ઉત્તર-પશ્ચિમ ચીનમાં શક્તિશાળી ભૂકંપ, 116 લોકોનાં મૃત્યુ, સેંકડો લોકો ઘાયલ

ચીન ભૂકંપ

ઇમેજ સ્રોત, REUTERS

    • લેેખક, ફ્રાન્સિસ માઓ અને ક્રિસ્ટી કૂની
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત

18 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ઉત્તર-પશ્ચિમ ચીનના ગાન્સુ પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે 116 લોકોનાં મૃત્યુ થયાં છે. ચીનના સત્તાવાર મીડિયાએ આ ધરતીકંપની પુષ્ટિ કરી છે.

ચીનના સત્તાવાળાઓ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2ની હતી અને મધ્યરાત્રિએ (16:00 GMT) આ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની અસર ગાન્સુ પ્રાંતની નજીક આવેલા કિંઘાઈ પ્રાંત સુધી થઈ છે.

આ વિસ્તારોમાં અતિશય ઠંડી અને હાઈઅલ્ટિટ્યૂડ વિસ્તારને કારણે બચાવકાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, હજારો લોકો બચાવકામગીરીમાં લાગી ગયા છે.

ત્યારબાદ આજે મંગળવારે નજીકના ક્ષિનજિયાંગ પ્રાંતમાં બીજો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 5.5ની હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગાન્સુ પ્રાંતમાં બચાવ અને રાહતકામગીરી માટે તાત્કાલિક આદેશ આપી દીધા છે. આ વિસ્તાર ચીનના અતિશય ગરીબ વિસ્તારોમાંનો એક ગણાય છે. જિશિયાન કાઉન્ટીનો આ વિસ્તાર સૌથી પ્રભાવિત વિસ્તાર છે.

ચીન ભૂકંપ

ઇમેજ સ્રોત, CHINA DAILY/REUTERS

ગાન્સુ એ તિબેટીયન અને લોસ ઉચ્ચપ્રદેશની વચ્ચે અને મોંગોલિયાની સરહદે આવેલો પ્રાંત છે. સોમવારની રાત્રે આવેલો ભૂકંપ એ વહીવટી ક્ષેત્ર લિન્ક્સિયા હુઈ ઑટોનોમસ પ્રીફેક્ચરમાં ગણાય છે. આ પ્રાંતમાં ચીનના મુસ્લિમ હુઈ લોકોનો વસવાટ વધુ છે.

ચીનના સત્તાવાળાઓ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. જ્યારે યુએસ જિઓલોજિકલ સર્વે પ્રમાણે ભૂકંપની તીવ્રતા 5.9 હતી. જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું. આ ભૂકંપ પછી દસેક જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા.

અનેક ફૂટેજમાં એવું જોવા મળ્યું છે કે હૉસ્પિટલમાં અનેક દર્દીઓ આવી રહ્યા છે બચાવદળની ટુકડીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે.

તાજેતરમાં જ આવ્યો હતો ચીનમાં ભૂકંપ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સિવાય ચીનની સરકારે સ્થાનિક રાહત ટુકડીઓને મદદ કરવા માટે પણ અલગથી ટીમો મોકલી છે.

નિવેદનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે, “સર્ચ ઓપરેશન અને બચાવ કામગીરી માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે, ઘાયલોને તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને વધુ જાનહાનિ ટાળી શકાય.”

સરકારી મીડિયા એજન્સી ક્ષિન્હુઆના જણાવ્યા અનુસાર ગાન્સુના જિશિઆન કાઉન્ટીના સ્થાનિક સત્તાવાળાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ગાન્સુ પ્રાંતમાં 105 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 96 લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ 11 લોકો કિંઘાઈ પ્રાંતમાં મૃત્યુ પામ્યા છે અને 124 લોકો ઇજાગ્રસ્ત થયા છે.”

સ્થાનિક સત્તાવાળાઓએ લોકોને ઘટનાસ્થળની નજીક ન આવવા, સત્તાવાર બચાવ ટીમોને રસ્તો આપવા વિનંતી કરી છે.

આ પ્રદેશમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે, જેના કારણે કેટલીક બચાવકામગીરીમાં અવરોધ ઊભો થયો છે.

ચીન એવો ભૂભાગ છે જ્યાં સંખ્યાબંધ ટેકટૉનિક પ્લૅટો - ખાસ કરીને યુરેશિયન, ભારતીય અને પેસિફિક પ્લૅટો મળે છે અને ખાસ કરીને ધરતીકંપની સંભાવના છે.

ગયા સપ્ટેમ્બરમાં, દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં 6.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારે 60થી વધુ લોકો માર્યા ગયા હતા.

ગાન્સુમાં 1920માં આવેલા ભૂકંપમાં 2 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. તે ભૂકંપ 20મી સદીમાં આવેલા વિશ્વના સૌથી ભયંકર ભૂકંપ તરીકે પણ નોંધાયેલ છે.