શીખ અલગાવવાદી નેતાની હત્યાનું ષડ્યંત્ર : નિખિલ ગુપ્તા વિશે અમેરિકાની ફરિયાદમાં શું છે?

પ્રકાશિત

અમેરિકન અદાલતમાં દાખલ કેસ અનુસાર ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર એક લાખ ડૉલર રોકડના બદલામાં એક અમેરિકન નાગરિકની હત્યાની ‘સોપારી’ આપવાનો આરોપ લગ્યો છે.

અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર કથિતપણે નિખિલ ગુપ્તાએ ભારત સરકાર માટે કામ કરતા એક અધિકારીના કહેવા પર અમેરિકામાં એક ‘હિટમૅન’નો સંપર્ક કર્યો અને તેને એક શીખ અલગાવવાદી નેતાની હત્યાનો કૉન્ટ્રેક્ટ આપ્યો.

ફરિયાદમાં દાવો પણ કરાયો છે કે ભારતીય અધિકારી સાથે વાતચીત વખતે નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે તે નાર્કોટિક્સ અને હથિયારોની આંતરરાષ્ટ્રીય તસ્કરી સાથે જોડાયેલા છે.

ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે નિખિલ ગુપ્તા પર ગુજરાતમાં એક ગુનાહિત કેસ ચાલી રહ્યો છે, જેમાં મદદ મેળવવા બદલ તેઓ ભારતીય અધિકારી માટે ન્યૂયૉર્કમાં હત્યા કરવા માટે તૈયાર થઈ ગયા હતા.

દસ્તાવેજ અનુસાર નિખિલ ગુપ્તાએ જે ‘હિટમૅન’નો સંપર્ક કર્યો હતો તે અમેરિકન ગુપ્તચર વિભાગનો અન્ડરકવર એજન્ટ હતો.

આ એજન્ટે નિખિલ ગુપ્તાની તમામ પ્રવૃત્તિઓ અને વાતચીત રેકૉર્ડ કરી. આના આધારે આ કેસ દાખલ કર્યો છે.

ભારતીય મીડિયાના રિપોર્ટ અનુસાર અમેરિકાના ન્યૂયૉર્કમાં રહેતા શીખ અલગાવવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નૂની હત્યાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. પન્નૂએ પણ એક પત્ર જાહેર કરીને પોતાના વિરુદ્ધ ષડ્યંત્ર થયું હોવાનું જણાવ્યું. પન્નૂને ભારતમાં એક ‘આતંકવાદી’ ગણવામાં આવે છે.

પન્નૂએ જાહેરમાં અલગ ખાલિસ્તાન દેશ બનાવવાની અપીલ કરી છે. હાલમાં જ તેમણે ઍર ઇન્ડિયાની ફ્લાઇટને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપી દીધી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે જે અધિકારી દ્વારા નિખિલ ગુપ્તાને ‘સોપારી’ આપવામાં આવી હતી તે ભારતના સીઆરપીએફમાં કાર્યરત રહ્યા છે.

ગંભીર આરોપ

આરોપ મુજબ 2023માં મે મહિનામાં અધિકારીએ નિખિલ ગુપ્તાને અમેરિકામાં હત્યા કરાવવાનું કામ આપ્યું હતું.

દસ્તાવેજ અનુસાર નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે.

‘હિટમૅન’નો સંપર્ક કરવા માટે ગુપ્તાએ જેમને તેઓ ક્રિમિનલ સહયોગી માનતા એક એવી વ્યક્તિનો સંપર્ક કર્યો. હકીકતમાં આ વ્યક્તિ અમેરિકન ગુપ્તચર એજન્સીનો વિશ્વસનીય સૂત્ર હતો.

અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના વિશ્વસનીય સૂત્રે ગુપ્તાને અમેરિકન એજન્સીના અંડરકવર એજન્ટના સંપર્કમાં રાખ્યો હતો.

