ભારતે પાકિસ્તાનને હરાવવું હોય તો કરવી પડશે આ પાંચ યુક્તિ

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રૅક્સિસ કરતી ભારતીય ટીમ
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

વર્ષ 1992 બાદથી વન ડે વિશ્વકપની સાત મૅચમાં પાકિસ્તાન ભારતને નથી હરાવી શક્યું.

ઇંગ્લૅન્ડમાં રમાયેલા છેલ્લા વર્લ્ડકપની લીગ મૅચમાં બન્ને ટીમ ઑલ્ડટ્રેફર્ડ સ્ટેડિયમમાં ટકરાઈ હતી. વરસાદના કારણે આ મૅચ નાની થઈ ગઈ હતી અને ભારતને 89 રનથી જીત મળી હતી.

મહત્ત્વની વાત એ પણ છે કે બન્ને જૂના હરીફો વચ્ચે રમાયેલી વન ડે મૅચમાંથી પાકિસ્તાને ભારતને 73 વાર હાર આપી છે. જ્યારે ભારત કુલ 56 વાર જીત્યું છે.

આંકડા સિવાય વાસ્તવિકતા એ પણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય વન ડે ટીમ પાકિસ્તાન પર ભારે પડી રહી છે. પણ આ પાકિસ્તાની ટીમ પાસે કેટલાંક ફેક્ટર છે જેને કાબૂ કરીને જ ભારત આજે અમદાવાદમાં રમાનારી મૅચમાં જીતી શકે છે.

બે મૅચમાં એક શતક અને એક અર્ધશતક લગાડી ચૂકેલા પાકિસ્તાની બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન જબરદસ્ત ફૉર્મમાં દેખાઈ રહ્યા છે. ટૂર્નામેન્ટમાંથી એક મૅચ નૉટ આઉટ રહેલા રિઝવાનની બેટિંગની એવરેજ એટલી જ છે જેટલા તેમણે રન બનાવ્યા એટલે કે 199ની.

આમ તો કોલંબોમાં તાજેતરમાં જ યોજાયેલા એશિયા કપની મૅચમાં તેઓ ખાસ કમાલ ન બતાવી શક્યા પણ ત્યાર બાદ વર્લ્ડકપ પહેલાં વૉર્મ અપ મૅચોમાં તેમણે સ્થિર બૅટિંગ કરી છે અને તેઓ પોતાની લયમાં જોવા મળી રહ્યા છે.

વરિષ્ઠ પાકિસ્તાની ક્રિકેટ પત્રકાર શાહિદ હાશમીએ રિઝવાનને પાકિસ્તાની ટીમ ઉપરાંત 'કરાચી કિંગ્સ' અને 'લાહોર કલંદર' તરફથી રમતા પણ કવર કર્યા છે.

તેમના જણાવ્યા મુજબ "રિઝવાન કમાલના સ્ટ્રોક પ્લેયર છે. પણ શરૂઆતની ઑવરોમાં તેઓ થોડા ખતરનાર શૉટ્સ રમવાથી ખચકાતા નથી. આ દરમિયાન અનેક વાર તેઓ વિકેટ પર બાઉન્સ થતા બૉલનો શિકાર પણ બન્યા છે."

બાબર આઝમનું શું કરવું?

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના કૅપ્ટન અને મહત્ત્વના બૅટ્સમૅન બાબર આઝમ

પાકિસ્તાનની હાલની ટીમમાં કૅપ્ટન બાબર આઝમ ખરેખર સૌથી મોટા ખેલાડી છે.

19 શતકો, 28 અર્ધ શતકની સાથે વન ડે ક્રિકેટમાં 5,824 રન બનાવી ચૂકેલા બાબર આઝમની વિકેટ દરેક વિપક્ષી ટીમ માટે સૌથી મોટી મનાય છે. એટલે ભારતની નજર આ બૅટ્સમૅનની વિકેટ શરૂઆતની પાંચ ઑવરમાં જ લેવા પર રહેશે.

ભારતીય ટીમ મૅનેજમૅન્ટ પોતાના બૉલરને મૅચ પહેલાં જ અનેક વખત એ યાદ અપાવી શકે છે કે ભારત વિરુદ્ધ રમાયેલી સાત મૅચમાં તેમણે કુલ 168 રન જ બનાવ્યા છે. જેમાં એક પણ અર્ધશતક નથી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે પાકિસ્તાની બૅટ્સમૅનોએ સૌથી વધુ અભ્યાસ કર્યો તેમાં બાબર આઝમ પણ એક છે. તેમનું વિશેષ ધ્યાન ધીમા બૉલર્સ અને સ્પિનર્સને રમવા પર હતું. એટલે કે જો આશા અનુસાર અમદાવાદની પીચ થોડી ધીમી રહી તો ભારતને રિઝવાન અને બાબર આઝમની વિકેટ ઓછા રને લેવી પડશે.

આફ્રીદી, હારિસ રઉફ અને હસન અલીને કઈ રીતે રોકવા?

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની બૉલર હસન અલી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફાસ્ટ બૉલર નસીમ શાહ ઇન્જર્ડ હોવાના કારણે આ ટૂર્નામેન્ટમાં રમી નથી રહ્યા એમ છતાં, પાકિસ્તાનની બૉલિંગ તેની સૌથી મોટી મજબૂતી મનાઈ રહી છે.

