નલિયા ગૅંગરેપ કેસ : ભાજપના પૂર્વ નેતાઓ સહિત આઠેય આરોપીને પુરાવાના અભાવે છોડી મુકાયા – ન્યૂઝ અપડેટ

નલિયા ગૅંગરેપ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

કચ્છના જિલ્લા મથક ભુજની એક ફાસ્ટ ટ્રૅક કોર્ટે 2017ના નલિયા ગૅંગ રેપ (સામૂહિક બળાત્કાર) કેસમાં ગુરુવારે રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપના ચાર પૂર્વ નેતાઓ સહિત આઠેય આરોપીઓને પુરાવાના અભાવને કારણે શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા.

આ કેસમાં 25 વર્ષીય મહિલાએ નલિયા પોલીસ સ્ટેશનમાં એક સ્થાનિક ગૅસ એજન્સીના માલિક પર બળાત્કારનો આરોપ કર્યો હતો.

મહિલાની ફરિયાદ પ્રમાણે ઑગસ્ટ 2015માં બનેલા આ બનાવ વખતે તેઓ ગૅસ એજન્સીમાં જ કામ કરતાં હતાં અને આરોપીએ તેમને ઉપાડ આપવાને બહાને ઘરે બોલાવીને કૃત્ય આચર્યું હતું.

મહિલાએ ગૅસ એજન્સીના માલિક શાંતિલાલ સોલંકી સહિત તેમના બે મિત્રો, ભરત દરજી અને વિનોદ ઠક્કર પર પણ બળાત્કારનો આરોપ કર્યો હતો. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ બળાત્કારનો વીડિયો ઉતારી લઈ, લીક કરવાની ધમકી આપી મહિલાને એક સેક્સ રૅકેટમાં ફસાવી દીધાં હતાં.

મહિલાએ આક્ષેપ કર્યો હતો કે પાછળથી નલિયાના કેતન ઠક્કર, અતુલ ઠક્કર અને બબ્બા ચૌહાણે પણ તેમની સાથે બળજબરી કરી હતી. નખત્રાણાના અશ્વિન ઠક્કર, ગાંધીધામની ગોવિંદ નામની વ્યક્તિ, આદિપુરની વસંત નામક વ્યક્તિ અને અને એક શારીરિક ખોડખાંપણ ધરાવતા પુરુષે પણ સમયાંતરે તેમની સાથે બળાત્કાર કર્યો હતો.

ફરિયાદી યુવતીનો આરોપ હતો કે આ ઘટનાક્રમ એક વરસ સુધી ચાલ્યો હતો. જોકે, પાછળથી તેમણે પોલીસને જણાવ્યું હતું કે માત્ર નવ લોકોએ તેમના પર બળાત્કાર કર્યો હતો.

કેસ નોંધ્યા પછી પોલીસે શાંતિલાલ, ગાંધીધામના ગોવિંદ પારૂમલાણી, વસંત ભાનુશાળી અને અજિત રામવાણીની આરોપી તરીકે ઓળખ કરી હતી.

તે સમયે શાંતિલાલ ભાજપના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા એકમના ઓબીસી મોરચાના પ્રમુખ હતા. તેવી જ રીતે પારૂમલાણી ભાજપના કચ્છ જિલ્લાના ગાંધીધામ એકમના સેક્રેટરી હતા. જયારે વસંત ભાનુશાળી અને રામવાણી તે સમયે ગાંધીધામ નગરપાલિકામાં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલ નગરસેવકો હતા. રેપ કેસમાં આરોપી તરીકે તેમનાં નામ આવતાં ભાજપે આ ચારેય નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ચારેય ઉપરાંત પોલીસે વિનોદ ઠક્કર ઉર્ફે બબ્બા શેઠ, તેમના દીકરા ચેતન ઠક્કર, અશ્વિન ઠક્કર અને ભરત દરજીની પણ ધરપકડ કરી હતી. આ આઠેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ(આરોપનામું) રજૂ કરી હતી અને કેસ ચલાવવાની દાદ માંગી હતી.

આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને રાજ્ય સરકારે પોલીસ તાપસ ઉપરાંત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એ. એલ. દવેના વડપણ હેઠળ એક ન્યાયિક તપાસપંચ નીમ્યું હતું. પંચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ફરિયાદી મહિલા હોસ્ટાઇલ એટલે કે ફરી ગયેલ હોવાથી સામૂહિક બળાત્કાર થયાના પુરાવા મળતા નથી.

ગુરુવારે આ કેસમાં ચુકાદો સંભળાવતા ફાસ્ટ ટ્રૅક કોર્ટના ન્યાયાધીશ વી.એ. બુદ્ધે આઠેય આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આરોપીઓના વકીલ હેમસિંહ ચૌધરીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા ગોપાલ કટેશિયાને જણાવ્યું કે, "કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર મહિલા અને તેના પરિવારના જે સભ્યો સાક્ષી હતા તે હોસ્ટાઇલ થઈ ગયા હતા. બળાત્કારના કેસમાં ભોગ બનનાર ફરી જાય તો અન્ય પુરાવા પર અસર થાય છે. તેથી કોર્ટ પુરાવાના અભાવે શંકાનો લાભ આપી આઠેય આરોપીઓને છોડી મૂકવાનો ચુકાદો આપ્યો છે."

ચૌધરીએ ઉમેર્યું કે આઠેય આરોપીઓને અગાઉથી જ આ કેસમાં જમીન મળી ગયા હતા અને તેથી આઠેય જેલની બહાર જ હતા.

આ કેસના સરકારી વકીલે પણ પુષ્ટિ કરી કે ફરિયાદી મહિલાએ કેસની સુનાવણી દરમિયાન તેમણે જ કરેલ સામૂહિક બળાત્કારની ફરિયાદને સમર્થન ન આપતા હોસ્ટાઇલ જાહેર થયેલ. સરકારી વકીલે જણાવ્યું, "પરંતુ અમે ટ્રાયલ કોર્ટે આજે આપેલા ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવા રાજ્ય સરકારને ભલામણ કરીશું."

BZ ગ્રૂપમાં રોકાણ કરાવી કથિતપણે 'એક કરોડ રૂપિયાનું કમિશન' મેળવનાર શિક્ષકની ધરપકડ

બીબીસી ગુજરાતી, બીઝેડ ગ્રૂપ, બીઝેડ કૌભાંડ

ઇમેજ સ્રોત, Ankit Chauhan

ઇમેજ કૅપ્શન, બીઝેડ ગ્રૂપ માટે કથિતપણે એજન્ટ તરીકે કામ કરી એક કરોડ રૂપિયાનું કમિશન મેળવનાર આરોપી વિનોદ પટેલ (વચ્ચે)

ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી કથિતપણે હજારો રોકાણકારો વધુ વ્યાજની લાલચમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવાના આરોપી બીઝેડ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં ગુજરાત સીઆઇડી ક્રાઇમ પોલીસે આ મામલાના વધુ એક આરોપીની ધરપકડ કરી હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર અંકિત ચૌહાણે આપેલી માહિતી પ્રમાણે, પોલીસના દાવા અનુસાર પકડાયેલો આરોપી વિનોદ પટેલ અરવલ્લીના મોડાસામાં પ્રાથમિક શાળાનો શિક્ષક છે.

વિનોદ પટેલ વિશે માહિતી આપતાં સીઆઇડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માએ કહ્યું હતું કે, "અમે આ મામલામાં પૂછપરછ માટે મોડાસાના વિનોદ પટેલને બોલાવ્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરાઈ છે. એ બીઝેડના સૌથી મોટા એજન્ટો પૈકી એક છે."

તેઓ જણાવે છે કે વિનોદ પટેલે લગભગ બીઝેડ ગ્રૂપમાં લગભગ 1,300 લોકો પાસેથી આશરે 17 કરોડ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યું હતું. આ સમગ્ર મામલામાં તેની ભૂમિકાને જોતાં તેની ધરપકડ કરાઈ છે.

"પ્રાથમિકપણે વિનોદ પટેલને આ રોકાણ કરાવવા બદલ એક કરોડ કરતાં વધુ કમિશન મળ્યું હોવાનું અનુમાન છે."

એસપી હિમાંશુ વર્માએ વિનોદ પટેલ અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "વિનોદ પટેલ ખુદ શિક્ષક હોઈ તેમણે મોટા ભાગે શિક્ષકોના જ પૈસા બીઝેડ ગ્રૂપમાં રોકાવ્યા હતા. તેનું મુખ્ય નેટવર્ક શિક્ષકોનું જ હતું. એ આ જૂથ સાથે સંકળાયેલા સૌથી જૂના લોકો પૈકી એક પણ છે."

નોંધનીય છે કે નવેમ્બર 2024માં ગુજરાત પોલીસના સીઆઇડી ક્રાઇમ વિભાગે 6,000 કરોડ રૂ.નું કથિત કૌભાંડ પકડ્યું હતું. જેમાં બીઝેડ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી.

સીઆઇડી ક્રાઇમ આ કેસમાં હવે નવા ખુલાસા સહિત લોકોને કથિતપણે લલચાવીને રોકાણ કરાવનાર એજન્ટોની પણ ધરપકડ કરી રહી છે.

અમેરિકામાં 'ગેરકાયદે' રહેતા ભારતીયો પર શું બોલ્યા જયશંકર?

અમેરિકા, ભારતીય, એનઆરઆઈ, બિનનિવાસી ગુજરાતી, ગુજરાત, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે વૉશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશમાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું.

જયશંકરે કહ્યું છે કે જો ભારતીય નાગરિક અમેરિકા સહિત અન્ય દેશોમાં 'ગેરકાયદે' રહેતા હોય તો ભારત તેમની 'ન્યાયસંગત વાપસી' માટે તૈયાર છે.

વિદેશ મંત્રીએ કહ્યું, "આ મામલે ભારતનું વલણ 'અટલ અને સૈદ્ધાંતિક' છે. અને આ મેં સ્પષ્ટ પણે માર્કો રૂબિયો(અમેરિકાના વિદેશ મંત્રી)ને જણાવી દીધું છે."

જયશંકરે કહ્યું, "અમે અમારું વલણ સામે મૂક્યું છે કે જો અમારો કોઈ નાગરિક કાયદેસર રહેતો નહીં હોય, જો અમે સુનિશ્ચિત હોઈએ કે તેઓ અમારા નાગરિકો છે તો અમે હંમેશા ભારતમાં તેમની ન્યાયસંગત વાપસી માટે તૈયાર છે અને અમેરિકા માટે પણ કોઈ અલગ સ્થિતિ નથી."

ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિની શપથ લેનારા રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં રહેતા ગેરકાયદે વસાહતીઓ સામે પોતાનું કડક વલણ અખત્યાર કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિક-ટૉક પર પ્રતિબંધ મામલે શું કહ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિક-ટૉક પર પ્રતિબંધ મામલે શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝના સીન હેન્નીટીને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ટિક-ટૉક વિશે પૂછેલા સવાલનો જ જવાબ આપ્યો છે તેને લઈને ચર્ચાઓ શર થઈ ગઈ છે.

ટ્રમ્પે હેન્નીટીને કહ્યું, "મને લાગે છે કે ટિક-ટૉક અમારી આસપાસ જ રહેવાનું છે."

હકિકતમાં ટ્રમ્પના રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ ટિક-ટૉકને અમેરિકામાં બૅન કરી દેવામાં આવ્યું હતું કારણકે ત્યાંની સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું.

ત્યાર પછી ટ્રમ્પે ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર સહી કરી હતી જેમાં ટિક-ટૉકને 75 દિવસની મુદત આપવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે જો આ ઍપ નહીં વેચાય તો તેના પર પ્રતિબંધ લાદવામાં આવશે.

ટ્રમ્પે તેના ડર વિશે પણ એક સવાલ પૂછવામાં આવ્યો કે જેમાં ચીની સરકાર દ્વારા આ ઍપ મારફતે અમેરિકાના નાગરિકોની જાસૂસી કરવાની આશંકા વ્યક્ત થતી હતી.