ગુપ્તા અને અન્ડરકવર એજન્ટ વચ્ચે એક લાખ યુએસ ડૉલરના બદલામાં હત્યાનો સોદો થયો હતો.

નિખિલ ગુપ્તાએ તેના એક સંપર્ક દ્વારા ન્યૂયોર્કના મેનહટનમાં અમેરિકન એજન્ટને 15 હજાર યુએસ ડૉલર પહોંચાડ્યા હતા.

આ હત્યા માટે આપવામાં આવેલી ઍડ્વાન્સ રકમ હતી. તેનો વીડિયો પણ એજન્ટ દ્વારા રેકૉર્ડ કરવામાં આવ્યો છે અને તેને કેસ સાથે જોડી દેવામાં આવ્યો છે.

આરોપ મુજબ આ કામનું નિર્દેશન કરનાર ભારતીય અધિકારીએ જૂન-2023માં ગુપ્તાને ટાર્ગેટ વિશે અંગત માહિતી આપી હતી. જે ગુપ્તાએ આગળ અમેરિકન એજન્ટને પહોંચાડી હતી.

તેમાં ટાર્ગેટ વ્યક્તિના ફોટોગ્રાફ્સ અને ઘરનાં સરનામાં પણ સામેલ હતાં.

આરોપ મુજબ યુએસની વિનંતી પર અને આ કેસના સંબંધમાં નિખિલ ગુપ્તાની 30 જૂન-2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરાઈ હતી. તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે.

‘ગુજરાત પોલીસમાંથી કોઈ કૉલ નહીં કરે’

આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે મે મહિનાની શરૂઆતના અઠવાડિયામાં ભારતીય અધિકારીઓએ એનક્રિપ્ટેડ ઍપ્લિકેશન દ્વારા નિખિલ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો.

એવો દાવો કરાયો છે કે ભારતીય અધિકારીએ ગુનાહિત કેસમાં ગુપ્તાની મદદને બદલે હત્યાની વ્યવસ્થા કરવાની ઑફર કરી હતી.

નિખિલ ગુપ્તા અને ભારતીય અધિકારી વચ્ચે ઇલેક્ટ્રૉનિક કૉમ્યુનિકેશન દ્વારા સતત વાતચીત થતી હતી. આ સિવાય બંનેની મુલાકાત દિલ્હીમાં પણ થઈ હતી.

આરોપમાં અમેરિકન એજન્સીની તપાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગુપ્તા અને ભારતીય અધિકારી વચ્ચે એનક્રિપ્ટેડ ઍપ દ્વારા સતત વાતચીત થતી હતી અને આ વાતચીત દરમિયાન ગુપ્તા દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં હતા.

આરોપમાં દાવો કરાયો છે કે 12 મેના રોજ ગુપ્તાને જાણ કરાઈ હતી કે 'તેમની સામેના ફોજદારી કેસની તપાસ કરાઈ રહી છે.'

તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે હવે ‘ગુજરાત પોલીસમાંથી કોઈ કૉલ નહીં કરે.’

23 મેના રોજ ભારતીય અધિકારીએ ફરીથી ગુપ્તાને ખાતરી આપી હતી કે 'તેમણે તેના બૉસ સાથે વાત કરી છે અને ગુજરાતમાં મામલો હવે સ્પષ્ટ છે અને તમને ફરીથી કોઈ બોલાવશે નહીં.'

આરોપમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારતીય અધિકારીએ ગુપ્તાને ડીસીપીને મળવાની પણ વ્યવસ્થા કરી હતી.

અધિકારી પાસેથી વિશ્વાસ મળ્યા બાદ ગુપ્તાએ ન્યૂયોર્કમાં હત્યા કરવાની યોજના આગળ વધારી હતી.

આ હેતુ માટે ગુપ્તાએ અમેરિકામાં અમેરિકન ગુપ્તચર એજન્સીના વિશ્વસનીય સૂત્રનો સંપર્ક કર્યો અને કહ્યું કે 'જે વ્યક્તિની હત્યા થવાની છે તે ન્યૂયોર્ક અને અન્ય એક અમેરિકન શહેર વચ્ચે ફરે છે.'

ભારતની પ્રતિક્રિયા

આરોપમાં દાવો કરાયો છે કે ન્યૂયોર્કમાં હત્યા બાદ ગુપ્તાએ એજન્ટને અમેરિકા અને કૅનેડામાં વધુ કામ આપવાનું વચન આપ્યું હતું.

કૅનેડામાં 19 જૂને હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 18 જૂને ગુપ્તાએ યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીના વિશ્વસનીય સૂત્રને ઑડિયો કૉલમાં કહ્યું હતું કે, “અમને લીલી ઝંડી મળી ગઈ છે. તમે કોઈ પણ સમયે કામ કરી શકો છો. આજે અથવા કાલે. આ કામ જલદી કરો, આ કામ પૂર્ણ કરો.”

આરોપ મુજબ નિખિલ ગુપ્તા 30 જૂને ભારતથી ચેક રિપબ્લિક ગયા હતા અને તે જ દિવસે યુએસની વિનંતી પર ચેક પોલીસે તેમની ધરપકડ કરી હતી.

આ ઘટનાક્રમ અંગે અમેરિકાએ ભારતને જાણ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારત આ આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે.

અરિંદમ બાગચીએ ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આ આરોપમાં કોઈ ભારતીય અધિકારીનું નામ નથી.

બાગચીએ કહ્યું, “અમે પહેલાંથી જ કહ્યું છે કે યુએસ સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પરની વાટાઘાટો દરમિયાન યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો, આતંકવાદીઓ, શસ્ત્રોના વેપારીઓ અને અન્યના જોડાણ અંગે કેટલાક ઇનપુટ શૅર કર્યા હતા. ભારતે તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરી છે."

તેમણે કહ્યું, "ભારત સરકારે આ મુદ્દાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરીને પ્રતિભાવ આપ્યો છે. જે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અને આંતરિક સુરક્ષા માટે કોઈ પણ અસરોને સંબોધિત કરવાના તેના સંકલ્પને દર્શાવે છે."

વિદેશી મીડિયા અને નિષ્ણાતો શું કહે છે?

‘ધ ડિપ્લોમેટ’માં એક અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, “એ સ્પષ્ટ છે કે બંને પક્ષોમાંથી એક પક્ષ મુદ્દાને વધુ ઉગ્ર નથી બનાવી રહ્યો. વળી કૅનેડા સંબંધિત વિવાદ સમયે ભારતે આક્રમક વલણ અપનાવ્યું હતું પણ આ વખતે એવું નથી લાગી રહ્યું.”

થિંક ટૅન્ક રૅન્ડ કૉર્પોરેશન સાથે જોડાયેલા નિષ્ણાત ડેરેક જે ગ્રૉસમૅન લખે છે, “આ સમાચારથી ભારતે ચિચિંત થવાની જરૂર નથી. અમેરિકાને ભારતની વધુ જરૂર છે. બાઇડન પ્રશાસનની ચીન નીતિમાં ભારતની ભૂમિકા મહત્ત્વની છે. પરંતુ વધુ છૂટ ન મળે એવી પણ શક્યતા છે.”

ઉપરાંત થિંક ટૅન્ક વિલ્સન સેન્ટરના વિદેશનીતિના નિષ્ણાત માઇકલ કુગલમૅન અનુસાર આ વિવાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કોઈ ખાસ અસર નહીં થાય.

જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે હાલના ઘટનાક્રમને જોઈએ તો ભારત અને અમેરિકાના સંબંધોને નુકસાન પહોંચી શકે છે.

વૈશ્વિક બાબતોના નિષ્ણાત પ્રોફેસર ઝોરાવર દૌલતસિંહે એક્સ પર લખ્યું, “આ ફરિયાદ અને આરોપ કોઈ કૉમિક જેવા છે.”