તેની બૉલિંગ લાઇનને ભારતીય ટીમ અવગણી શકે એમ નથી, કેમ કે એના ત્રણેય ટોચના બૉલર ફૉર્મમાં છે, ખાસ કરીને હસન અલી.

હસન અલી પાકિસ્તાની ટીમના એવા મીડિયમ ફાસ્ટ બૉલર છે, જે વન ડે ક્રિકેટ ટીમ માટે અત્યંત મહત્ત્વના છે. કારણ કે 50 ઑવરની લાંબા મૅચમાં તેઓ 20-35 ઑવરમાં ઘાતક સાબિત થઈ શકે છે.

પોતાની પહેલી મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 2017ની ચૅમ્પિયન ટ્રૉફીમાં જ હસન અલી સૌથી વધુ વિકેટ લેનારા બૉલર સાબિત થયા હતા અને પાકિસ્તાની ટીમની જીત થવામાં તેમનો મોટો હાથ હતો.

આ વર્લ્ડકપમાં પાકિસ્તાને પણ ભારતની જેમ જ પોતાની બન્ને શરૂઆતની મૅચ જીતી છે. બન્ને મૅચમાં હસન અલી કુલ 6 વિકેટ લઈ ચૂક્યા છે.

હારિસ રઉફ પણ હસન અલીથી બહુ દૂર નથી અને ભારતીય બૅટ્સમૅનોને તેમણે પહેલાં પણ પોતાની બૉલિંગથી પરેશાન કર્યા છે. આ ટૂર્નામેન્ટમાં પણ તેઓ પાંચ વિકેટ લઈ ચૂક્યા છે જે વિપક્ષી ટીમના મહત્ત્વની વિકેટ છે.

પાકિસ્તાના જિયો ન્યૂઝના ક્રિકેટ વિશ્લેષક અબ્દુલ માજિદ ભટ્ટીને લાગે છે કે "ભારત જેવી મોટી ટીમને રઉફ હેરાન કરી શકે છે."

તેમણે કહ્યું "રઉફ હોય કે હસન અલી આ બન્ને ભારત વિરુદ્ધ વધુ ક્રિકેટ નથી રમ્યા. તેથી બૅટ્સમૅનોને પીચે થોડી પણ મદદ કરી તો તેઓ ચોંકાવી પણ શકે છે. બીજી વાત એ છે કે રઉફ પાસે વિકેટની બન્ને બાજુ બૉલને સ્વિંગ કરાવવાની ક્ષમતા છે. રોહિત શર્મા, કિશન, કે એલ રાહુલ અને થોડા અંશે કોહલી પણ બહાર જતા બૉલથી શૉટ મારવા આતુર રહે છે. એક શૉટ ચુકાયો તો મોટા મેદાનમાં કૅચ સરળ બઈ જાય છે."

મોહમ્મદ નવાઝ અને શાદાહ ખાન ઉપર નિશાન

આ મહત્ત્વની મૅચ પહેલાં થયેલી નેટ્સમાં ભારતીય બૅટ્સમૅને જેટલી ઝડપથી બૉલિંગ પર પ્રેક્ટીસ કરી હતી લગભગ એટલુ જ સ્પિનર્સ પર પણ ધ્યાન આપ્યું હતું.

જોકે, વિરાટ કોહલીની હાલ સ્પિન બૉલિંગ વિરુદ્ધની એવરેજ પહેલાં જેવી નથી. પણ અમદાવાદના ગ્રાઉન્ડમાં થોડી લેગ સાઇડ બ્રાઉન્ડ્રીને તેઓ નિશાન જરૂર બનાવવા માગશે.

આશા એ જ છે કે મૅચ કાળી માટી વાળી પીચ પર થશે જેના પર બૉલ ધીમે આવે અને સ્પિનર્સને મદદ મળે. ભારતીય સ્પિનર્સની સરખામણીમાં શાદાબ અને નવાઝ પર સવા લાખ દર્શકોવાળા સ્ટેડિયમમાં બૉલિંગ કરતી વખતે વધુ દબાણ રહેશે. ભારતીય ટૉપ ઑર્ડરે તેનો ફાયદો જરુર ઉઠાવવો પડશે.

ટૉસ જીતે તો શું કરવું?

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા

આ જ મેદાનમાં રમાયેલા આ વિશ્વકપની પહેલી મૅચમાં ગઈ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને ન્યૂઝીલૅન્ડે કારમી હાર આપી હતી અને તે પણ ટૉસ જીત્યા બાદ ટાર્ગેટ ચૅઝ કરવાના નિર્ણય બાદ.

જો કૅપ્ટન રોહિત શર્મા ટૉસ જીતી જાય તો તેમણે એ નિર્ણયથી વિપરીત પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

વરિષ્ઠ વિશ્લેષક આનંદ વાસુ અનુસાર "છેલ્લા દિવસોમાં કોઈ મોટો સ્કોર ચૅઝ કર્યા બાદ પાકિસ્તાનની ખાસ એવરેજ નથી રહી. બીજી વાત જો ભારત મોટો સ્કોર કરે અને તેને ચૅઝ કરવા પાકિસ્તાનની ટીમ મેદાને ઊતરશે તો તેમના પર ખાસુ દબાણ હશે. કારણ કે હૉમ ગ્રાઉન્ડનો ભારતને ફાયદો મળશે.''

એટલે કે ટૉસ જીત્યા બાદ ભારત પહેલી બેટિંગનો નિર્ણય લે તે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.