બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?

ગુજરાત વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને અનેક વિસ્તારોમાં હાલ વરસાદની જરૂરિયાત વર્તાઈ રહી છે.

જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદ બાદ ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદનો ઘટાડો નોંધાયો છે અને અડધો મહિનો પૂરો થઈ ગયો છે છતાં પણ હજી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો નથી.

ગુજરાત સહિત મધ્ય ભારત તથા દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ નથી પડી રહ્યો અને ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ દેખાઈ રહી છે.

હવે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાવાની છે અને તેના કારણે ફરીથી વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

જુલાઈ મહિનામાં બંગાળની ખાડી ખૂબ જ ઍક્ટિવ હતી અને તેમાં સતત સિસ્ટમો સર્જાતાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

બીબીસી ગુજરાતી

બંગાળની ખાડીમાં ક્યારે સર્જાશે સિસ્ટમ?

ગુજરાત વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

સ્કાયમેટના અહેવાલ અનુસાર બંગાળની ખાડીમાં 16 ઑગસ્ટની આસપાસ એક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે દેશમાં ફરીથી વરસાદી ગતિવિધિમાં વધારો થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે બંગાળની ખાડીમાં 16 તારીખની આસપાસ એક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તે ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધે તેવી સંભાવના છે.

ભારતમાં ચોમાસા દરમિયાન મોટા ભાગનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો પર આધારિત હોય છે અને મજબૂત સિસ્ટમ સર્જાય અને તે આગળ વધે ત્યારે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થતો હોય છે.

ઑગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દેશના અનેક વિસ્તારોમાં ફરી વરસાદની શક્યતા દેખાઈ રહી છે, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે?

ગુજરાત વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વાદળાછાયું હવામાન છે અને કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ ધોધમાર વરસાદ વરસી રહ્યો નથી.

દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોઈ સ્થળોએ હળવો વરસાદ નોંધાયો છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ નવા રાઉન્ડની શરૂઆત થઈ નથી.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમનો સૌથી વધારે લાભ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશને મળશે ઉપરાંત ઓડિશામાં પણ વરસાદ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

સ્કાયમેટના અહેવાલ મુજબ આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે એવી શક્યતા હાલ દેખાતી નથી. જેથી ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હાલ જણાતી નથી.

રાજ્યમાં હજી આવનારા 7થી 8 દિવસ સુધી ભારે કે અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી અને સાર્વત્રિક વરસાદ થાય તેની પણ શક્યતા દેખાતી નથી.

બીબીસી ગુજરાતી

રાજ્યમાં વરસાદ ખેંચાઈ કેમ રહ્યો છે?

ગુજરાત વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ઑગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો છે અને લગભગ ઑગસ્ટ મહિનાના મોટા ભાગના વિસ્તારો વરસાદ વિના જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

ભારત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે, ગુજરાત પર અરબી સમુદ્ર પરથી પવનો આવે છે તેમ છતાં વરસાદ થઈ રહ્યો નથી.

હાલ ચોમાસાની ટ્રફ રેખા હિમાલયની તળેટીઓમાં છે અને તેના કારણે હિમાલયની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ ટ્રફ રેખા જ્યારે નીચેની તરફ એટલે કે દક્ષિણની તરફ ખસે ત્યારે મધ્ય ભારતમાં વરસાદ પડતો હોય છે.

જુલાઈ મહિનામાં આ ટ્રફ રેખા રાજસ્થાન અને પછી ગુજરાત પર પહોંચી હતી ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જોકે કોઈ નવી સિસ્ટમ બને ત્યારે આ ટ્રફ રેખા દક્ષિણ એટલે કે ગુજરાતની તરફ આવતી હોય છે.

કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ભારતના ચોમાસા પર અલ નીનોની અસર હવે શરૂ થઈ છે અને તેના કારણે ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ઘટી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, ANI

ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, પરંતુ ધીમે ધીમે વરસાદની ઘટ અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે. 1 જૂનથી 14 ઑગસ્ટ સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 35 ટકા વધારે વરસાદ થયો છે.

ઑગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા રાજ્યના નવ જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જેમાં દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં 14 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 30 ટકા ઓછો વરસાદ થયો છે.

જ્યારે નર્મદામાં 22 ટકા, ડાંગમાં 16 ટકા, વડોદરામાં 19 ટકા, તાપીમાં 10 ટકા, અરવલ્લીમાં 5 ટકા અને ભરૂચમાં 2 ટકા વરસાદની ઘટ છે. જોકે, હજી પણ વરસાદ નહીં પડે તો આ ઘટમાં વધારો થતો જશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં જુલાઈ મહિનામાં પડેલા ભારે અને અતિભારે વરસાદ તથા બિપરજોય વાવાઝોડાને કારણે પડેલા વરસાદને લીધે સરેરાશ વરસાદ સરપ્લસ છે.

પરંતુ એક જ મહિનામાં પડેલા વરસાદ બાદ વરસાદ ખેંચાતા હવે ખેડૂતો ચિંતામાં છે અને નવા વરસાદી રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી