ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડશે વરસાદ, ક્યાં પલટાશે હવામાન?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં એક તરફ હાલ ભારે ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે એવામાં હવામાનવિભાગે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને કચ્છ જિલ્લામાં હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં ભારે ગરમી પડતી હોય છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે.
ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે પહેલાં જ મધ્ય ભારતમાં વરસાદ અને કરા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં તોફાની પવન પણ ફૂંકાવાની શક્યતા છે.
હાલ ઉનાળામાં થતો વરસાદ ઘણા વિસ્તારો માટે કમોસમી વરસાદ ગણાય છે પરંતુ હવામાનની વ્યાખ્યામાં તેને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે.
ગુજરાતમાં આવનારા દિવસમાં પડનારો કમોસમી વરસાદ સતત વધી રહેલી ગરમીમાંથી કેટલાક વિસ્તારોમાં રાહત આપે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ઉનાળામાં વરસાદની આગાહી કેમ?

ઇમેજ સ્રોત, IMD AHMEDABAD
હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ચોમાસામાં પડતો વરસાદ બંગાળની ખાડીમાંથી સર્જાતી સિસ્ટમો પર મોટા ભાગે આધારિત હોય છે. પરંતુ શિયાળા કે ઉનાળામાં આવતો વરસાદ મોટા ભાગે પશ્ચિમ તરફથી આવતી સિસ્ટમોના કારણે પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂમધ્ય સાગરમાં સર્જાતી સિસ્ટમો ઘણા દેશો પાર કરીને ભારત સુધી પહોંચે છે, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ હાલ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 એપ્રિલના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર પહોંચશે અને તેના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં વરસાદ પડશે.
આ ઉપરાંત મહારાષ્ટ્ર, પૂર્વોત્તરનાં રાજ્યો પર પણ સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલાં છે, જેના કારણે મધ્ય અને પૂર્વ ભારતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
13 તારીખે ભારત પર આવનારી સિસ્ટમને અરબી સમુદ્રમાંથી ભેજ મળશે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, IMD AHMEDABAD
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ના પડે તો પણ વાદળછાયું હવામાન જોવા મળશે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત તથા સોરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 અને 15 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા તથા ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા કેટલાક વિસ્તારોમાં પણ છુટોછવાયો અને હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા નથી અને જે જિલ્લામાં આગાહી છે ત્યાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ પડશે અને કેટલાંક સ્થળોએ વરસાદ નહીં પડે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું થાય છે અને તે પહેલાં રાજ્યમાં લગભગ અઢી મહિના જેટલા ગાળામાં સખત તાપ પડતો હોય છે.
વરસાદની સાથે ભયંકર ગરમીની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં વરસાદ પડે તે પહેલાં હવામાન વિભાગે હીટ વેવની ચેતવણી આપી છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે.
હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને હજી પણ આવનારા ત્રણ-ચાર દિવસ સુધી ભારે ગરમી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે કચ્છ જિલ્લા માટે આવનારા બે દિવસ માટે હીટ વેવની ચેતવણી આપી છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, કચ્છમાં 9 એપ્રિલના રોજ તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિસથી ઉપર પહોંચી ગયો છે.
13 એપ્રિલ બાદ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળશે.
દુનિયાભરમાં 2023નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે અને માર્ચ મહિનો પણ અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધારે ગરમ રહ્યો છે. સમગ્ર દુનિયામાં ગરમી વધી રહી છે અને સાથે જ ભારતમાં પણ અનેક રાજ્યોમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે.






















