નવસારીમાં બસ અને ફોર્ચ્યુનર વચ્ચે ભયંકર અકસ્માત, 9નાં મૃત્યુ

નવસારીમાં બસ અને ફોર્ચ્યુનર વચ્ચે ભયંકર અકસ્માત, 9નાં મૃત્યુ
પ્રકાશિત

નવસારી જિલ્લામાં શુક્રવારે રાત્રે બસ અને એસયુવી કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં છે અને 28 લોકો ઘાયલ થયા છે.

નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી સુરતની બસ સાથે ટોયોટા ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક ખોરવાયો હતો, ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી બસને રોડ પરથી હટાવી હતી અને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો.

ફોર્ચ્યુનર કાર વલસાડથી ભરૂચ જઈ રહી હતી. એકાએક કાર ડિવાઇર કુદાવીને રૉંગ સાઇડ જતી રહી હતી અને બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

નવસારી ખાતેના બીબીસીના સહયોગી પત્રકાર જાવેદ ખાને વિગતો આપતાં જણાવ્યું હતું કે બસ અમદાવાદથી મુંબઈ તરફના હાઇવે પર બીજી લેનમાં ચાલી રહી હતી. ત્યારે મુંબઈ તરફથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર ડિવાઈડર કૂદાવીને બસ સાથે અથડાઈ હતી.

"આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનરમાં બેસેલા આઠ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે બસના એક પેસેન્જરનું મૃત્યુ થયું છે."

મૃતકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર મોટાભાગના મુસાફરો વલસાડની નજીકના કોલક ગામના હતા.