ગુજરાતમાં હજુ ક્યાં સુધી વરસાદ પડશે? આગામી સપ્તાહ સુધી ક્યા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ ક્યાં સુધી વરસાદ પડશે? આગામી સપ્તાહ સુધી ક્યા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
પ્રકાશિત

ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ આવનારા દિવસોમાં જોર પકડે તેવી શક્યતા દેખાઈ રહી છે.આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે.આજના વીડિયોમાં જુઓ કે રાજ્યમાં કઈ તારીખ સુધી ચોમાસા પહેલાં વરસાદની શક્યતા છે.

હાલ વિશ્વભરમાં હવામાનની આગાહી કરવા માટે મોટા ભાગે આંકડાકીય મૉડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વિવિધ મૉડલ્સ શું દર્શાવે છે તેના પરથી જે તે એજન્સી આગાહી કરતી હોય છે.

હાલની સ્થિતિમાં અરબી સમુદ્રમાં બે મૉડલ્સ દર્શાવે છે કે સિસ્ટમ બનશે અને બાકીનાં બે મૉડલ્સ દર્શાવતાં નથી કે સિસ્ટમ બનશે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં 23મેની આસપાસ સિસ્ટમ બનવાની શક્યતા 40થી 50 ટકા જેટલી છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય એ પહેલાં ભારતનું હવામાન વિભાગ તેની માહિતી આપતું હોય છે અને તેના આધારે અન્ય વિભાગો આગોતરાં પગલાં લેતા હોય છે.

હાલ લાંબાગાળાના પૂર્વાનુમાનમાં હવામાન વિભાગે સિસ્ટમની શક્યતા દર્શાવી છે, પરંતુ તેના દરરોજના બુલેટિનમાં કોઈ માહિતી આપી નથી.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 મે સુધી વરસાદ ચાલુ જ રહેશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે.

22 મે બાદ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.

જો સિસ્ટમ બની અને તે વાવાઝોડું ના પણ બને અને લૉ-પ્રેશર એરિયાના રૂપમાં આગળ વધે તો પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન