લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી – ન્યૂઝ અપડેટ

ઓમ બિરલા, લોકસભા, સંસદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઓમ બિરલા
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

આજે વિપક્ષે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી દૂર કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર , રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને ગૃહમાં બોલતા અટકાવવા માટે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ સાથે આઠ સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.

શિવસેના (યુબીટી) ના સાંસદ અરવિંદ સાવંતે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે , "સમગ્ર સત્ર દરમિયાન જે રીતે કામ થઈ રહ્યું છે તે બંધારણ મુજબ નથી. તમે જાણો છો કે લોકશાહીમાં સંસદ સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. જો વિપક્ષી નેતાને ત્યાં બોલતા અટકાવવામાં આવે, તો પછી બીજું શું બાકી રહે? લોકશાહીના મૂળ ઉપર જ પ્રહાર કરવામાં આવી રહ્યો છે. "

"લોકશાહી અને બંધારણને મર્યાદિત કરવામાં આવી રહ્યું છે. તમને જવાબ આપવાનો અધિકાર છે. તમે જવાબ આપી શકો છો. સંસદ જે રીતે ચાલી રહી છે તેના કારણે આ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે."

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નોટિસ પર 118 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.

નરવણેના પુસ્તકને લઈને પેંગ્વિન ઇન્ડિયાના નિવેદન પર રાહુલ ગાંધી શું બોલ્યા?

નરવણેના પુસ્તકને લઈને પેંગ્વિન ઇન્ડિયાના નિવેદન પર રાહુલ ગાંધી શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તક 'Four Stars of Destiny' (ફૉર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની) વિશે પેંગ્વિન ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ નિવેદન આપ્યું હતું કે નરવણેના પુસ્તકના પ્રકાશનના અધિકાર માત્ર તેમની (પેંગ્વિન) પાસે છે અને આ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી.

આ અંગે પ્રતિક્રિયા માંગવામાં આવતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું: "મનોજ નરવણે જીએ પોતે જ એક ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે— 'હૅલો ફ્રૅન્ડ્સ, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે, લિંક ફૉલો કરો.'"

રાહુલ ગાંધીએ આગળ કહ્યું: "હું જે કહેવા માંગું છું તે એ છે કે તો મિસ્ટર નરવણે ખોટું બોલી રહ્યા છે અથવા પેંગ્વિન ખોટું બોલી રહ્યું છે. મને નથી લાગતું કે પૂર્વ આર્મી ચીફ ખોટું બોલશે."

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું: "પેંગ્વિન કહે છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી. પરંતુ પુસ્તક ઍમેઝોન પર ઉપલબ્ધ છે. નરવણેએ 2023માં ટ્વીટ કર્યું હતું કે મારું પુસ્તક ખરીદો."

તેમણે પ્રશ્ન ઉઠાવ્યો: "શું તમને નરવણે જી કરતાં પેંગ્વિન પર વધુ ભરોસો છે? મને લાગે છે કે નરવણે જીએ પોતાના પુસ્તકમાં કેટલીક એવી વાતો કરી છે, જે ભારત સરકાર અને ભારતના વડા પ્રધાન માટે અસુવિધાજનક છે. સ્વાભાવિક છે, હવે તમને નક્કી કરવું પડશે કે પેંગ્વિન સાચું બોલે છે કે પૂર્વ આર્મી ચીફ?"

ભારત સામેની મૅચ રમવા પાકિસ્તાન તૈયાર થયું તેના પર પૂર્વ ક્રિકેટર મદનલાલે આ વાત કહી

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ, ટી20 વર્લ્ડકપ, રમત સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત સાથે ટી20 વર્લ્ડકપ મૅચ રમવા માટે તૈયાર થયું છે. જેના વિશે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સભ્ય મદનલાલે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, "સારું છે કે તેઓ (પાકિસ્તાનની ટીમ) રમી રહ્યા છે, નહીંતર ટુર્નામેન્ટનો ચાર્મ ઘટી ગયો હોત તથા એમને પણ ભારે આર્થિક નુકસાન થયું હોત."

"એવું સાંભળ્યું છે કે બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એમની ઉપર થોડું પ્રેશર નાખ્યું હતું....શ્રીલંકાને પણ નુકસાન થનાર હતું, કારણ કે એમને પણ આવક થનાર હતી."

મદનલાલનું માનવું છે કે પહેલાંથી જ આ મામલાને કૂટનીતિક રીતે ઉકેલવો જોઈતો હતો.

મદનલાલે કહ્યું, "પાકિસ્તાને પણ આઇસીસીને હચમચાવી નાખ્યું છે. છેવટ સુધી તેઓ મૅચ રમવાનો ઇન્કાર કરી રહ્યા હતા. એ પછી આઇસીસીના (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) અધિકારીઓ પાકિસ્તાન ગયા અને સમસ્યાનો ઉકેલ આવ્યો. મને લાગે છે કે આ મામલાને પહેલાંથી જ ડિપ્લોમેટિક રીતે ઉકેલી લેવો જોઇતો હતો."

ભારત-પાકિસ્તાનની મૅચ વિશે તેમણે કહ્યું, "ભારત-પાકિસ્તાનની મૅચ હંમેશા રોમાંચક હોય છે. બંને ટીમો સારી છે. આપણી ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. બંને ટીમો ઉપર પ્રેશર હોય છે."

"પાકિસ્તાનની ટીમ ઉપર થોડું વધારે પ્રેશર હોય શકે છે, કારણ કે તેમણે તાજેતરના સમયમાં ભારત વિરુદ્ધની ખાસ કોઈ મૅચ જીતી નથી....પ્રેક્ષકોને પણ મજા આવશે, કારણ કે ક્રિકેટ વર્લ્ડકપ યોજાય રહ્યો છે. રમત નબળી ન પડવી જોઈએ."

પીયૂષ ગોયલ બોલ્યા, 'તો... ટી20 વર્લ્ડકપ મુકાબલામાં અમેરિકાએ ભારતને હરાવ્યું હોત'

પીયૂષ ગોયલ બોલ્યા, 'તો ટી20 વર્લ્ડકપ મુકાબલામાં અમેરિકાએ ભારતને હરાવ્યું હોત' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, X/@USAmbIndia

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરના ઘરે સોમવારે યોજાયેલા એક સમારંભ દરમિયાન ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત–અમેરિકા મૅચ અને ટેરિફને લઈને મજાક કરી હતી.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થયેલી ભારત–અમેરિકા ટી20 વર્લ્ડકપ મુકાબલાનો ઉલ્લેખ કરતાં પીયૂષ ગોયલએ કહ્યું: "અમેરિકા ભલે જ મૅચ ન જીત્યું હોય, પરંતુ જે દેશે થોડાં જ વર્ષ પહેલાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, તેમનું પ્રદર્શન શાનદાર હતું."

તેમણે ઉમેર્યું કે: "સર્જિયો પણ ત્યાં મૅચનો આનંદ લેવા હાજર હતા… અને તેમણે એક મહત્ત્વની વાત કહી કે અમેરિકા મૅચ 18 ટકા થી હારી ગયું."

આ બાદ ગોયલ હસતાં બોલ્યા: "જો તમે રિસિપ્રૉકલ ટેરિફ શૂન્ય કરી દીધા હોત, તો કદાચ તમે મૅચ જીતી જાત."

આ સાંભળતા જ ત્યાં હાજર લોકો હસી પડ્યા. ભારત અને યુએસએ વચ્ચેની ટી20 વિશ્વકપ 2026ની મૅચમાં ભારતે યુએસએને હરાવ્યું હતું.

ટી20 વર્લ્ડકપમાં ભારત સાથે રમવા પાકિસ્તાન તૈયાર થયું, વિરાટ કોહલીના પૂર્વ કોચે કહી આ વાત

રાજ કુમાર શર્મા, વિરાટ કોહલી, ટી20 વર્લ્ડ કપ, વિરાટ કોહલીના પૂર્વ કોચ રાજ કુમાર શર્મા, ભારત પાકિસ્તાન ટી20 મેચને મંજૂુરી

ઇમેજ સ્રોત, Getty Images/ANI

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી તથા તેમના પૂર્વ કોચ રાજકુમાર શર્મા

પાકિસ્તાને અગાઉ ભારત સામેની ટી20 વર્લ્ડકપ મૅચ રમવાનો ઇન્કાર કર્યો હતો, એ પછી હવે ભારત સામેની મૅચ રમવા તૈયાર થયું છે. ત્યારે વિરાટ કોહલીના પૂર્વ કોચ રાજકુમાર શર્માએ સમગ્ર ઘટનાક્રમને "નાટક" સાથે સરખાવ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં રાજકુમાર શર્માએ કહ્યું, "પાકિસ્તાન હંમેશાં નાટક કરતું રહ્યું છે અને આ પણ ડ્રામા જ હતો. તેમણે બાંગ્લાદેશને સપૉર્ટ કર્યો અને બહાર (ટી20 વર્લ્ડકપમાંથી) કરાવી દીધા."

"એમને (પાકિસ્તાનને) હવે અહેસાસ થયો છે કે તેઓ ભારતની સાથે નહીં રમે તો તેને કેટલું નુકસાન થશે. પાકિસ્તાન પાસેથી આવી બાબતો અપેક્ષિત છે. તેમણે આ વખતે પણ એવું જ કર્યું છે."

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે તા. 15 ફેબ્રુઆરીના રોજ ભારત સામેની મૅચ રમવા માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને મંજૂરી આપી દીધી છે. તેમણે એવું કહ્યું હતું કે મિત્ર દેશોની વિનંતી ઉપર તેમણે આ નિર્ણય લીધો છે.

બાંગ્લાદેશ અને અમેરિકાએ ટ્રેડ ડીલ કરી, આ છૂટ મળી

બાંગ્લાદેશ અને અમેરિકા ટ્રેડ ડીલ, કપાસના ઉત્પાદનો અને ટેકસ્ટાઇલ ક્ષેત્રને અસર, ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસ

સોમવારે બાંગ્લાદેશ અને અમેરિકાએ ટ્રેડ ડીલ કરી હતી. એ પછી અમેરિકાએ બાંગ્લાદેશ ઉપર લાદવામાં આવેલા ટેરિફના દર ઘટાડીને 19 ટકા કરી દીધા છે.

વ્હાઇટ હાઉસ દ્વારા બંને દેશોનું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું, "અમેરિકા અને બાંગ્લાદેશ તેમના દ્વિપક્ષીય આર્થિકસંબંધોને મજબૂત કરવા માટે રેસિપ્રૉકલ ટ્રેડ (ઍગ્રીમેન્ટ) ઉપર સહમત થયાં છે."

સંયુક્ત નિવેદનમાં વેપારકરાર વિશેની મુખ્ય શરતો જણાવવામાં આવી છે, જે મુજબ: "અમેરિકા દ્વારા બાંગ્લાદેશથી આયાત થતાં સામાન ઉપરનો ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવશે. આ સિવાય એવાં ઉત્પાદનો નક્કી કરવામાં આવશે, જેની ઉપર શૂન્ય ટકા ટેરિફ લાગશે."

રૉયટર્સના રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસે કહ્યું હતું, "બાંગ્લાદેશમાં અમેરિકાનાં કપાસ તથા માનવનિર્મિત ફાઇબરથી બનેલાં ટેક્સ્ટાઇલ અને કપડાંનાં સામાન ઉપર શૂન્ય ટકાના દરે રેસિપ્રૉકલ ટેરિફ લાગે એ માટે એક તંત્ર સ્થાપિત કરવાનો વાયદો કર્યો છે."

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાનાં ઔદ્યોગિક તથા કૃષિઉત્પાદનોને પોતાનાં બજારમાં મહત્ત્વ આપવા માટે બાંગ્લાદેશ તૈયાર છે. જેમાં કેમિકલ, મેડિકલ ડિવાઇસ, મશીનરી, મોટરવાહન તથા તેના પાર્ટ્સ, સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકીનાં ઉપકરણો, ઊર્જા ઉત્પાદનો, સોયાનાં ઉત્પાદનો, ડેરી ઉત્પાદનો, બીફ, પૉલ્ટ્રી માવો અને ફળ સામેલ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે બાંગ્લાદેશ ઉપર 37 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, એ પછી ઑગસ્ટ મહિનામાં આ દર ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો હતો.

બીસીસીઆઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માને ડિમોટ કર્યા

વિરાટ કોહલી, રોહિત શર્મા, બીસીસીઆઈ વાર્ષિક કોન્ટ્રાક્ટ, ગ્રેડ એ કયા ખેલાડી, ગ્રેડ બી કયા ખેલાડી, ગ્રેડ સી કયા ખેલાડી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને રોહિત શર્માની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડે (બીસીસીઆઈ) વર્ષ 2025- '26ની સિઝન માટે ટીમ ઇન્ડિયાના સિનિયર પુરુષ તથા સિનિયર મહિલા ટીમ માટે વાર્ષિક પ્લેયર રિટેનરશિપની જાહેરાત કરી છે.

યાદીમાં વરિષ્ઠ બૅટ્સમૅન વિરાટ કોહલી તથા રોહિત શર્માને "ગ્રેડ બી"માં મૂકવામાં આવ્યા છે, મતલબ કે તેમને ડિમોટ કરવામાં આવ્યા છે.

આ સિવાય વૉશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કુલદીપ યાદવ, યસસ્વી જાયસવાલ, સૂર્યકુમાર યાદવ તથા શ્રેયસ અય્યરને પણ આ શ્રેણીમાં જ મૂકવામાં આવ્યા છે.

આ સિઝન માટે શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ તથા રવીન્દ્ર જાડેજાને "ગ્રેડ એ"માં રાખવામાં આવ્યા છે.

અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકૂ સિંહ, શિવમ દુબે, સંજૂ સૅમસન, અર્શદીપસિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષદીપ, ધ્રુવ જુરેલ, હર્ષિક રાણા, વરૂણ ચક્રવર્તી, નીતીશકુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાંઇ સુદર્શન, રવિ બિશ્નોઈ તથા રિતુરાજ ગાયકવાડને "ગ્રેડ સી"માં મૂકવામાં આવ્યા છે.

રશિયા પાસેથી ઑઇલ ખરીદવા મુદ્દે ભારતે શું કહ્યું?

વિક્રમ મિસરી, ભારત યુએસ ટ્રેડ ડીલ, રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય બજાર.......

ઇમેજ સ્રોત, ANI

રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવા મુદ્દે ભારત સરકારના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સ્પષ્ટતા કરી છે.

એક પત્રકાર પરિષદ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે 'અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે, એ પ્રમાણે ભારત દ્વારા રશિયન ઑઇલની ખરીદી બંધ કરી દેવામાં આવશે?'

તેના જવાબમાં મિસરીએ કહ્યું હતું, "તમે જાણો છો એમ તેલ તથા ગૅસક્ષેત્રે ભારત મૂળતઃ ઇમ્પૉર્ટર છે. આપણે એક વિકાસશીલ અર્થવ્યવસ્થા છીએ. જેમાં આપણે સ્રોતોની ઉપલબ્ધતા માટે સતર્ક રહેવું પડે. સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ ચીજ માટે 80-85 ટકા આયાત ઉપર નિર્ભર હો, ત્યારે તેલને કારણે મોંઘવારી અંગે ચિંતા રહે."

"એટલે અમારા માટે ભારતીય વપરાશકર્તાનાં હિતોની સુરક્ષા કરવી પ્રાથમિકતા છે તથા એ વાતમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ. જ્યાર સુધી ઍનર્જીની વાત છે, તો યોગ્ય ભાવે, વિશ્વસનીય તથા સલામત રીતે પૂરતા પ્રમાણમાં ઊર્જા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહે."

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, "ઍનર્જીની બાબતમાં અમારી ઇમ્પૉર્ટ પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ્યો હેઠળ જ નક્કી થાય છે.....તાજેતરનાં વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રે અનેક અનિશ્ચિતતાઓ વેઠી છે. આપણે આના માટે એક સ્રોત ઉપર આધારિત નથી અને અમે એવું કરવા પણ નથી માંગતા."

વિક્રમ મિસરીએ ઉમેર્યું, "સ્વાભાવિક છે કે બજારની પરિસ્થિતિઓના આધારે સૉર્સ મિક્સ સમયાંતરે બદલાતું રહે છે. અમે અનેક સૉર્સ જાળવી રાખવા તથા સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે ડાઇવર્સિફાય કરીએ છીએ, એ અમારી રીત છે. એટલે હું કહું છું કે આપણે જેટલા ડાયવર્સિફાય કરીશું, એટલા વધુ સલામત રહીશું."

"જ્યાર સુધી ઍનર્જીના મૂળ સૉર્સિંગની વાત છે.....તો તમે જાણો છો કે અસલ સૉર્સિંગ ઑઇલ કંપનીઓ કરે છે. પબ્લિક સેક્ટરની ઑઇલ કંપનીઓ, પ્રાઇવેટ સેક્ટરની તેલ કંપનીઓ અને તેઓ માર્કેટમાં પ્રવર્તમાન પરિસ્થિતિઓના આધારે નિર્ણય લે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન