You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત જો આ બે પગલાં લે તો પાકિસ્તાન કેમ તકરાર વધારવાના સંકેત માની શકે છે?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત તણાવ ઊભો થયો છે તથા ભવિષ્યમાં આ પરિસ્થિતિ વકરવાની આશંકા છે.
પહલગામમાં ઉગ્રવાદી હુમલાના એક દિવસ પછી ભારતે કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી, જેના બીજા દિવસે પાકિસ્તાને પણ વળતી કાર્યવાહી કરતા ભારત સામે કેટલાંક પગલાં લેવાની જાહેરાત કરી હતી.
બંને દેશનાં વલણને જોતાં એવી ચર્ચા થઈ રહી છે કે શું બંને દેશનાં પગલાંથી પરિસ્થિતિ વકરશે કે તેમાં કોઈ સુધારો થઈ શકે છે.
ભારતે સિંધુ જળ સંધિને મોકૂફ કરવાની જાહેરાત કરી છે, જેના ગાઢ પ્રત્યાઘાત પાકિસ્તાનમાં પડ્યા છે. જો ભારત મોકૂફીના ગાળા દરમિયાન પાણીને સંપૂર્ણપણે અટકાવવામાં સફળ રહે તો પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય તેમ છે.
પાકિસ્તાનના પત્રકારો અને નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત દ્વારા જળપ્રવાહને અટકાવવામાં આવશે, તો તે એક રીતે યુદ્ધની જાહેરાતનું પગલું હશે.
પાકિસ્તાનની જીવાદોરી
પાકિસ્તાની પત્રકાર અને વિશ્લેષક નજમ સેઠીએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવી સાથે વાત કરતા કહ્યું, "જો ભારત દ્વારા જળપ્રવાહને અટકાવવામાં આવે અથવા તો કરાચી બંદરને બ્લૉક કરવામાં આવે, તો પાકિસ્તાન માનશે કે ભારતે યુદ્ધની શરૂઆત કરી છે."
સેઠીએ ઉમેર્યું, "આ બંને સંજોગોમાં પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. આ અંગે પાકિસ્તાનના વિચાર સ્પષ્ટ છે. આ બંને બાબત પાકિસ્તાન માટે લાલબત્તી સમાન છે."
જોકે, ભારતની નીતિ છે કે તે પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે. પરંતુ ઑગસ્ટ 2019માં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું, "હાલ સુધી અમારી નીતિ છે કે અમે પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ ભવિષ્યમાં આ નીતિનો આધાર પરિસ્થિતિ પર રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભારત ઇઝરાયલ નથી અને અમે પેલેસ્ટાઇન નથી'
આ પહેલાં 2016માં ભારતના તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે કહ્યું હતું કે ભારત આ નીતિથી બંધાયેલું નથી.
ભારતના ઘણા રક્ષા વિશ્લેષકો પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવાની નીતિની ટીકા કરતા રહ્યા છે.
પાકિસ્તાન માટે સિંધુ જળ સંધિનું પાણી તેના માટે જીવાદોરી સમાન છે અને કરાચી પૉર્ટનું ઑપરેશનલ રહેવું પણ કંઈક એવું જ છે. આવી સ્થિતિમાં ભારત સાથે તણાવની ઘડીમાં પાકિસ્તાનને બે બાબતોની ચિંતા સૌથી વધુ સતાવે છે.
નજમ સેઠી કહે છે, "ભારત પાણીને રાતોરાત નહીં રોકી શકે. ભારતને પાણી રોકવામાં ઓછામાં ઓછા પાંચથી 10 વર્ષ લાગશે. જો ભારત આ નિર્ણયને અમલમાં લાવે છે તો ચીન પણ ભારત સાથે એવું કરી શકે છે. ભારત થોડુંઘણું સતાવી કરી શકે છે, પરંતુ સંપૂર્ણપણે બંધ નહીં કરી શકે."
