ભારત વિ. અફઘાનિસ્તાન : રોહિતે ‘તાબડતોબ બેટિંગ’ કરતી વખતે મેદાન પર ઈશાનને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી વન-ડે વર્લ્ડકપ 2023ની અફઘાનિસ્તાન સામેની મૅચમાં ભારતીય ટીમે આઠ વિકેટે સરળતાથી વિજય હાંસલ કરી જીતનો ક્રમ જાળવી રાખવામાં સફળ થઈ હતી.
અફઘાનિસ્તાને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરીને ભારત સામે 273 રનનો પડકાર મૂક્યો હતો, જે ભારતીય કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીની તાબડતોબ બેટિંગના દમે માત્ર 35 ઓવરમાં જ હાંસલ કરવામાં ટીમ સફળ રહી હતી.
ભારતની ધુંઆધાર ઇનિંગમાં આંખે ઊડીને વળગે એવી એક વિશેષતા કપ્તાન રોહિત શર્માએ માત્ર 84 બૉલમાં ફટકારેલા 134 રનની હતી.
આ સાથે જ તેઓ વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રણ-ત્રણ રેકૉર્ડ કરનાર એકમાત્ર ખેલાડી બની ગયા હતા.
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર અનુક્રમે 55 અને 25 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યા હતા.
પોતાની શતકીય ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો રેકૉર્ડ બનાવ્યો. વર્લ્ડકપમાં આ તેમની સાતમી સદી છે. આ સાથે તેમણે વન-ડેમાં સચીન તેંડુલકરના છ સદીના રેકૉર્ડને પાછળ છોડી દીધો હતો.
મૅચ બાદના વિશ્લેષણમાં ઈશાન કિશને મેદાન પર રોહિત શર્માએ તેમને આપેલી સલાહ અને કહેલી વાત અંગે જણાવ્યું હતું.
જેમાં તેમણે મેદાન પર રોહિત શર્મા ‘બેટિંગ આક્રમણ’ દરમિયાન તેમના મનોવલણ અંગે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્માએ એક મૅચમાં બનાવ્યા ત્રણ વિક્રમ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રોહિતે આ ઇનિંગમાં ભારત તરફથી વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદીનોય રેકર્ડ બનાવ્યો. વન-ડેમાં આ રોહિત શર્માની 31મી સદી છે.
આ મૅચ દરમિયાન રોહિત શર્માએ વધુ બે રેકર્ડ બનાવ્યા છે.
રોહિતે વનડે વર્લ્ડકપની સૌથી ઓછી ઇનિંગોમાં હજાર રન બનવવાના રેકૉર્ડની પણ બરોબરી કરી છે.
તેમણે વર્લ્ડકપની પોતાની 19મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો હતો.
ભારત સામે વર્લ્ડકપ 2023ની પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરે આટલી જ ઇનિંગોમાં એક હજાર રન બનાવીને આ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો.
સાથે જ રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બૅટ્સમૅન પણ બન્યા. તેમણે ક્રિસ ગેલના 553 છગ્ગાનો રેકૉર્ડ તોડ્યો.
રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે ઇશાન કિશન સાથે 156 રનની ભાગીદારી કરી. ઇશાન કિશને 47 રનની ઇનિંગ રમી.
ભારતની બીજી વિકેટ 26મી ઓવરમાં 205 રનના સ્કોરે કપ્તાન રોહિત શર્મા સ્વરૂપે પડી હતી.
અફઘાનિસ્તાન તરફથી બંને વિકેટ રાશિદ ખાને લીધી હતી.
‘રોહિતે કહ્યું હું આ રીતે જ રમીશ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈશાન કિશને રોહિત શર્માની ઇનિંગનાં વખાણ કરતા પોસ્ટ મૅચ ઍનાલિસિસમાં કહ્યું હતું કે, “આ કદાચ તેમની (રોહિતની) વર્લ્ડકપની સૌથી શ્રેષ્ઠ ઇનિંગો પૈકી એક હતી. મેં તેમની સાથેની પાર્ટનરશિપ અને તેમને રમતા જોવાનો ભરપૂર આનંદ માણ્યો.”
રોહિત શર્માના આક્રમક બેટિંગ અંદાજ અંગે વાત કરતાં તેમણે કહેલું કે, “તેઓ જે રીતે હાર્ડ-હિટિંગ કરી રહ્યા હતા, તેને જોઈને મારી પાસે બૅક સીટ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.”
રોહિત શર્માએ ટીમના કપ્તાન તરીકે વર્લ્ડકપ પહેલાં ટીમને આપેલી સલાહ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “તેઓ બધા પ્લેયરોને પોતાની નૅચરલ ગેમ રમવા પ્રોત્સાહિત કરે છે. પોતે પણ એવું જ રમે છે. તેથી અમારો આત્મવિશ્વાસ વધી જાય છે કે અમારો કૅપ્ટન અમારી નૅચરલ ગેમને સપૉર્ટ કરે છે. અને અમારે એવી જ રીતે રમવાનું છે. જેને જેવી રીતે રમવાનું ફાવે એવી રીતે રમવા માટે તેમણે પ્રોત્સાહન આપ્યું છે.”
અફઘાનિસ્તાન સામેની આ મૅચમાં રોહિત સાથે પાર્ટનરશિપ વખતે થયેલી વાતચીતમાં રોહિતના મનોવલણ અને તેમણે ઈશાનને આપેલી સલાહ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “તેઓ ખૂબ જ હાર્ડ-હિટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે મને કહેલું કે હું તો આવી જ રીતે રમવાનો છું. મારી ગેમ જોઈને તું તારી ગેમ ન બદલતો. હું તો આ જ રીતે રમીશ.”
અફઘાનિસ્તાનની ઇનિંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ પહેલાં અફઘાનિસ્તાનની ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે શાનદાર બૉલિંગકરી. બુમરાહે ચાર વિકેટ લીધી તો કુલદીપે કપ્તાન હશમતુલ્લાને આઉટ કર્યા. બંને બૉલરોએ ખૂબ જ ‘ટાઇટ’ બૉલિંગનું પ્રદર્શન કર્યું હતું.
અફઘાનિસ્તાન તરફથી સૌથ વધુ 80 રન કપ્તાન હશમતુલ્લા શાહિદીએ કર્યા. તેમજ અઝમતુલ્લા ઉમરઝઈએ 62 રન બનાવ્યા.
ટૉસ જીતીને અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગ બૅટ્સમૅનો રહમનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝાદરાને સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 32 રન બનાવ્યા હતા.
સાતમી ઓવરમાં જસપ્રીત બુમરાહના બૉલે કે. એલ. રાહુલે વિકેટ પાછળ ઝાદરાન (22 રન)નો શાનદાર કૅચ પકડ્યો. આમ, અફઘાનિસ્તાનની પ્રથમ વિકેટ પડી હતી.
13મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ બીજા ઓપનર બૅટ્સમૅન ગુરબાઝ (21 રન)ને પેવેલિયન પરત મોકલ્યા. બીજી જ ઓવરમાં અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ શાર્દૂલ ઠાકુર લેવામાં સફળ રહ્યા.
તે બાદ કપ્તાન હશમતુલ્લા શાહિદી અને અઝમતુલ્લાહ ઉમરઝઈએ ચોથી વિકેટ માટે 121 રનની શાનદાર ભાગીદાર કરી.
પાંચમી વિકેટ માટે કપ્તાન અને મોહમ્મદ નબી વચ્ચે 41 રનની ભાગીદારી થઈ તે બાદ અફઘાનિસ્તાનની વિકેટો સમયાંતરે પડતી રહી.
અફઘાનિસ્તાને 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 272 રન બનાવ્યા.
બુમરાહ, કુલદીપની શ્રેષ્ઠ બૉલિંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારત માટે સૌથી શાનદાર બૉલિંગ જસપ્રીત બુમરાહે કરી. તેમણે મૅચમાં ચાર વિકેટ હાંસલ કરી.
પોતાની દસમી ઓવરમાં બુમરાહે માત્ર 40 રન આપીને ચાર વિકેટ લીધી.
કુલદીપ આ મુકાબલામાં ભારત માટે સૌથી કિફાયતી બૉલર સાબિત થયા. શરૂઆતમાં કુલદીપ યાદવે ખૂબ સારી બૉલિંગનું પ્રદર્શન કર્યું. પ્રથમ ચાર ઓવરમાં તેમણે માત્ર નવ રન જ આપ્યા.
પોતાની દસમી ઓવરમાં તેમને અફઘાનિસ્તાનના કપ્તાનની વિકેટ મળી. મૅચની 43મી ઓવરમાં તેમને કુલદીપે એલબીડબ્લ્યૂ આઉટ કર્યા.
એશિયા કપની ફાઇનલમાં પોતાની બૉલિંગથી તરખાટ મચાવનાર મોહમ્મદ સિરાજ આ મુકાબલામાં ઘણા મોંઘા સાબિત થયા.
સિરાજની સાત ઓવરમાં 56 રન બન્યા.
આ ભારતીય ટીમની વર્લ્ડકપમાં સતત બીજી જીત છે. ટીમ પ્રથમ મૅચ ઑસ્ટ્રેલિયા સામે જીતી ચૂકી છે. તેમજ પ્રથમ મૅચમાં બાંગ્લાદેશ સામે હારી ચૂકેલ અફઘાનિસ્તાનને આ ટુર્નામૅન્ટમાં સતત બીજી મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
























