ગુજરાતમાં હવે વરસાદ વધશે કે નહીં, આવતા અઠવાડિયા માટે શું આગાહી છે?

ગુજરાતમાં હવે વરસાદ વધશે કે નહીં, આવતા અઠવાડિયા માટે શું આગાહી છે?
પ્રકાશિત

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનેલો રહેશે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ છુટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જેમાં કોઈ સ્થળોએ થોડો વધારે વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ કોઈ સ્થળોએ આગામી ચારથી પાંચ દિવસમાં હળવો વરસાદ થઈ શકે છે.

ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે પરંતુ અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં 124 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 123 તાલુકાઓમાં 1 હજાર મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ થયો છે, જ્યારે 109 તાલુકામાં 500 મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે 146 ડૅમ હાઇઍલર્ટ પર છે અને 118 ડૅમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ગુજરાતનો સરદાર સરોવર ડૅમ તેની ક્ષમતાના 90 ટકા જેટલો ભરાઈ ગયો છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક રોડ-રસ્તા બંધ થઈ ગયા હતા. જેમાં 12 સપ્ટેમ્બર સુધી હજી પણ 144 રસ્તાઓ બંધ છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.