"ભારત ઇઝરાયલ નથી અને અમે પેલેસ્ટાઇન નથી. ભારત એલઓસી (લાઇન ઑફ કંટ્રૉલ) પર મામલો ગરમ કરશે. ભારત સિઝફાયર તોડશે અને આવી સ્થિતિમાં સેનાને પશ્ચિમથી એલઓસી પર તહેનાત કરવી પડશે, પરંતુ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ સારી નથી, તેથી મુશ્કેલીઓ થશે."
ઍક્ટ ઑફ વૉર
ગુરુવારે પાકિસ્તાનની નૅશનલ સિક્યૉરિટી કમિટીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું, "સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને મળતું પાણી કોઈ પણ રીતે રોકવામાં આવે છે અથવા ડાયવર્ટ કરવામાં આવે છે તો તેને યુદ્ધ તરીકે લેવામાં આવશે અને સંપૂર્ણ શક્તિથી જવાબ આપવામાં આવશે."
ભારતના રક્ષા વિશ્લેષક રાહુલ બેદીથી પૂછ્યું કે ખરેખર પાકિસ્તાન સિંધુ જળ સંધિને નિલંબિત કરવા અને કરાચી પૉર્ટને બ્લૉક કરવા માટે ઍક્ટ ઑફ વૉર તરીકે લેશે?
બેદી કહે છે, "પાકિસ્તાનના જનરલ ખાલિદ કિદવઈએ જ આ વાત કહી હતી. પાકિસ્તાન માટે બંને લાઇફ લાઇન છે. સિંધુ જળ સંધિનું પાણી જો પાકિસ્તાનને નહીં મળે, તો ત્યાંની અર્થવ્યવસ્થા તબાહ થઈ જશે ; અને જો કરાચી પૉર્ટને ભારતે બ્લૉક કરી દીધું, તો પાકિસ્તાન સંપૂર્ણપણે વિખૂટું પડી જશે."
રાહુલ બેદી માને છે કે પાકિસ્તાન આ બંને વસ્તુઓને સામાન્ય રીતે નહીં જોઈ શકે.
શું ભારત કરાચી પૉર્ટને બ્લૉક કરવાની ક્ષમતા ધરાવે છે?
રાહુલ બેદી કહે છે, "ભારતની નૌસેના હાલ ખૂબ સારી સ્થિતિમાં છે અને તેની પાસે એટલી ક્ષમતા છે કે કરાચી પૉર્ટને બ્લૉક કરી દે."
રાહુલ બેદી કહે છે, "મારી બીજી ચિંતા એ છે કે શિમલા સંધિમાંથી બહાર નીકળ્યા પછી લાઇન ઑફ કંટ્રૉલ એટલે કે એલઓસીનો કોઈ અર્થ નથી રહ્યો. એટલે કે ભારત અથવા પાકિસ્તાન બંને એકબીજાની તરફ શક્તિના જોરે પ્રવેશી શકે છે. શિમલા સંધિમાં એલઓસીને એક પ્રકારની ડિફેક્ટો બૉર્ડર માનવામાં આવી હતી, પરંતુ હવે તો તે લાઇન પણ એવી થઈ ગઈ છે, જેને પાકિસ્તાન કહી રહ્યું છે કે તે નહીં માને."
1971થી અલગ પરિણામ
ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહ્યા અબ્દુલ બસિતનું કહેવું છે કે હાલનું પાકિસ્તાન 1971માં હતું એવું નથી અને યુદ્ધનાં પરિણામો કંઈક અલગ હશે. રાહુલ બેદીથી એ જ પ્રશ્ન પૂછ્યો કે પાકિસ્તાન 1971ની સરખામણીમાં કેટલું બદલાઈ ગયું છે?
બેદી કહે છે, "જો પાકિસ્તાન 1971માં હતું એવું નથી રહ્યું, તો ભારત પણ નથી, પરંતુ આ વાત સાચી છે કે 1971માં યુદ્ધનું પરિણામ જેટલું ભારતના પક્ષમાં હતું, એટલું હવે નહીં હોય. તેનું સીધું કારણ એ છે કે બંને દેશો પાસે પરમાણુ હથિયાર છે."
