You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શું છે આગાહી, હજુ કેટલા દિવસ રહેશે આ માહોલ?
ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હજુ પણ અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર અનુભવી રહ્યા છે. મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પેદા થઈ છે જે સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ અને કચ્છમાં વરસાદની તીવ્રતા જોવા મળી હતી. ભાવનગર જિલ્લાના મહુવામાં અતિભારે જ્યારે કે આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. સમગ્ર ગુજરાતમાં દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.
અમદાવાદસ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 મેથી 9 મેની સવાર સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
9 મેની સવારથી 10 મે દરમિયાન પણ ઉપરોક્ત તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
સાતમી મેએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 7 મેના દિવસે આણંદમાં 44.7 મીમી, ડાંગમાં 31.8 મીમી, અમદાવાદમાં 9.7 મીમી, નવસારીમાં 23.6 મીમી, અમરેલીમાં 30.1 મીમી, ભાવનગરમાં 25.2 મીમી વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં આજે કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે
એ વિશેની રાજ્યના હવામાનની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો
અહેવાલ- દીપક ચુડાસમા, ઍડિટ- આમરા આમીર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન