You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા?
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 277 લોકોના મૃત્યુ થયા છે અને તે એ માનવસર્જિત અકસ્માત હોવાની શક્યતાઓ છે. જોકે, લગભગ છ દાયકા પહેલાં બનેલી એક દુર્ઘટનામાં ટ્રેનના ડબ્બા નહીં પણ આખી ટ્રેન દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી અને તે દુર્ઘટના માનવસર્જિત નહીં, પરંતુ કુદરતે વર્તાવેલા કેરના કારણે સર્જાઈ હતી. આ ઘટનાને 'ઍક્ટ ઑફ ગૉડ' ગણવામાં આવી હતી.
15 ડિસેમ્બર 1964નો દિવસ હતો બંગાળની ખાડીમાં આવેલા ભારતીય ટાપુઓ અંદમાન અને નિકોબારમાંથી અંદમાનના દક્ષિણમાં વાવાઝોડાની સિસ્ટમ સર્જાઈ હોવાની હવામાનવિભાગે આગાહી કરી અને એ જ દિવસથી ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાવા લાગ્યો.
ત્યાર પછીના દિવસોમાં વાવાઝોડું દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું અને બરાબર સાતમા દિવસે એટલે કે 22મી ડિસેમ્બરે તે શ્રીલંકા તરફથી આશરે 110 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ભારત તરફ આવી રહ્યું હતું.
આ વાવાઝોડું અંદાજે 200 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ભારતના દક્ષિણ છેડે તામિલનાડુમાં આવેલાં 'પંબન ટાપુ' પહોંચ્યું અને એક રાતમાં તેને વેરવિખેર કરી નાખ્યો.
પણ વાવાઝોડું ત્રાટક્યું એ પહેલાં પંબન ટાપુ પર આવેલા ધનુષકોડી રેલવેસ્ટેશન પર ચહલપહલ હતી. વાવાઝોડું નજીક આવી રહ્યું હતું, કેટલાક લોકો ટાપુ છોડીને ઘરે ભાગી રહ્યા હતા તો કેટલાક લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળ શોધવા ભાગી રહ્યા હતા.
વર્ષ 1964નું હતું એટલે અવરજવર માટે ટાપુ પરથી કિનારે આવેલા શહેર સુધી પહોંચવા માટે ટ્રેન સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. એવામાં વાવાઝોડાની આગાહી વચ્ચે દિવસ દરમિયાન ઘણા લોકો દરિયાની વચ્ચેથી ટ્રેનમાં પસાર થયા હતા.
પણ 22મી ડિસેમ્બરે રાતની છેલ્લી ટ્રેન પકડનારા લોકોને ખબર નહોતી કે તેમની સાથે શું થવા જઈ રહ્યું છે.
સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરસનદાસ મૂળજીની મુખ્ય ઓળખ ધર્મના નામે ચાલતા પાખંડને પડકારનારા સુધારક-પત્રકાર તરીકેની રહી છે. તેમના સામયિક ‘સત્યપ્રકાશ’માં તેમણે ધર્મગુરુઓની અનીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમાંથી એક લેખ સામે વલ્લભપંથી વૈષ્ણવ ધર્મગુરુ જદુનાથ મહારાજે મુંબઈની હાઇકોર્ટમાં રૂ. પચાસ હજારનો દાવો કર્યો, જે 19મી સદીના અત્યંત ચર્ચાસ્પદ એવા ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાયો. તે કેસ અને તેમાં કરસનદાસને મળેલી જીત ગુજરાતના સમાજસુધારાના અને પત્રકારત્વના આંદોલનનું ગૌરવવંતું પ્રકરણ છે.
તે સમયના બીજા ઘણા સુધારકો કરતાં કરસનદાસ એ બાબતે જુદા પડતા હતા કે તેમના વિચાર અને આચારમાં કશો તફાવત ન હતો. વિધવા સ્ત્રીના પુનર્લગ્નની તરફેણમાં એક નિબંધ લખવાની જાહેરાતમાત્રથી તેમનાં કાકીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યારે કરસનદાસ અને તેમનાં પત્ની ચૂપચાપ નીકળી ગયાં હતાં. એવી જ રીતે, નાતબહાર મુકાવાની તેમને જરાય બીક ન હતી અને એક વાર મુકાયા પછી કુટુંબીઓ-સ્નેહીઓના દબાણથી પ્રાયશ્ચિત કરીને પાછા ફરવાની તૈયારી ન હતી.
સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
આ કહાણી છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કાગળનું નાનું કારખાનું ચલાવતી મહિલાઓની. જ્યાં કોઈ મહિલા મશીન પર કાગળનો જથ્થો કટ કરતાં દેખાશે તો કોઈક ચોપડી તૈયાર કરતાં દેખાશે તો કોઈક પન્ચિંગ મશીન પર કામ કરતાં દેખાશે.
પોતે પાલીબહેન ભલે સાત ધોરણ સુધી જ ભણ્યાં છે પરંતુ તેઓ ગીતાંજલિ સંસ્થાનનાં પ્રમુખ છે. આ મંડળીની શરૂઆત થઈ ત્યારે માત્ર પાંચ જ મહિલાઓ જોડાઈ હતી, હવે 200 મહિલાઓ અહીં કામ કરે છે.
કારખાનામાં કામ કરતી મહિલાઓ માત્ર દસમું કે બારમું ધોરણ જ ભણેલી છે અને મોટાં-મોટાં મશીનો ચલાવે છે.
જાણીતી કંપનીઓ આ મહિલાઓ પાસે સ્ટેશનરી તૈયાર કરાવીને સમયાંતરે મગાવતી રહે છે. આ મહિલાઓએ ધીમે-ધીમે રિસાઇકલ કાગળમાંથી સ્ટેશનરી બનાવાવનું શરૂ કર્યું. સગવડ અને જરૂરિયાત મુજબ તેઓ એક પછી એક મશીન તેમજ સામગ્રી વસાવતાં ગયાં.
સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
"હું લાગણીના પ્રવાહમાં અભિભૂત થઈ ગયો હતો જ્યારે મને મારો ખોવાયેલો પરિવાર મળી ગયો. મને એવું લાગે છે કે મેં કોઈ સિદ્ધિ કે સફળતા મેળવી છે." શમસુદ્દીન કહે છે.
શમસુદ્દીનની કહાણી દોઢ સો વર્ષ પહેલાં ભારતથી કૅરેબિયન દેશો લઈ જવાયેલા ભારતીયોથી શરૂ થાય છે. તેમના વંશજો આજે પણ કૅરેબિયન દેશ ટ્રિનિદાદ અને ટોબેગોમાં વસે છે.
કૅરેબિયન દેશ ટ્રિનિદાદ અને ટોબેગોના રહેવાસી એવા 76 વર્ષીય શમસુદ્દીન છેલ્લાં પચ્ચીસ વર્ષોથી એવા કૅરેબિયન પરિવારોને મદદ કરે છે કે જેઓ એક સમયે ભારતમાં પોતાના સંબંધીઓથી વિમુખ થઈ ગયા છે.
તેઓ કહે છે કે તેમણે અત્યાર સુધીમાં 300 લોકોને મદદ કરી છે.
આ લોકોના વડવાઓ ભૂતકાળમાં બ્રિટિશ રાજ નીચે આવેલ ‘કૅરેબિયન’ પરદેશમાં આવ્યા હતા. 19મી અને 20મી સદીની શરૂઆતમાં તેઓ કરારબદ્ધ (બાંધેલા) મજૂરો તરીકે અહીં આવ્યા હતા પરંતુ ત્યાર પછી ધીરેધીરે તેઓ તેમના પરિવાર સાથેનો સંપર્ક ગુમાવતા ગયાં.
દીન એ શરૂઆતમાં ભૂગોળના શિક્ષક હતા જેઓ પછી વંશાવળિ વિશારદ થયા અને હવે તેઓ આ મજૂરી કરવા આવેલા પરિવારોના વંશજોને ભારતમાં રહેલા તેમના પરિવારો કે સંબંધીઓ સાથે મિલાપ કરવાનો પ્રયત્ન કરે છે.
ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન ગુલામીપ્રથા નાબૂદ થઈ ચૂકી હતી. પરંતુ આ બાંધેલા મજૂરોને બ્રિટિશ તાબા હેઠળ રહેલા પ્રદેશોમાં જ્યારે મજૂરોની તંગી ઊભી થતી ત્યારે સસ્તું મહેનતાણું ચૂકવી લઈ જવામાં આવતા.
1838 થી 1917 સુધીમાં ઘણા ભારતીયોએ પોતાનો દેશ છોડીને બ્રિટિશ તાબા હેઠળના પ્રદેશો કૅરેબિયન, દક્ષિણ આફ્રિકા, મૉરૅશિયસ અને ફિજી જેવા દેશોમાં સ્થળાંતરિત થયા હતા અને ત્યાં શેરડીનાં ખેતરોમાં કામ કરતા હતા.
સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
"આપણે કશુંક કરવા માગતા હોઈએ. ધંધાની નવી ધરતી પર પગભર થવા માગતા હોઈએ તો લોકો શું કહેશે એ આપણે નહીં વિચારાનું. થેપલાં જેમ ધીમી આંચે જ સારા પાકે તેમ ધ્યેયને વળગીને ધીમે-ધીમે આગળ વધવાનું."
આ શબ્દો પ્રેમલતા મિશ્રાના છે.
પ્રેમલતાબહેન આ વાત કહે છે ત્યારે તેની આગળ પાછળ વીસેક મહિલાઓ થેપલાં બનાવી રહી છે. ટેસ્ટ બરાબર છે કે નહીં એ જાણવા માટે તેમની વહુ સંગમ મિશ્રા તીખાં થેપલાંનો મસાલો તેમને ચખાડી રહ્યાં છે.
અમદાવાદ શહેરના અંતરિયાળ એવા રામોલ વિસ્તારમાં ઉદ્યોગ ધંધાનો એક શેડ (ઉત્પાદન એકમ) છે. આ શેડમાં કોઈનો સબમર્સિબલ પમ્પનો વ્યવસાય છે.
કોઈનું મશીન ટૂલ્સનું કામકાજ છે. કોઈનું પ્લાસ્ટિકની વસ્તુઓનું કારખાનું છે. એ બધામાં સાસુ પ્રેમલતા અને વહુ સંગમ મિશ્રાનો થેપલાનો કારોબાર છે, જ્યાં મહિલાઓ માત્ર ને માત્ર થેપલાં બનાવે છે. આસપાસ જે કારોબાર છે એમાં બધે પુરુષો જ છે એ બધા વચ્ચે સાસુવહુ અને તેમની થેપલાં બનાવતી મંડળીની મહિલાઓને જોઈને અચરજ કરતાં વધારે આનંદ થાય તેવી ઘટના છે.
લોઢીમાં શેકતા થેપલાંની તીખી સુગંધ અને આછા ધુમાડા વચ્ચે બેસીને વાત માંડતા પ્રેમલતા મિશ્રા બીબીસીને કહે છે કે, "2016માં અમારા પારિવારિક ધંધામાં પાયમાલી થઈ. અમે લોકો ઘરમાં જ બેઠાં રહેતાં હતાં અને ચિંતા કરતાં હતાં કે શું કરીએ?"
"દરમ્યાન મારી વહુ સંગમે કહ્યું કે તમે ઘરમાં વિવિધ સ્વાદિષ્ઠ વ્યંજનો સરસ બનાવો છો તો છૂટક નાસ્તા વગેરેનો વ્યવસાય શરૂ કરીએ તો કેમ રહેશે? એ રીતે 2017માં શરૂઆત થઈ."
"શરૂઆતમાં નાસ્તો જ વેચતાં હતાં. એ પછી જોયું કે થેપલાંની માગ સારી છે. તેથી થેપલાંનો વ્યવસાય શરૂ કર્યો."
સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
'ભારતમાં ક્રિકેટ એક રમત નહીં ધર્મ છે' આવું કહેનારા ક્રિકેટચાહકો માટે ઇતિહાસના પાનામાં છૂપાયેલી 24 ઑગસ્ટ 1971ની તારીખ ખૂબ મહત્ત્વની છે.
આ એ દિવસ હતો જ્યારે ક્રિકેટના નિષ્ણાતો મુજબ ભારતીય ક્રિકેટનો સુવર્ણકાળ શરૂ થયો હતો. સ્થળ હતું યુકેના ઇંગ્લૅન્ડનું ઓવલ ગ્રાઉન્ડ.
ક્રિકેટનું એ જ મેદાન જ્યાં સાત જૂનથી ભારત-ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમવા જઈ રહ્યા છે.
એક ભારતીય માટે આ ગ્રાઉન્ડનું મહત્ત્વ જાણવું જરૂરી છે. એ દિવસે એક એવી ઘટના ઘટી હતી જે કદાચ આજ દિન સુધી ક્રિકેટના મેદાને નહીં જોઈ હોય.
શું હતી એ ઐતિહાસિક ઘટના અને કઈ રીતે ભારતે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઇંગ્લૅન્ડને એના જ ઘરમાં પરાસ્ત કર્યું હતું.
સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.