"હાલની સ્થિતિ જોઈને મારા મનમાં ડર છે, પરંતુ એક બાબત આશ્વસ્ત કરે છે. મને લાગે છે કે ચીન અને રશિયા યુદ્ધ નહીં થવા દે. રશિયા ભારત સાથે રહેશે અને ચીન પાકિસ્તાન સાથે, પરંતુ આ બંને દેશો માટે રશિયા અને ચીન એકબીજાથી લડશે નહીં. આવી સ્થિતિમાં બંને દેશો એ જ ઇચ્છશે કે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ ન થાય."
પાકિસ્તાનએ ભારત વિરુદ્ધ પોતાના હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ટીવી સાથે વાતચીતમાં પાકિસ્તાન ચાઇના ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન મુશાહિદ હુસૈન સૈયદે કહ્યું કે આનાથી ભારતને લાખો ડૉલરનું નુકસાન થશે અને બીજા દેશો સાથે અંતર વધશે.
મુશાહિદ હુસૈનએ કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર વાયા દુબઈ થઈ રહ્યો હતો, પરંતુ હવે તેને પણ બંધ કરવાની નિર્ણય લેવામાં આવી છે."
પાકિસ્તાની પત્રકાર કામરાન ખાન સાથે વાતચીતમાં પાકિસ્તાનના જ રક્ષા વિશ્લેષક સૈયદ મોહમ્મદ અલીએ કહ્યું, "છેલ્લા 78 વર્ષોમાં એવું પહેલીવાર થયું છે કે ભારતે ઔપચારિક રીતે પાણી રોકવાની વાત કરી છે. 24 કરોડ પાકિસ્તાનીની જિંદગી આ પાણી સાથે જોડાયેલી છે અને આ જિંદગીઓ જોખમમાં મૂકાશે, તો અમે કંઈ પણ કરી શકીએ."
"1971માં ભારતની આ ડિપ્લોમેટિક જીત હતી, કારણ કે એલઓસી પાકિસ્તાનએ પણ માન્ય રાખી, પરંતુ હવે શિમલા સંધિને અમે નિલંબિત કરી દીધી છે, આવી સ્થિતિમાં હવે કોઈ લાઇન ઑફ કંટ્રૉલ નથી."
સૈયદ મોહમ્મદ અલીએ કહ્યું, "ભારતએ જો પાણી દ્વારા અમારી કૃષિને તારાજ કરી તો આ એવું નુકસાન હશે, જેની ભરપાઈ ખૂબ જ મુશ્કેલ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન આ દુ:ખને કોઈ કાળે સહન નહીં કરે. ભારત સિંધુ જળ સંધિના પાણી રોકવાની વ્યવસ્થા પહેલાંથી જ કરી રહ્યો છે અને પાકિસ્તાનની તરફના પ્રવાહને ઓછો પણ કર્યો છે. પાકિસ્તાનને આ મામલે ચીન સાથે પણ સંપર્ક કરવો જોઈએ."
સૈયદ મોહમ્મદ અલીએ કહ્યું, "પાકિસ્તાન માટે પાણી રેડ લાઇન છે અને ભારતે તેને અવરોધિત કર્યું તેના પરિણામ ખૂબ જ ખતરનાક હશે."
ઘણા નિષ્ણાતો સિંધુ જળ સંધિ અને શિમલા સંધિને સેફ્ટી નેટ્સ તરીકે જોતા છે.
દક્ષિણ એશિયા મામલાના વિશ્લેષક માઇકલ કુગલમૅનએ બ્રિટિશ અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સને કહ્યું, "સિંધુ જળ સંધિ અને શિમલા સંધિ બંને દેશો વચ્ચે ભારે તણાવમાં સહકાર અને સંચારના દરવાજા ખોલતા રહ્યા છે, પરંતુ સંધિથી બહાર નીકળ્યા પછી પાકિસ્તાન અને ભારત જટિલ સ્થિતિમાં પહોંચી શકે છે."
"મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈને દુનિયાને ચિંતિત થવું જોઈએ. પહલગામમાં હુમલા પછી ભારતે કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા અને પછી પાકિસ્તાને. તેમ છતાં બંને દેશો પર ઘણો દબાવ છે. ટકરાવની આશંકા ખૂબ જ વધારે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન