You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું છતાં વરસાદ કેમ પડતો નથી, હવે ક્યારે થશે?
ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ તે બાદ ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે. જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો નથી.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓ સુધી ચોમાસું પહોંચી ગયું છે.
આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ ચોમાસાએ આવરી લીધા છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું છે અને 23 જૂનના રોજ આ જિલ્લાઓમાં ચોમાસું પહોંચ્યું હતું. જે બાદ ત્યાંથી ચોમાસું આગળ વધ્યું નથી.
સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે. પરંતુ આ બંને સ્થિતિઓ હાલ ગુજરાત માટે અનુકૂળ નથી.
ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કમી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા જેટલી વરસાદની કમી છે. જૂનમાં સામાન્ય રીતે આ સમયગાળામાં સારો વરસાદ થતો હોય છે અને ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જતી હોય છે.
આ ઉપરાંત હાલ બંગાળની ખાડી શાંત છે અને તેમાં કોઈ મોટી સિસ્ટમ બની રહી નથી. સામાન્ય રીતે ચોમાસાને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત સુધી આગળ લઈ જવામાં લૉ-પ્રેશર એરિયા જરૂરી હોય છે. જે બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યા નથી.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3થી 4 દિવસોમાં ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું પહોંચે એવી શક્યતા છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી નથી. ગુજરાતમાં આ મહિનાના અંત સુધી છૂટોછવાયો વરસાદ પડે એવી શક્યતા છે એટલે કે કેટલાક વિસ્તારોમાં જ વરસાદ જોવા મળશે. જેનો અર્થ એ થયો કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હજી ચોમાસું પહોંચે તેની રાહ જોવી પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન