અમુક અવાજો આપણને કર્કશ કેમ લાગે છે અને એ સંભળાતાં જ ચીડ કેમ ચડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અંજલિ દાસ
- પદ, બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
મેટ્રો, બસ કે રિક્ષામાં પ્રવાસ કરતી વખતે તમે ઘણા લોકોને હેડફોન પહેરેલા જોયા હશે.
તેમાં કોઈ નવી વાત નથી, કારણ કે તેમને હેડફોન પહેરવાનું પસંદ હોય છે, પરંતુ હેડફોન પહેરવાં કોઈની મજબૂરી હોઈ શકે?
28 વર્ષની માર્ગોટ નોએલ માટે હેડફોન પહેરવાં એ મજબૂરી છે અને તેઓ પોતાના બચાવવા આવું કરે છે.
માર્ગોટ નોએલને મિસોફોનિયા છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો તે એક એવો વિકાર છે, જેમાં સામાન્ય લાગતા અવાજથી વ્યક્તિને ચીડ ચડે છે.
એ વ્યક્તિ ચીડાઈને ગુસ્સે થાય છે અથવા નારાજ થઈ જાય છે. એ ડરી જાય છે અથવા તેને પૅનિક ઍટેક પણ આવી શકે છે.
તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ તેની આસપાસ કોઈના શ્વાસ લેવાથી, ખંજવાળવાથી, ખોરાક ચાવવાના અવાજથી અથવા પેન વડે ટકટક કરવાના અવાજથી ચિડાઈ જતી હોય અને ગુસ્સે થતી હોય?
આવા લોકો એક વિકારથી પીડાતા હોય છે, જેને મિસોફોનિયા કહેવામાં આવે છે.
શું છે મિસોફોનિયા?

સામાન્ય રીતે મિસોફોનિયાને ગુસ્સા, ચિંતા અને ઘૃણા સાથે જોડવામાં આવે છે. મિસોફોનિયા નર્વસ સિસ્ટમનો વિકાર છે. બોલચાલની ભાષામાં તેને ધ્વનિ કે ઘોંઘાટથી નફરત કહી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિસોફોનિયા એવો વિકાર છે, જેમાં કેટલાક ખાસ અવાજો તથા તે સંબંધી વસ્તુઓ પ્રત્યે વ્યક્તિની સહનશીલતા ઓછી થઈ જાય છે. તેનાથી વ્યક્તિ ગુસ્સે થાય છે. તેને ગભરાટ થાય છે.
એ અવાજ સેકન્ડના હજારમાં હિસ્સાથી પણ ઓછા સમયમાં વ્યક્તિના દિમાગને ખોટા સંકેત આપે છે. એ અવાજ એક જોખમ સ્વરૂપે વ્યક્તિના દિમાગની એલાર્મ સિસ્ટમ અમિગ્ડલાને જગાડે છે. એ સાથે જ એડ્રિનલ ગ્રંથિ અને કોર્ટિસૉલ હોર્મોન પ્રતિક્રિયા આપવા માટે તૈયાર થઈ જાય છે.
એ અવાજો સામાન્ય વ્યક્તિ માટે એક સરખી રીતે જોખમી હોતા નથી.
મિસોફોનિયાથી કેટલાં બાળકો, યુવા લોકો અને વૃદ્ધો પીડાય છે તે આપણે જાણતા નથી, પરંતુ ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર (ઓસીડી), ટિનિટસ (કાનમાં અજબ અવાજની અનુભૂતિ), હાયપરએક્યૂસિસ (સામાન્ય અવાજ પણ જોરથી સંભળાવો), ઑટિઝમ અને સેન્સરી પ્રોસેસિંગ ડિસઑર્ડર (એસપીડી)થી પીડિત લોકોમાં આ સમસ્યા હોવાનું સામાન્ય છે.
આવું શા માટે થાય છે તે આજે પણ સ્પષ્ટ થયું નથી, પરંતુ સંશોધનકર્તાઓનું કહેવું છે કે તે મસ્તક કે મનોવિકાર સાથે જોડાયેલું હોઈ શકે છે.
લંડનની કિંગ કૉલેજ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બ્રિટનના 18.4 ટકા લોકોમાં આ લક્ષણ જોવા મળે છે. એટલે કે પ્રત્યેક પાંચમાથી એક વ્યક્તિ કોઈ ખાતી વખતે અવાજ કરતી હોય, ચ્યુઇંગગમ ચાવતી હોય અને નસકોરા બોલાવતી હોય તો ચિડાઈ જાય છે.
લેખિકા ડૉ. સિલિયા વીટોરતો કહે છે, "મિસોફોનિયાથી પીડાતા લોકોને સામાન્ય રીતે પોતે એકલા હોવાની અનુભૂતિ થતી હોય છે, પણ હકીકતમાં એવું નથી. આ એક એવી બાબત છે કે જેને જાણવાની સાથે જ તેની સાથે જ એડજસ્ટ થવાની જરૂર હોય છે."
દૈનિક જીવન પર મિસોફોનિયાનો પ્રભાવ

કેન્ટના ઓલાના ટેંસલી હેનકોકના જણાવ્યા મુજબ, તેમને આઠ વર્ષની વયથી જ મિસોફોનિયાની તકલીફ છે. તેઓ કહે છે, "મને શ્વાસ લેવાનો અવાજ, ખાવાનો અવાજ, સૂકાં પાનનો અવાજ કે કાગળમાંથી નીકળતો અવાજ મને ટ્રિગર કરે છે."
ઓલાના કહે છે, "એ અવાજ મને સંભળાય કે તરત જ કાં તો હું તેને બંધ કરવા ઇચ્છું છું અથવા ત્યાંથી દૂર ચાલ્યા જવાની ઇચ્છા થાય છે. હું લાંબા સમય સુધી થિયેટર્સમાં ગઈ ન હતી."
"મેં માત્ર ત્રણ મહિનામાં નોકરી છોડી દીધી હતી, પરંતુ આ તકલીફનો સામનો કેવી રીતે કરવો તે મને ધીમે ધીમે સમજાયું હતું અને મેં ઇયરપ્લગ લગાવવાનું શરૂ કર્યું હતું."
જાણકારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોના કહેવા મુજબ, મિસોફોનિયાની તમારા સંબંધ અને લોકો સાથેના હળવાભળવા પર ઊંડી અસર થાય છે. જે બાળકોમાં તેનાં લક્ષણ જોવા મળે છે તેમના પર સ્કૂલમાં અભ્યાસ દરમિયાનના વ્યવહારમાં તેની અસર જોવા મળી છે. એવાં બાળકો સ્કૂલ જવામાં આનાકાની કરે છે.
આ સ્થિતિમાં કોઈ બીજી વ્યક્તિ સાથે સમય પસાર કરવો તે એક મોટો પડકાર હોય છે. તેઓ સામેની વ્યક્તિમાંથી નીકળતા આવા અવાજને સહન કરી શકતા નથી.
સામેની વ્યક્તિ આ બાબતથી અજાણ હોય છે અને તેઓ જ્યારે આ બાબતે તેમને જણાવે છે ત્યારે સામેની વ્યક્તિ તે સમજી શકતી નથી.
એ પરિસ્થિતિમાં, આ સમસ્યા સામે ઝઝૂમી રહેલી વ્યક્તિને સામેની વ્યક્તિ સાથે મનદુઃખ કે ઉગ્ર ચર્ચા પણ થઈ જાય છે.
આવી જ એક ઘટના અમેરિકામાં મિસોફોનિયા થીમવાળા પોડકાસ્ટના સંચાલક અદીલ અહમદ સાથે બની હતી. તેમને પણ મિસોફોનિયાની તકલીફ છે.
અદીલે બીબીસીને કહ્યું હતું, "ક્યારેક આપણે એવા વળાંક પર પહોંચી જઈ છે કે આપણાં પોતાનાં માતા-પિતાથી દૂર થઈ જઈએ છીએ, કારણ કે તેઓ જાણેઅજાણે, આદતવશ જે અવાજ કરે છે તે અવાજથી આપણને તકલીફ થાય છે એ વાતની તેમને ખબર હોતી નથી."
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત સંશોધક ડૉ. જેન ગ્રેગરીના કહેવા મુજબ, આ રોગથી પીડાતા મોટાભાગના લોકોમાં ‘ફાઇટ કે ફ્લાઇટ’ વર્તન જોવા મળે છે. ફાઇટ કે ફ્લાઇટનો અર્થ એ છે કે કાં તો તેઓ તેની સામે લડે છે અથવા તો ત્યાંથી દૂર ચાલ્યા જાય છે.
ન્યૂકેસલ યુનિવર્સિટીના ડો. સુખબિંદર કુમારે બીબીસીને કહ્યું હતું, "મિસોફોનિયાના રોગી આ પ્રકારના અવાજ સાંભળે છે ત્યારે અચાનક વધારે સક્રિય થઈ જાય છે. તેઓ ગુસ્સે થાય છે. આમ તો આ અવાજ સામાન્ય હોય છે, પરંતુ મિસોફોનિયાના રોગીઓને તે વધારે સક્રિય કરી દે છે."
મિસોફોનિયાના મુખ્ય લક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
તેની કોઈ તપાસ થતી નથી, પરંતુ કાનમાં અવાજની સહનશીલતા ઓછી થવી અને તે સંબંધે એક નકારાત્મક પ્રતિક્રિયા તેના મુખ્ય લક્ષણ છે.
કોઈના શ્વાસ લેવાથી અને ભોજન ચાવવાથી થતા સતત થતો અવાજ મિસોફોનિયાથી પીડિત વ્યક્તિમાં તેના લક્ષણ તરત ટ્રિગર કરે છે. શ્વાસ લેવા, ભોજન કરવા જેવા સામાન્ય અવાજથી તે ટ્રિગર થાય છે. એ અવાજો માત્ર માણસો જ કરે એ જરૂરી નથી.
તે પ્રાણીઓ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પણ થાય છે. મિસોફોનિયાના દર્દીઓ માટે તે અવાજો અસહ્ય હોય છે અને તેઓ તરત જ તે જગ્યાએથી દૂર જવા ઇચ્છે છે. તેઓ પોતાના કાન બંધ કરી દે છે. એ અવાજોથી તેમને ગુસ્સાની સાથે ઘણીવાર પેનિક ઍટેક પણ આવે છે.
અદીલ અહમદે કહ્યું હતું, "એ અવાજ કોઈના ચાવવાનો હોય કે શ્વાસ લેવાનો, હું તેને સહન કરી શકતો નથી. મને કાં તો ગુસ્સો આવે છે અથવા મને ત્યાંથી દૂર જવાની ઇચ્છા થાય છે."
તેમણે એમ પણ કહ્યું હતું, "સામેની વ્યક્તિ આપણી સમસ્યાને સમજે તો આપણો તણાવ ઓછો થઈ જાય છે."
મિસોફોનિયાનું નિરાકરણ છે?
શોધકર્તાઓએ દિમાગને આ રીતે ટ્રિગર કરતા અવાજોને રોકવાનું કોઈ વૈજ્ઞાનિક નિરાકરણ અત્યાર સુધી શોધ્યું નથી. અલબત, શોધકર્તાઓએ મિસોફોનિયાનો મનોવૈજ્ઞાનિક ઈલાજ કોગ્નેટિવ બિહેવિયર થેરપી (સીબીટી)થી કરવાના પ્રયાસ જરૂર કર્યા છે. જે 90 પીડિતો પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાંથી 42 ટકાના લક્ષણમાં સુધારો જોવા મળ્યો હતો.
એક વૈકલ્પિક, પરંતુ અપ્રમાણિત રીત ઑડિયોલૉજિસ્ટ પાસે ટિનિટસ રીટ્રેનિંગ થેરપી કરાવવાની હોઈ શકે છે.
ભારતમાં કેટલા લોકો મિસોફોનિયાથી પીડાય છે તેની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ ઍન્ડ હિયરિંગના એક ઑનલાઇન સર્વેક્ષણ અનુસાર, 15.85 ટકા લોકોમાં તેના જેવાં લક્ષણો જોવાં મળ્યાં હતાં.






















