ડમી કાંડ : યુવરાજસિંહ જાડેજાની ધરપકડ, શું છે આખો મામલો?

યુવરાજસિંહ

ઇમેજ સ્રોત, TWITTER/YAJADEJA

પ્રકાશિત

ડમી કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાને ગઈ કાલે નીલબાગ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યાં તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને એસઆઇટીની ટીમ દ્વારા ફરી વાર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.

તો યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભાની પણ એસઆઈટીની ટીમે સુરતથી ધરપકડ કરી છે.

ભાવનગર પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ‘વિદ્યાર્થી નેતા’ યુવરાજસિંહ જાડેજા સામે ‘ડમી પરીક્ષાર્થી કાંડ’ મામલે ‘પૈસા સ્વીકારી આરોપીઓનાં નામ બાકાત’ રાખવાની ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગર રેન્જ આઇ. જી. ગૌતમ પરમારે પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી ગુજરાતમાં ‘ડમી પરીક્ષાર્થી’ઓનો મામલો ચર્ચાઈ રહ્યો છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગત 5 એપ્રિલના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજ્યમાં સ્પર્ધાત્મક તથા બોર્ડની પરીક્ષાઓ માટે ‘મસમોટી’ રકમ વસૂલી ‘ડમી પરીક્ષાર્થી’ પૂરા પડાતા હોવાનો આરોપ કરાયો હતો.

જે બાદ આ સમગ્ર મામલે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી બાદ 19 એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા ગત બુધવારે યુવરાજસિંહને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવાયા હતા. પરંતુ યુવરાજસિંહ પહેલાં પોલીસ સમક્ષ હાજર રહ્યા નહોતા.

શુક્રવારે જ્યારે યુવરાજસિંહ પૂછપરછ માટે હાજર રહેતાં ભાવનગર પોલીસના જણાવ્યાનુસાર તેમની સામે થયેલા આક્ષેપોને લઈને ‘ગોળ-ગોળ જવાબ’ આપી રહ્યા હતા.

રેન્જ આઇ. જી. ગૌતમ પરમારે જણાવ્યાનુસાર, “યુવરાજસિંહ ડમી પરીક્ષાર્થી કાંડમાંથી પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામની વ્યક્તિઓનાં નામ બાકાત રાખવા માટે એક કરોડ રૂપિયા સ્વીકાર્યા હતા.”

આ મામલે હવે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 386, 388 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંધાયો છે.

યુવરાજસિંહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ભાવનગર પોલીસે 5 એપ્રિલના રોજ યુવરાજસિંહે પ્રેસ કૉન્ફરન્સમાં કરેલા ‘ડમી પરીક્ષાર્થી કાંડ’ના આરોપોને અનુસંધાને એક ફરિયાદ દાખલ કરી હતી.

આ ફરિયાદને આધારે ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર લોકોની ધરપકડ પણ કરાઈ હતી.

તમામ પર સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ બોર્ડની પરીક્ષાઓમાં પૈસા સ્વીકારી અસલી ઉમેદવારો વતી પરીક્ષા આપવા માટે ‘ડમી વિદ્યાર્થીઓ’ ગોઠવી આપવાના આરોપ છે.

પોલીસના જણાવ્યાનુસાર રાજ્યમાં તાજેતરમાં લેવાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ આરોપીઓએ બે ડમી વિદ્યાર્થીઓ ગોઠવ્યા હતા.

ભાવનગર પોલીસ દ્વારા નોંધાયેલ ફરિયાદ અનુસાર ભાવનગરના રહેવાસી શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પી. કે. દવે અને બલદેવ રાઠોડ વર્ષ 2012થી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ ધો. દસ-12ની બોર્ડની પરીક્ષાઓમાં ડઝનો વિદ્યાર્થીઓ માટે ‘ડમી પરીક્ષાર્થી’ ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે. તેમજ ઘણાને આ પ્રક્રિયાથી નોકરીઓ પણ મળી ચૂકી છે.

ફરિયાદ અનુસાર આ ત્રિપુટી વિદ્યાર્થીઓ પાસેથી ડમી પરીક્ષાર્થી માટે પાંચથી દસ લાખ રૂપિયાની માતબર રકમ વસૂલતી. જે બાદ ઍક્ઝામિનેશન હૉલમાં ડમીને ગોઠવવા માટે હૉલ ટિકિટ સાથે ચેડાં કરવામાં આવતાં.

પોલીસ અનુસાર આરોપીઓ ડમી પરીક્ષાર્થીને દરેક પરીક્ષા માટે 25 હજાર રૂપિયા ચૂકવતા.

ફરિયાદ અનુસાર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કરેલા દાવા અનુસાર તાજેતરમાં લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મિલન બારૈયા નામની વ્યક્તિએ ભાવેશ જેઠવા નામની વ્યક્તિ બદલ પરીક્ષાર્થી બનીને કૉલ લેટર મેળવ્યાનો આરોપ લગાવાયો હતો. તેમજ વિમલ જાની નામની વ્યક્તિએ અંકિત લકુમ નામની વ્યક્તિ માટે ‘ડમી પરીક્ષાર્થી’ તરીકે કૉલ લેટર સાથે ચેડાં કરીને હાજર થશે તેવો આરોપ કરાયો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે આમ આદમી પાર્ટીના નેતાએ પ્રેસ કૉન્ફરન્સમાં ચાર નામો જાહેર કર્યાં છે, બધા આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી