ગુજરાત પર પહોંચી સિસ્ટમ, હવે કઈ તરફ જશે અને કયા જિલ્લાઓમાં પવન સાથે પડશે ભારેથી અતિભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી ગઈ છે અને તેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે.
આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી. જે બાદ તે દક્ષિણ ગુજરાત પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી.
આ સિસ્ટમની આગળ વધવાની ગતિ શરૂઆત કરતાં ધીમી પડી ગઈ છે, ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચશે. અરબી સમુદ્રમાં પહોંચતા પહેલાં જ રાજ્યમાં આ સિસ્ટમને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હતી પરંતુ આ બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ડિપ્રેશનને કારણે ફરીથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે.
ગુજરાત આ સિસ્ટમ કેટલા દિવસ સુધી રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર પરથી થઈને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર પહોંચી હતી. જે બાદ તે ખંભાતના અખાત પર પહોંચી હતી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 29 સપ્ટેમ્બરના સવાર સુધી આ સિસ્ટમ ખંભાતના અખાત પર જ રહી હતી અને ત્યાંથી આગળ વધી ન હતી.
હાલ આ સિસ્ટમ વેલ માર્ક લૉ-પ્રેશર એરિયાના રૂપે ગુજરાત પર છે અને આગળ વધીને હવે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો પર પહોંચે એવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે સિસ્ટમની દિશા પશ્ચિમ- ઉત્તરપશ્ચિમ તરફની રહેશે અને 1 ઑક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં પહોંચે એવી શક્યતા છે. દરિયામાં ફરીથી પહોંચ્યા બાદ ફરીથી આ સિસ્ટમ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે હજી આ સિસ્ટમ રાજ્ય પર ત્રણ દિવસ સુધી રહેશે અને તેની અસર ચાર દિવસ સુધી રહે તેવી સંભાવના છે.
ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, imd.gov.in
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવેલા વિસ્તારોમાં ભારે કે અતિભારે વરસાદ થઈ શકે છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર -સોમનાથ, રાજકોટ અને મોરબીના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓના એકાદ બે વિસ્તારમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.
આ ઉપરાંત કચ્છ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના વિસ્તારોમાં વરસાદની વધારે સંભાવના છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.
સામાન્ય રીતે સિસ્ટમ જ્યાં હોય ત્યાંથી તેના દક્ષિણ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ પડતો હોય છે, આ સિસ્ટમમાં પણ અરબી સમુદ્ર એટલે કે દરિયામાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 ઑક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં ફૂંકાશે ઝડપી પવન?

ઇમેજ સ્રોત, imd.gov.in
ગુજરાત પર આવતા પહેલાં સિસ્ટમ થોડી નબળી પડી ગઈ હોવાથી રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધી જવાની સંભાવના નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિકલાક સુધી રહેવાની શક્યતા છે અને આગામી બે દિવસ સુધી આ પ્રકારે સ્થિતિ રહે તેવી સંભાવના છે.
જ્યારે આ સિસ્ટમ અરબી સમુદ્ર પર પહોંચશે ત્યારે ફરી મજબૂત બનતા પવનની ગતિમાં વધારો થશે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા તથા કચ્છ જિલ્લામાં પવનની ગતિ 1 અને 2 ઑક્ટોબરે પણ સામાન્ય કરતાં વધારે રહે તેવી સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર આ સિસ્ટમ થોડી ધીરે આગળ વધી રહી છે જેથી તેની અસર ત્રણથી ચાર દિવસ સુધી રાજ્ય પર થવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન






