ટ્રમ્પે કહ્યું, "ચીનમાં બનનારી તમામ ચીજ માટે આવું કહી શકાય છે, આપણો ટેલિફોન પણ ચીનમાં જ બનેલો છે."

તેમણે કહ્યું, "ટિક-ટૉકના યુઝર્સ યુવાનો છે. શું યુવાનોની જાસૂસી મહત્ત્વપૂર્ણ છે?"

તેના પર હેન્નીટીએ કહ્યું કે તે નહીં ઇચ્છે કે ચીન કોઈ પણ વ્યક્તિની જાસૂસી કરે.

ટ્રમ્પે જવાબમાં કહ્યું, "જો તે તમારા ટેલિફોન બનાવે છે. તેઓ કમ્યુટર્સ બનાવે છે. તો શું આ મોટો ખતરો નથી?"

પાકિસ્તાન સાથે વ્યાપાર શરૂ કરવા મામલે શું બોલ્યા એસ. જયશંકર?

જયશંકર, પાકિસ્તાન, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસ. જયશંકરે પાકિસ્તાન સાથે વ્યાપાર શરૂ કરવા મામલે વૉશિંગ્ટન ડીસીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં પ્રતિક્રિયા આપી હતી(ફાઇલ તસવીર)

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન સાથે વેપાર શરૂ કરવા મામલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે સ્પષ્ટ કર્યું કે વ્યાપાર ભારતે રોક્યો નથી, પરંતુ આ નિર્ણય પાકિસ્તાનનો હતો.

જયશંકરે કહ્યું, "અમે વ્યાપાર નથી બંધ કર્યો. તેમના પ્રશાસને વર્ષ 2019માં અમારી સાથે વ્યાપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો."

જયશંકરે બુધવારે વૉશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

જયશંકરે કહ્યું, "અમારી ચિંતાનો વિષય શરૂઆતથી જ એ રહ્યો છે કે અમે એમએફએન એટલે કે મોસ્ટ ફેવર્ડ નૅશનનો દરજ્જો મળવો જોઈએ. અમે આ દરજ્જો પાકિસ્તાનને આપીએ છીએ, પરંતુ તેઓ અમને આ દરજ્જો નથી આપતા."

તેમણે કહ્યું, "તેથી પાકિસ્તાન સાથે વ્યાપારને લઈને ન અમારી તરફથી વાતચીત થઈ છે કે ન તેમણે આ મામલે કોઈ પગલાં ઉઠાવ્યાં છે."

લૉસ એંજલસમાં ફરી આગ, હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા

અમેરિકા, દાવાનળ, લૉસ એંજલસ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉસ એંજલસમાં ફરી આગ, હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા

લૉસ એંજલસનાં જંગલોમાં ફરી દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા છે. અત્યારે જ્યાં આગ લાગી છે તે સ્થળ શહેરની 45 માઇલ દૂર છે.

આ આગ કાસ્ટિક સરોવર પાસે આવેલા પહાડી વિસ્તારમાં લાગી છે અને તેની આસપાસ ઘણાં રહેણાંક મકાનો તથા સ્કૂલ આવેલાં છે.

આગની જ્વાળાઓએ 8 હજાર એકર જમીન પર કેર વર્તાવ્યો છે. ઝડપી પવન અને સૂકાં ઘાસને કારણે આગ વધારે ફેલાઈ રહી છે.

જોકે, આ આગને કારણે કોઈ ઘરને નુકસાન થયું હોય તેવા સમાચાર નથી. પરંતુ તેને કારણે લગભગ 19 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા છે.

અમેરિકાના કૅલિફોર્નિયામાં ફાયરફાઇટર્સ હજુ ત્યાંનાં જંગલોની આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ આગને એક સપ્તાહ કરતાં વધારે સમય થઈ ગયો છે. જેમાં અનેક મકાનો સ્વાહા થઈ ગયા છે અને 25 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

વૉટ્સઍપ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.