ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપવા માટે એસબીઆઈએ વધુ સમય કેમ માગ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)એ સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રાજકીય પક્ષોને ફાળો આપવા માટે ખરીદેલા ઇલેક્ટોરલ બૉન્ડની જાણકારી ચૂંટણીપંચને આપવા માટે 30 જૂન સુધીનો સમય આપવામાં આવે.
એસબીઆઈએ આ પ્રક્રિયાને 'ખૂબ જ સમય માગી લે તેવું' કાર્ય ગણાવીને સમય માગ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણી 30 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે.
ગયા મહીને સુપ્રીમ કોર્ટે પાંચ ન્યાયાધીશોની બેન્ચે ઇલેક્ટોરલ બૉન્ડને ગેરબંધારણીય બતાવીને રદ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આદેશ આપ્યો હતો કે 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી ખરીદાયેલા ઇલેક્ટોરલ બૉન્ડની જાણકારી ચૂંટણીપંચને છ માર્ચ 2024 સુધીમાં આપે. એસબીઆઈ ઇલેક્ટોરલ બૉન્ડ વેચતી એકમાત્ર અધિકૃત બૅન્ક છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડને અજ્ઞાત રાખવા એ માહિતી અધિકાર અને અનુચ્છેદ 19(1)(એ)નું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે રાજકીય પક્ષોને આર્થિક મદદને બદલે કેટલીક અન્ય વ્યવસ્થા કરવા માટે સિસ્ટમને પ્રોત્સાહિત કરી શકે છે.
ચૂંટણીપંચે આ જાણકારી 31 માર્ચ સુધી પોતાની વેબસાઇટ પર જાહેર કરવાની છે.
ઇલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને રાજકીય ફાળો આપવાનું એક માધ્યમ છે.
આ એક વચનપત્ર જેવું છે, જેને ભારતનો કોઈ પણ નાગરિક કે કંપની એસબીઆઈની કેટલીક નિશ્ચિત શાખાઓમાંથી ખરીદી શકે છે અને પોતાની પસંદના કોઈ પણ રાજકીય પક્ષને અજ્ઞાત રૂપે દાન કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાની ઘોષણા 2017માં કરી હતી. આ યોજનાને સરકારે 29 જાન્યુઆરી 2018ને કાયદાકીય રીતે લાગુ કરી દીધી.
એસબીઆઈએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે એસબીઆઈએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક રીટ અરજી કરી છે.
એસબીઆઈએ કહ્યું કે તે કોર્ટના નિર્દેશનું સંપૂર્ણપણે પાલન કરવા માગે છે. જોકે, ડેટાને ડિકોડ કરવો એટલો સરળ નથી અને કોર્ટે નક્કી કરેલી સમય સીમા સાથે વ્યાવહારિક મુશ્કેલીઓ છે. ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારની ઓળખાણ છુપાવવા માટે કડક ઉપાયોનું પાલન કરવામા આવ્યું છે. હવે, તેમના દાતા અને તેમને કેટલા ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા, આ જાણકારીને મેચ કરવી એ જટિલ પ્રક્રિયા છે.
બૅન્કે કહ્યું, “બે જાન્યુઆરી 2018ના રોજ આ વિશે અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. આ અધિસૂચના કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2018માં તૈયાર કરેલી ઇલેક્ટોરલ બૉન્ડની યોજના પર હતી.”
અધિસૂચનાની કલમ 7 (4)માં સ્પષ્ટપણે જણાવાયું હતું કે અધિકૃત બૅન્કે, તમામ સંજોગોમાં ચૂંટણી બૉન્ડ ખરીદનારની માહિતી ગુપ્ત રાખવી જોઈએ.
જો કોઈ કોર્ટ કે તપાસ એજન્સીઓ ફોજદારી ગુનાના કેસમાં આ વિશે જાણકારી માગે ત્યારે જ ખરીદનારની ઓળખ આપી શકાય.
બૅન્કે પોતાની અરજીમાં કહ્યું, “ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદારોની ઓળખાણ ગુપ્ત રાખવા માટે બૅન્કે બૉન્ડને વેચવા માટે એક વિસ્તૃત પ્રક્રિયા તૈયાર કરી હતી જેનું બૅન્કની દેશમાં ફેલાયેલી 29 અધિકૃત શાખામાં પાલન કરાય છે.”
એસબીઆઈએ કહ્યું, “અમારી એસઓપીના સેક્શન 7.1.2માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારની કેવાયસીની કોઈ પણ જાણકારી કોર બૅન્કિંગ સિસ્ટમમાં ન રાખવામાં આવે. આમ, બ્રાન્ચ પરથી જે ઇલેક્ટોરલ બૉન્ડ વેચવામાં આવ્યા છે તેનો કોઈ સૅન્ટ્રલ ડેટા એક સ્થળ પર નથી. જેમ કે, બૉન્ડ ખરીદનારનું નામ, ખરીદવાની તારીખ અને સ્થળ, બૉન્ડની કિંમત અને સંખ્યા. આ ડેટા કોઈ પણ સૅન્ટ્રલ સિસ્ટમમાં નથી.”
“બૉન્ડ ખરીદનારની ઓળખાણ ગુપ્ત રહે તે નિશ્ચિત કરવા માટે બૉન્ડ જાહેર કરવા સંબંધિત ડેટા અને બૉન્ડોના વટાવ સંબંધિત ડેટાને અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. આ માટે કોઈ સૅન્ટ્રલ ડેટાબેઝ રાખવામાં આવ્યો નથી. દરેક બૉન્ડ ખરીદનારની જાણકારી ગુપ્ત રાખવા માટે જે પણ બ્રાન્ચ પરથી ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યા છે ત્યાં તે જાણકારી એક સીલબંધ કવરમાં રાખવામાં આવી છે. આ સીલબંધ કવરો એસબીઆઈની મુખ્ય શાખા જે મુંબઈમાં છે, ત્યાં આપવામાં આવ્યા છે.”
કોઈ સૅન્ટ્રલ ડેટા નથી

ઇમેજ સ્રોત, Getty Images
એસબીઆઈએ કહ્યું, “દરેક રાજકીય પક્ષે 29 અધિકૃત શાખામાંથી કોઈ પણ એક શાખામાં એકાઉન્ટ રાખવું જરૂરી હતું. માત્ર જે તે રાજકીય પક્ષના એકાઉન્ટમાં જ પાર્ટીને મળેલા ઇલેક્ટોરલ બૉન્ડ જમા અને વટાવવામાં આવે છે. વટાવ કરતી વખતે મૂળ બૉન્ડ, પે સ્લીપને એક સીલબંધ કવરમાં એસબીઆઈ મુંબઈની મુખ્ય શાખાને મોકલવામાં આવે છે.”
બૅન્કે ઉમેર્યું કે અહીં એક જાણકારી વિશે ધ્યાન આપવું જરૂરી છે કે બન્ને સેટને એકબીજાથી અલગ-અલગ સ્ટોર કરવામાં આવે છે. ત્યાર પછી જાણકારીનો બીજો સેટ આવે છે જેમાં આ બૉન્ડનું રાજકીય પક્ષો પોતાના અધિકૃત ખાતામાં વટાવે છે. આમ, અંતે અમારે ખરીદાયેલા બૉન્ડ અને વટાવેલા બૉન્ડની જાણકારીને મેળવવી પડશે.
એસબીઆઈએ સમય વધારવાના પક્ષમાં દલીલ આપતા કહ્યું, “દરેક જગ્યાએથી જાણકારીને પ્રાપ્ત કરવી અને એક જગ્યાની જાણકારીને બીજી જગ્યાની જાણકારી સાથે મેળવવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગશે. જાણકારીઓને અલગ-અલગ જગ્યા પર સ્ટોર કરવામાં આવી છે.”
“કેટલીક જાણકારીઓ જેવી કે બૉન્ડની સંખ્યા અને અન્ય વસ્તુઓને ડિજિટલ રૂપે સ્ટોર કરવામાં આવી છે. જોકે, અન્ય જાણકારી જેવી કે ખરીદનારનું નામ, કેવાયસી અને બીજી માહિતીને ફિઝિકલ સ્વરૂપે સ્ટોર કરી છે. આ રીતે જાણકારી રાખવા પાછળ અમારો આદેશ એ હતો કે કોઈ પણ રીતે બૉન્ડ ખરીદનાર વ્યક્તિની ઓળખાણ જાહેર ન થાય.”
બૅન્કે કહ્યું કે 22,217 ઇલેક્ટોરલ બૉન્ડને રાજકીય પક્ષોને ફંડ આપવા માટે ખરીદવામાં આવ્યા છે.
બૅન્કે જણાવ્યું, “દરેક ચરણના અંતે વટાવેલા બૉન્ડને સીલબંધ કવરની અંદર અધિકૃત શાખાઓ તરફથી મુંબઈની મુખ્ય શાખામાં જમા કરવામાં આવે છે, કારણ કે ડેટાના બે અલગ-અલગ સેટ છે એટલે અમારે 44,434 જાણકારીના સેટને ડિકોડ કરવા પડશે, મેળવવા પડશે અને તુલના કરવી પડશે.”
એસબીઆઈએ કહ્યું, “આ કારણે અમે કોર્ટને વિનંતી કરીએ છીએ કે ફેબ્રુઆરી 15ના રોજ આપેલા તેમના નિર્ણયમાં નક્કી કરેલી ત્રણ અઠવાડિયાંની સમય સીમા સંપૂર્ણ પ્રક્રિયાને પૂરી કરવા માટે પૂરતી નથી અને અમને કોર્ટના આદેશનું પાલન કરવા માટે વધારે સમય આપે.”
એસબીઆઈની આ અરજીમાં જૂન સુધીનો સમય માગવામાં આવ્યો છે જેની લોકો ટીકા કરે છે. તેમનો તર્ક છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ અરજી કરવામાં આવી છે.
ચૂંટણી પહેલાં ભ્રષ્ટાચાર છુપાવાની કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images
આરટીઆઈ કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે આ વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “બૉન્ડ ખરીદનારની અને વટાવની માહિતી મુંબઈ બ્રાન્ચના સીલબંધ કવરમાં છે અને આ વાત એસબીઆઈના સોગંદનામામાં છે તો પછી કેમ બૅન્ક આ માહિતી તરત જ જાહેર નથી દેતી. 22,217 બૉન્ડના ખરીદનાર અને વટાવની જાણકારી મેચ કરવા માટે ચાર મહિનાનો સમય માગે છે, બકવાસ છે આ.”

ઇમેજ સ્રોત, X/@AnjaliB_
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે એસબીઆઈએ દાતાઓની માહિતી દેવા માટે ચૂંટણી પછીનો સમય માગ્યો, ચૂંટણી પહેલાં મોદીનો અસલી ચહેરો છુપાવવાની છેલ્લી કોશિશ છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “નરેન્દ્ર મોદીના રાજકીય ફંડના ધંધાને છુપાવવા માટે બધી જ તાકાત લગાડી દીધી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇલેક્ટોરલ બૉન્ડ વિશે સત્ય જાણવું દેશવાસીનો હક્ક છે, તો એસબીઆઈ શું કામ ઇચ્છે છે ચૂંટણી પહેલાં આ જાણકારી સાર્વજનિક ન થાય?”
રાહુલ ગાંધીએ કહ્યું, “એક ક્લિક પર મળી શકે તેવી જાણકારી માટે 30 જૂન સુધીના સમયની માગ બતાવે છે કે દાળમાં કંઈ કાળું નથી પણ આખી દાળ જ કાળી છે. દેશની દરેક સ્વતંત્ર સંસ્થા ‘મોદાણી પરિવાર’ બનીને તેમના ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવામાં લાગી છે. ચૂંટણી પહેલાં મોદીના અસલી ચહેરાને છુપાવવાનો આ છેલ્લો પ્રયત્ન છે.”

ઇમેજ સ્રોત, X/@RahulGandhi
સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરીને એસબીઆઈની અરજી પર નિરાશા જાહેર કરતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “આ ન્યાયની મજાક છે. શું એસબીઆઈ એટલા માટે જ વધારે સમય માગી રહી છે કે તે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને મોદીને બચાવી શકે?”
તેમણે આ રિપોર્ટની લિંક શૅર કરી અને એક્સ પર લખ્યું, “એસબીઆઈ વધારે સમયની માગ કેમ કરી રહી છે? આ તો સત્તાધારી પાર્ટી ભાજપના રાજકીય ભ્રષ્ટાચારને બચાવવાની સ્પષ્ટ કોશિશ લાગી રહી છે.”

ઇમેજ સ્રોત, X/@SitaramYechury
સુપ્રીમ કોર્ટના ચર્ચિત અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું, “અપેક્ષા મુજબ જ મોદી સરકારે સ્ટેટ બૅન્કના માધ્યમ થકી આવેદન આપીને ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારોની જાણકારી આપવા માટે ચૂંટણી પછીનો સમય માગ્યો છે. જો આ જાણકારી અત્યારે સામે આવી જાય તો કેટલાય લાંચ દેનારા અને તેમને આપવામા આવતા ફાયદાઓ બધાની સામે આવી જશે.”

ઇમેજ સ્રોત, X/@pbhushan1
નિવૃત્ત કૉમડોર લોકેશ બત્રા જાણીતા આરટીઆઈ કાર્યકર્તા છે, ઇલેક્ટોરલ બૉન્ડની પારદર્શિતા માટે તેમણે સતત કામ કર્યું છે.
બૅન્કની આ અરજી પર તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “2017-18માં એસબીઆઈએ બૉન્ડનાં વેચાણ અને વટાવને મૅનેજ કરવા માટે એક કસ્ટમાઇઝ ટેકનિક સ્થાપિત કરી હતી. એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 સુધી વેચવામાં આવેલા ઇલેક્ટોરલ બૉન્ડની કુલ સંખ્યા 22,217 છે. એસબીઆઈ માટે બૅન્કે વેચેલા 22,217 બૉન્ડની જાણકારી આપવી મુશ્કેલ ન હોવી જોઈએ.






















