ગયા તો તે લોહીથી લથપથ હાલતમાં પડેલો હતો. ડૉક્ટરે કહી દીધું કે તેનું મોત થયું છે અને તમે તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જાઓ.”

જ્યારે તેમને પ્રેમપ્રકરણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણકારી નથી.

તેઓ વધુમાં જણાવે છે, “મારી પોલીસને એટલી જ વિનંતી છે કે હવે મારો છોકરો તો આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ જેમણે આ કૃત્ય કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ.”

સુરતમાં હત્યા
સુરતમાં હત્યા