એક જ મહિલાના બે ગર્ભાશયમાંથી અલગ-અલગ બાળકોનો જન્મ કેવી રીતે થયો?

એક જ મહિલાના બે ગર્ભાશયમાંથી અલગ-અલગ બાળકોનો જન્મ કેવી રીતે થયો?
પ્રકાશિત

અમેરિકામાં એક મહિલાએ બે ગર્ભાશય હોવાને કારણે 20 કલાકની પ્રસૂતિ પછી બે દિવસમાં બે બાળકોને જન્મ આપ્યો.

અલ્બામાની યુનિવર્સિટી ઑફ અલ્બામા ઍટ બર્મિંઘમ (યુએબી) હૉસ્પિટલમાં 32 વર્ષીય કેલસી હેચરે એક બાળકીને મંગળવારે અને બીજી બાળકીને બુધવારે જન્મ આપ્યો.

પ્રથમ બાળક રોક્સીનો જન્મ અંદાજે 19 ડિસેમ્બરની સાંજે 7:45 થયો, જ્યારે બીજા બાળક રેબલનો જન્મ દસ કલાક પછી થયો હતો.

સોશિયલ મિડિયા પર પોતાની બાળકીઓના જન્મની જાણકારી આપતાં હેચરે તેમને “મિરેકલ બેબીઝ” કહ્યાં છે અને સાથે તબીબોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આ બાળકીઓ ફ્રેટરનલ ટ્વિન્સ છે એટલે કે એવાં જોડિયાં બાળકો જેની જન્મની તારીખ અલગ-અલગ છે. અહીં દરેક બાળકનો અલગ-અલગ ઇંડામાંથી વિકાસ થાય છે, અને એ ઇંડાંનું અલગ-અલગ શુક્રાણુઓથી ફલન થઈને ગર્ભ બંધાય છે.

હેચરે કહ્યું કે પરિવાર હવે રજાઓનો આનંદ માણવા ઘરે પાછો ફર્યો છે. તેમને આ બાળકીઓના જન્મની અપેક્ષા ક્રિસમસના દિવસે હતી.