30 વર્ષમાં 50 કામ: ભારતીય મહિલા કામદારના અદૃશ્ય શ્રમની કથા

ભારતના શ્રમિક મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રાજધાની દિલ્હીની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક ગરીબ મહિલા સઇદા ઍક્સે 30 વર્ષમાં 50થી વધારે નોકરી કરી છે.

તેમણે જિન્સના દોરા કાપ્યા છે, સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ્યાં છે, બદામ છોલી છે અને ચાની ગળણીઓ, દરવાજાનાં હૅન્ડલ, ફોટોફ્રૅમ્સ તથા રમકડાંની બંદૂકો પણ બનાવી છે.

તેમણે સ્કૂલ બૅગ્સનું સીવણકામ કર્યું છે અને મોતી તથા આભૂષણોનું કામ પણ કર્યું છે. આકરી મહેનત છતાં તેમને બહુ ઓછી મજૂરી મળે છે, જેમ કે રમકડાં બનાવવા માટે તેમને માત્ર 25 રૂપિયા મળતા હતા.

પત્રકાર નેહા દીક્ષિતના નવા પુસ્તક ‘ધ મૅની લાઇવ્ઝ ઑફ સઇદા ઍક્સ’નાં નાયિકા સઇદા 1990ના દાયકામાં દિલ્હીના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં ધાર્મિક હુલ્લડ પછી પોતાના પરિવાર સાથે દિલ્હી આવ્યાં હતાં. 10 વર્ષમાં 900થી વધુ લોકોની મુલાકાત બાદ લખવામાં આવેલું આ પુસ્તક આંશિક રીતે એક ભારતીય ઘરેલુ મહિલા શ્રમિકના અનિશ્ચિત જીવન પર પ્રકાશ ફેંકે છે.

નેહા દીક્ષિતનું આ પુસ્તક ભારતની ઘરે બેસીને કામ કરતી ઉપેક્ષિત મહિલા શ્રમિકોના જીવન પર પ્રકાશ નાખે છે. સત્તાવાર રીતે 2007માં જ શ્રમિકોની એક અલગ શ્રેણીના રૂપમાં માન્યતા આપવામાં આવી એ પછી, ભારતના હોમ-બેઝ્ડ શ્રમિકોને એવી વ્યક્તિ તરીકે પરિભાષિત કરવામાં આવ્યા હતા, જેઓ તેમના નોકરીદાતા માટે પોતાના ઘર અથવા પરિસરમાં રહીને માલ-સામાન બનાવે છે કે સેવાઓ આપે છે.

કહાણી ઘર ઘરની

પ્રયાગરાજમાં કાગળનાં પડિકાં બનાવતાં મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજમાં કાગળનાં પડિકાં બનાવતાં મહિલા

ભારતમાં 80 ટકાથી વધુ કામકાજી મહિલાઓ અનૌપચારિક અર્થતંત્રમાં કાર્યરત છે, જેમાં હોમ-બેઝ્ડ વર્ક, ખેતી પછી સૌથી મોટું ક્ષેત્ર છે.

તેમ છતાં આ મહિલાઓને ટેકો આપતી કોઈ નીતિ કે કાયદો નથી. અનૌપચારિક રોજગાર સાથે સંકળાયેલી મહિલાઓનું સમર્થન કરતા સંગઠન વિએગોના અંદાજ અનુસાર, 2017-18 સુધી ભારતમાંના ચાર કરોડ 10 લાખ હોમ-બેઝ્ડ શ્રમિકોમાં લગભગ એક કરોડ 70 લાખ મહિલાઓ હતી. આ મહિલાઓ કુલ રોજગારના લગભગ નવ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરોમાં આવી મહિલાઓની સંખ્યા ઝડપથી વધી છે.

આ મુદ્દે વ્યાપક કામ કરી ચૂકેલાં ઇતિહાસકાર ઇંદ્રાણી મજુમદાર કહે છે, “હોમ-બેઝ્ડ શ્રમિકોનું કેન્દ્ર શહેરી વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ રહ્યું હોય એવું લાગે છે.”

સામાજિક સલામતી કે કોઈ સંરક્ષણથી વંચિત આ મહિલાઓ ગરીબી, અનિશ્ચિતતા અને સ્વચ્છંદ જીવનસાથી સાથે સતત સંઘર્ષ કરતી હોય છે. પરિવારનું પાલનપોષણ કરતી મુખ્ય વ્યક્તિ તરીકે આ મહિલાઓ તેમનાં સંતાનોને ભણાવીને ગરીબીમાંથી બહાર કાઢવાના પૂરતા પ્રયાસ કરતી હોય છે.

આ મહિલાઓ આબોહવા પરિવર્તનના ડંખનો સામનો પણ કરે છે, આજીવિકા ગુમાવે છે અને ખોટના ખાડામાં રહે છે. ચોમાસા દરમિયાન તેમનાં ઘરોમાં પાણી ભરાઈ જવાને લીધે તેમનો માલસામાન બરબાદ થઈ જાય છે.

ભારતમાં ઉત્પાદનના કામમાં લગભગ 75 ટકા મહિલાઓ હોમ-બેઝ્ડ છે, એમ જણાવતાં અર્થશાસ્ત્રી સોનિયા મિત્રા કહે છે, “આ મહિલાઓની નોંધણી સ્વ-રોજગાર શ્રમિકો તરીકે કરવામાં આવી છે અને તેઓ મોટા ભાગે અદૃશ્ય હોય છે.”

ઓવરટાઇમ અને ઓછી આવક

સ્કૂટર બનાવવાની ફેકટરીમાં કામ કરતા મહિલાની તસવીર
ઇમેજ કૅપ્શન, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષો દરિયાન ઔપચારિક શ્રમબજારમાં મહિલાઓની ભાગીદારી વધી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેહા દીક્ષિત લિખિત કરુણકથામાં સૈયદા ઍક્સ અને અન્ય હોમ-બેઝ્ડ મહિલાઓને લાચારી તથા શોષણના આદર્શ પ્રતીક તરીકે ચિત્રિત કરવામાં આવી છે. તેમના માટે કામનું અત્યંત ઓછું મહેનતાણું કોણ નક્કી કરે છે, તે કોઈ જાણતું નથી. કોઈ તેમને સૂચના, તાલીમ કે ઉપકરણો પ્રદાન કરતું નથી. આ મહિલાઓ સંબંધિત કામ કરવાનું શીખવા માટે સંપૂર્ણપણે એકમેક પર નિર્ભર હોય છે.

નેહા દીક્ષિત લખે છે કે કામ શોધવું એ પણ મોટા ભાગે સમાચારના ચક્રને અનુસરવા જેવું હોય છે.

1997માં કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતીય મૂળનાં પહેલા મહિલા બન્યાં ત્યારે આ મહિલાઓએ પ્લાસ્ટિકની ઢીંગલીઓને હાથેથી બનાવેલા શ્વેત સ્પૅસસૂટ્સ પહેરાવ્યા હતા. 1999ના ક્રિકેટ વર્લ્ડકપ વખતે તેમણે હજારો સસ્તા બૉલ્સ બનાવ્યા હતા.

દિલ્હીમાં એક મન્કી મૅન લોકો પર હુમલો કરી રહ્યો હોવાની અફવા 2001માં વાઇરલ થઈ ત્યારે એ મન્કીમૅન જેવા મુખવટાની માગમાં જોરદાર વધારો થયો હતો, જે દિલ્હીના ટ્રાફિક ક્રૉસિંગ્ઝ પર વેચવામાં આવ્યા હતા.

ચૂંટણી દરમિયાન આ મહિલાઓએ રાજકીય પક્ષો માટે ઝંડા, કી રિંગ્ઝ અને ટોપીઓ બનાવી હતી. વૅકેશન પછી સ્કૂલો ફરી શરૂ થઈ ત્યારે તેમણે ક્રેયોન્સ, સ્કૂલ બેગ્ઝ તથા પુસ્તકો પેક કર્યાં હતાં.

આવી ઘણી મહિલાઓ માટે મહિનામાં 20 દિવસથી વધારે કામ મેળવવાનું મુશ્કેલ હોય છે. નેહા દીક્ષિત લખે છે કે ભાવતાલ ન કરતી કે બહુ સવાલ ન પૂછતી, પોતાના ઉપકરણો જાતે ખરીદતી, સમયસર ડિલિવરી આપતી, મુશ્કેલી વખતે ક્યારેય ઍડવાન્સ કે મદદ ન માગતી અને પેમેન્ટ મોડું મળે તો પણ ફરિયાદ ન કરતી મહિલાઓ જ આસાનીથી કામ મળી રહે છે.

વાત ભારતની અને વિશ્વની

કામકાજી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇંદ્રાણી મજુમદારના જણાવ્યા મુજબ, કામની પ્રકૃતિમાં ફેરફારને કારણે મહિલા હોમવર્કર્સની અનિશ્ચિતતા વધી જાય છે. રેડીમેઇડ વસ્ત્ર ઉદ્યોગ 1990ના દાયકા સુધી તેનાં ઘણાં કામ હોમવર્કર્સને આઉટસૉર્સ કરતો હતો. 1990ના દાયકામાં કારખાનાંએ આ કામ કરવાનું શરૂ કર્યું અને ખાસ કરીને ભરતકામ માટે મશીનોએ માણસોનું સ્થાન લીધું ત્યારથી એ કામનું સ્થળાંતર થયું હતું. ઇંદ્રાણી કહે છે, “એ પછી હોમ બેઝ્ડ કામ બહુ અસ્થિર બની ગયું હતું.”

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને 2019માં 118 દેશોના સર્વેક્ષણના આધારે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે વિશ્વમાં આશરે 26 કરોડ હોમ-બેઝ્ડ વર્કર્સ છે, જે વૈશ્વિક રોજગારના 7.9 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના સંશોધન દર્શાવે છે કે સ્થાનિક સરકારો અને શ્રમ સંગઠનો અસરકારક રીતે સહયોગ કરે ત્યારે કામની સ્થિતિનું નિરીક્ષણ અને સબ-કૉન્ટ્રાક્ટેડ અથવા હોમ-બેઝ્ડ કામમાં શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવું શક્ય છે.

ભારતમાં આવાં ઉદાહરણો બહુ ઓછાં છે. 52 વર્ષ જૂનું સેલ્ફ ઍમ્પ્લૉઇડ વીમેન્સ ઍસોસિયેશન (સેવા) સભ્યપદ પર આધારિત સંગઠન છે. તે અનૌપચારિક અર્થતંત્રમાંની ગરીબ, સેલ્ફ-ઍમ્પ્લૉઇડ મહિલાઓને એક કરે છે. હોમ-બેઝ્ડ શ્રમિકોનાં સ્વસહાય જૂથો પણ છે અને તેમને સહાય માટે માઇક્રો-ફાઇનાન્સ પણ છે. એમ ઇંદ્રાણી મજુમદાર કહે છે,“તેમ છતાં રોજગારની વાત આવે ત્યારે આ યોજનાઓ તેમને ખરેખર મદદરૂપ થઈ નથી.”

અધિકાર માટે અવાજ

2009માં દિલ્હીમાં કોચલામાંથી બદામ કાઢીને તેને સ્વચ્છ કરવાનું કામ ઘરે બેસીને કરતી મહિલાઓએ સારા પગાર તથા ઓવરટાઇમ સહિતની માગણીઓ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. (તેમને 23 કિલોની એક બૅગ સાફ કરવા 12થી 16 કલાકના કામ માટે 50 રૂપિયા ચૂકવવામાં આવતા હતા) તેમની હડતાલને કારણે, બદામ પ્રોસેસિંગ ઉદ્યોગ તેની પીક સિઝનમાં ખોડંગાઈ ગયો હતો.

સરકારી એજન્સીઓએ શ્રમિક સંગઠનોના દાવાની અવગણના કરવા છતાં ચેન્નાઈની અપ્પલમ (પપડમ) બનાવતી હોમ-બેઝ્ડ મહિલા શ્રમિકોએ પોતાના અધિકારોનું કેવી સફળ રીતે રક્ષણ કર્યું હતું તે સમાજ વિજ્ઞાની કે. કલ્પના દ્વારા તામિલનાડુમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે.

સૈયદા ઍક્સ અને તેમની સખીઓ એટલા નસીબદાર નથી.

નેહા દીક્ષિત લખે છે, “તેઓ બીમારીની સારવાર માટે કે બાળકોની સંભાળ માટે ક્યારેય રજા લે તો તેમનું કામ, તેનું સ્થાન લેવા લડી રહેલા કોઈ અન્ય અનામ શ્રમિકના હાથમાં ચાલ્યું જાય.” તેમની કામમાં હાડમારી અને વિસ્થાપન કાયમી હોય છે. એક કામથી બીજું કામ તેમજ એક ઘર છોડ્યું તો બીજા ઘરે કામ કરવાનું હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.