નળ છે, પણ જળ નથી : ધોમધખતા તાપમાં માથે બેડાં લઈને પાણી ભરવા મજબૂર ગુજરાતી મહિલાઓની વ્યથા

નળ છે, પણ જળ નથી : ધોમધખતા તાપમાં માથે બેડાં લઈને પાણી ભરવા મજબૂર ગુજરાતી મહિલાઓની વ્યથા
પ્રકાશિત

દેશમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. એમાં દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને અન્ય રાજ્યો માટે વિકાસનું મૉડલ બનેલા ગુજરાતમાં સરકારના વિકાસમાં અગ્રેસર હોવાના દાવાઓથી વિપરિત દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

ઘરેઘરે પાણી પહોંચ્યાના સરકારના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના એડાલ ગામની મહિલાઓ પાણી ભરવા માટે દરરોજ બે-ત્રણ કલાક લાઇનમાં ઊભી રહે છે.

ધોમધખતા તાપમાં માથે બેડાં લઈને જતી આ મહિલાઓ દરરોજ આ રીતે પાણી ભરવા માટે મજબૂર છે.

ગામલોકોનું કહેવું છે કે 2000ની વસતી ધરાવતા આ ગામમાં તંત્રએ 50થી વધારે નળ લગાવ્યા છે, પણ તેમાં જળ પહોંચ્યું નથી.

જેથી મહિલાઓ બધાં કામ છોડી પોતાનાં નાનાં ભૂલકાઓ સાથે રોજ પાણી માટે લાઇન લગાવે છે.

અહીં માણસ તો ઠીક પણ પશુઓને પીવડાવવા પણ પાણી નથી, એથી પશુપાલન અને ખેતી પર નભતાં આ ગામના લોકો તેમના વ્યવસાય છોડવા મજબૂર થયા છે.

ગામલોકો માને છે કે જ્યાં સુધી ઘરે-ઘરે નળમાં પાણી ન આવે, ત્યાં સુધી તેમના માટે પાણી એ મૃગજળસમાન છે.