ફ્રાન્સના નવનિયુક્ત વડા પ્રધાન સામે લોકો રસ્તા પર કેમ ઉતર્યા?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સમાં દક્ષિણપંથી નેતા મિશેલ બાર્નિએ વડા પ્રધાન બન્યા છે. પરંતુ શનિવારે ફ્રાન્સના નીસ અને લેમૉન સહિતના દેશના કેટલાક ભાગોમાં તેમની નિયુક્તિ સામે પ્રદર્શનો થઈ રહ્યાં છે. બાર્નિયે સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
હવે દેશમાં કુલ 100 જગ્યાઓ પર આ પ્રકારે વિરોધ પ્રદર્શનો કરવાની યોજના બની રહી છે. ફ્રાન્સના ટ્રૅડ યુનિયનો તથા વામપંથી પાર્ટીએ તેનું આયોજન કર્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોંએ વામપંથી પાર્ટીના વડા પ્રધાન ઉમેદવારને પીએમ નહોતા બનાવ્યા. તેથી તેમના આ નિર્ણય સામે પ્રદર્શનો થઈ રહ્યા છે.
બીજી તરફ યુરોપીયન સંઘના પૂર્વ બ્રૅક્ઝિટ વાર્તાકાર મિશેલ બાર્નિએએ કહ્યું છે કે સરકાર બનાવવા માટે તેઓ ડાબેરી પાર્ટી તથા અન્ય દળો સાથે વાતચીત કરવા તૈયાર છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી ત્યારબાદ શું બોલ્યાં વીનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે શુક્રવારે 31 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી જેમાં પહેલવાન વીનેશ ફોગાટનું નામ પણ હતું.
તેમને જુલાના વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.
વીનેશ ફોગાટે ટિકિટ મળ્યાં બાદ પહેલી વખત પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “કૉંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જુલાના વિધાનસભાથી ઉમેદવાર બનવાની તક આપવા બદલ વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“જે પ્રકારે એક ખેલાડીના રૂપમાં પ્રદર્શન થકી પ્રદેશ અને દેશનું સન્માન વધાર્યું છે તે જ પ્રકારનાં સમર્પણ તથા જોશથી જુલાનાના વિકાસ માટે કામ કરીશ.”
ઉજ્જૈનમાં દિનદહાડે થયેલા કથિત બળાત્કારનો વીડિયો બનાવનારાની ધરપકડનો પોલીસનો દાવો

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક મહિલાની સાથે સડક કિનારે કથિત યૌન ઉત્પીડનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસે શનિવારે જણાવ્યું કે તેણે વીડિયો બનાવનારાની ધરપકડ કરી છે.
ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “4થી સપ્ટેમ્બરે કોયલા ફાટક પર થયેલી ઘટનાનો વીડિયો બનાવનાર અને તેને વાયરલ કરનારની પહેચાન યાસીન શાહના પુત્ર મહમદ સલીમના રૂપમાં થઈ છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “સલીમની અમે ધરપકડ કરી છે અને તેનો મોબાઇલ જપ્ત કર્યો છે. જેમાંથી અમને આ વીડિયો પ્રાપ્ત થયો છે. વીડીયો મોકલવાના અને તેને વાયરલ કરનારાને લઈને અમારી તપાસ ચાલુ છે.”
પોલીસનો દાવો છે કે સલીમ સામે પહેલા પણ અપરાધીક કેસોનો રેકૉર્ડ છે અને તેની પુછપરછ ચાલી રહી છે. પોલીસ હવે સલીમના રિમાન્ડ મળે તે માટેના પ્રયત્નો કરી રહી છે. આ સમગ્ર ઘટનાની તપાસ સાઇબર ટીમ કરી રહી છે.
મણિપુર પોલીસનો દાવો, ‘કુકી ઉગ્રવાદીઓ’એ રહેણાક વિસ્તાર પર કર્યો રૉકેટથી હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
મણિપુર પોલીસે કહ્યું છે કે રાજ્યમાં ‘કુકી ઉગ્રવાદીઓ’એ વિષ્ણુપુર જિલ્લામાં બે જગ્યાએ રૉકેટ છોડ્યાં છે. આ વિસ્તારમાં નાગરિકો રહે છે.
પોલીસના જણાવ્યા મુજબ આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે કે 6 લોકો ઘાયલ છે.
સુરક્ષાદળોએ ‘કુકી ઉગ્રવાદીઓ’ના ત્રણ બન્કરોને પણ નષ્ટ કરી દીધાં છે. પોલીસે વધુમાં જણાવ્યું કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ તૈયાર છે.
સ્થિતિની સમીક્ષા કરવા માટે હાઇ લેવલની સુરક્ષા બેઠકો પણ થઈ રહી છે.
વીનેશ ફોગાટને કૉંગ્રેસે ટિકિટ આપી, હરિયાણાના જુલાનાથી ચૂંટણી લડશે

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું છે.
આ લિસ્ટમાં કૉંગ્રેસ 31 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આ લિસ્ટમાં સૌથી ચર્ચિત નામ ભારતીય રેલસર વીનેશ ફોગાટનું છે.
કૉંગ્રેસે વીનેશને હરિયાણાના જુલાનાથી ટિકિટ આપી છે. તો પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ, સોનીપતથી સુરેન્દ્રર પનવર, રોહતકથી ભારતભૂષણ બત્રા, બાદલીથી કુલદીપ વત્સ, રેવાડીથી ચિરંજીવ રાવ, નૂંહથી આફતાબ અહમદ અને ફરીદાબાદથી નીરજ શર્માને ટિકિટ આપી છે.
વીનેશ ફોગાટ જ્યારે પેરિસ ઑલિમ્પિક પાછા આવ્યાં ત્યારે તેમના કાફલા સાથે કૉંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા પણ સામેલ હતા.
અગાઉ હરિયાણા કૉંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ સંકેત આપ્યો હતો કે પાર્ટીમાં સામેલ વીનેશ ફોગાટ જુલાનાથી ચૂંટણી લડી શકે છે.
તો બજરંગ પુનિયાના ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું કે "આ અંગે મને કોઈ માહિતી નથી. બની શકે કે કૉંગ્રેસ મહાસચિવ વેણુગોપાલજી સાથે તેમની કોઈ વાત થઈ હોય.
વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે પાર્ટીમાં જોડાયાં હતાં.
અગાઉ વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ મહિલા પહેલવાનો પર યૌનશોષણ મુદ્દે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને લાંબા સમય સુધી દિલ્હીના જંતરમંતરમાં ધરણાં કર્યાં હતાં.
જબલપુર પાસે ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતરી ગયા

ઇમેજ સ્રોત, @ANI
શનિવારે સવારે મધ્યપ્રદેશના જબલપુરની પાસે એક રેલદુર્ઘટના થઈ છે. જોકે આમાં અત્યાર સુધીમાં કોઈ પણ મુસાફરને હાનિ થયાના સમાચાર નથી.
દુર્ઘટના અંગે માહિતી આપતા પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે કહ્યું કે "ઈંદોરથી જબલપુર જતી 22191 ઓવરનાઇટ ઍક્સપ્રેસ જે સમયે જબલપુર સ્ટેશન પાસે પ્લૅટફૉર્મ નંબર છ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના થઈ હતી."
તેમણે કહ્યું કે "ટ્રેન ડેડ સ્ટૉપ સ્પીડ પર હતી, એ સમયે બે ડબા પાટા પરથી ઊતરી ગયા. ગાડીની ગતિ બહુ ધીમી હોવાને કારણે કોઈ જાનમાલને નુકસાન નથી થયું. બધા મુસાફરો સુરક્ષિત છે અને બધાને રવાના પણ કરી દીધા છે."
તેમણે કહ્યું કે આ દુર્ઘટના સવારે અંદાજે પાંચ વાગ્યા અને 50 મિનિટ પર થઈ છે. સ્ટેશનથી અંદાજે 150 મીટર અગાઉ આ દુર્ઘટના ઘટી.
પેરિસ પૅરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ, હોકાટો હોટોઝે સેમાએ બ્રૉન્ઝ જીત્યો

ઇમેજ સ્રોત, Getty Images
પેરિસ પૅરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. હોકાટો હોટોઝે સેમાએ પુરુષોની શૉટ પુટ એફ 57 સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
હોકાટો હોટોઝે સેમા નાગાલૅન્ડના છે. તેમની આ સિદ્ધિ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ પણ ઍૅક્સ પર પોસ્ટ કરીને અભિનંદન આપ્યાં છે.
તેમણે લખ્યું, "હોકાટો હોટોઝે સેમાએ પેરિસ પૅરાલિમ્પિક 2024માં પુરુષોની શૉટ પુટ એફ 57માં અસાધારણ પ્રદર્શન કરીને બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યો છે."
કિરેન રિજીજુએ લખ્યું કે નાગાલૅન્ડથી આવનાર, તેમની અતૂટ ભાવના અને દૃઢ સંકલ્પ આપણા દેશનું ગૌરવ વધારે છે.
આ સ્પર્ધામાં હોકાટો હોટોઝેએ 14.65 મીટરનો થ્રો કર્યો હતો. તો બીજા નંબરે પાઓલિનો સાન્તોસે 15.06 મીટરનો થ્રો કરીને રજતપદક મેળવ્યું છે.
જ્યારે ઈરાનના યાસીન ખોસરાવીએ 15.96 મીટરનો થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતે પેરિસ પૅરાલિમ્પિકમાં છ ગોલ્ડ, નવ સિલ્વર અને બાર બ્રૉન્ઝ મેડલની સાથે કૂલ 27 મેડલ જીત્યા છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















