You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રમત-ગમત મંત્રાલયે નવા ચૂંટાયેલા ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કર્યો
કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયે નવા ચૂંટાયેલા ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે નવી ચૂંટાયેલી કાર્યકારિણીને પણ ભંગ કરવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટો પ્રમાણે કુસ્તી સંઘની ચૂંટણી પછી લેવાયેલા બધા જ નિર્ણયોને પણ રદ કરી દેવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈ અનુસાર આગલા આદેશ સુધી આ સસ્પેન્સન લાગુ રહેશે.
એએનઆઈના અહેવાલ પ્રમાણે નવા ચૂંટાયેલા અધ્યક્ષ સંજયસિંહ કે અંડર-15 અને અંડર-18 ટ્રાયલ ગોંડા કે નંદિનીનગરમાં આયોજિત કરવાની ધોષણા કરી હતી. આ ઘોષણા પછી કેન્દ્રીય ખેલ મંત્રાલયે કુસ્તી સંઘની નવી ચૂંટાયેલી કાર્યકારિણીને સસ્પેન્ડ કરી નાખી છે.
આ સમાચાર મળ્ચા પછી નવા ચૂંટાયેલા અધ્યક્ષ સંજયસિંહે મીડિયાને કહ્યું કે હું મુસાફરી કરી રહ્યો હતો. હું પહેલાં તે ચિઠ્ઠી વાંચીશ અને પછી જ કોઈ ટિપ્પણી કરીશ.
સરકારના આ નિર્ણય પર પોતાનું પદ્મશ્રી સન્માન સરકારને પરત કરનાર બજરંગ પુનિયાએ ખુશી વ્યક્ત કરી છે.
તેમને એક ચેનલ સાથે વાતચીતમાં ખેલ મંત્રાલયના નિર્ણય પર કહ્યું, “આ નિર્ણય એકદમ યોગ્ય છે. જે લોકોએ અમારી બહેન અને દીકરીઓ પર અત્યાચાર કર્યા છે તેમને ફેડરેશનમાંથી હટાવવા જ જોઈએ.”
આ ઉપરાંત વીનેશ ફોગાટે એક ચેનલ પર કહ્યું કે આ સારા સમાચાર છે. અમે ઇચ્છીએ કે આ પદ પર કોઈ મહિલાને ચૂંટવામાં આવે જેથી મહિલાઓને આગળ વધવા માટે સંદેશ મળે. જે કોઈ પણ આવે એ સારો માણસો હોવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાક્ષી મલિકે ગોંડામાં કૅમ્પનો મુદ્દો ઉઠાવ્યો હતો
સાક્ષી મલિકે શનિવારે સોશિયલ મીડિયા પર કુસ્તી સંઘના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર શનિવારે રાતે લખ્યું હતું કે 'મેં કુસ્તી છોડી છે પણ કાલ રાતથી પરેશાન છું. તે જુનિયર મહિલા પહેલવાન શું કરે, જે મને ફોન કરીને કહે છે કે દીદી આ 28 તારીખે જુનિયર નેશનલ યોજાવાની છે અને તે નવા કુસ્તી ફેડરેશને નંદનીનગર, ગોંડામાં કરાવવાનો નિર્ણય કર્યો છે.'
સાક્ષી મલિકે વધુમાં લખ્યું, 'ગોંડા બ્રિજભૂષણનો વિસ્તાર છે. હવે તમે વિચારો કે જુનિયર મહિલા પહેલવાન કેવા માહોલમાં કુસ્તી લડવા ત્યાં જશે. શું આ દેશમાં નંદનીનગર સિવાય ક્યાંય બીજે પણ નેશનલ કરાવવાની સુવિધા નથી?'
સંજયસિંહની જીત બાદ વિરોધ
ગુરુવાર 21 ડિસેમ્બરે ભારતીય કુસ્તી સંઘનું પરિણામ આવ્યું હતું અને બ્રિજભૂષણ શરણસિંહના નજીકના ગણાતા સંજયસિંહ ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષપદે ચૂંટાઈને આવ્યા હતા.
ભારતીય કુસ્તીસંઘના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા સંજયસિંહે કહ્યું હતું, “કુસ્તી માટે કૅમ્પ આયોજિત કરાશે. જેમને કુસ્તી કરવી છે એ લોકો કુસ્તી કરી રહ્યા છે, જે રાજકારણ કરવા માગે છે તેઓ રાજકારણ કરે.”
સંજયસિંહની જીત બાદ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે 'કુસ્તી છોડવાની' જાહેરાત કરી હતી.
સાક્ષી મલિકે કહ્યું, “જો અધ્યક્ષ બ્રિજભૂષણ જેવો માણસ જ રહે છે જે તેના સહયોગી છે, બિઝનેસમાં ભાગીદાર છે. તે જો આ ફેડરેશનમાં રહેશે તો હું કુસ્તી છોડી દઈશ. હું આજ પછી તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું.”
સાક્ષીએ પ્રેસ-કૉન્ફરન્સ બાદ પોતાના બૂટ ટેબલ પર છોડી દીધા હતા. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ હતી.
આ સમયે બજરંગ પુનિયા અને વીનેશ ફોગાટ પણ ઉપસ્થિત હતાં.
બ્રિજભૂષણ સામે આંદોલન અને વિવાદ
18 જાન્યુઆરી, 2023ના રોજ કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સનાં ચૅમ્પિયન વીનેશ ફોગાટે દિલ્હીમાં જંતર-મંતર પાસે વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું.
આ પ્રદર્શનમાં તેમની સાથે ઑલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા અને અન્ય ઘણાં લોકો જોડાયાં હતાં.
ખેલાડીઓએ ડબ્લ્યૂએફઆઈના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા ખેલાડીઓ પર જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમના આરોપો બાદ ભારતીય રમતગમતની દુનિયામાં વિવાદ સર્જાયો હતો.
વીનેશ ફોગાટે દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 10 મહિલા કુસ્તીબાજોએ સ્વીકાર્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં (2012થી 2022) ઘણી વાર બ્રિજભૂષણ દ્વારા તેમનું જાતીય સતામણી કરવામાં આવ્યું હતું.
કુસ્તીબાજોએ ડબ્લ્યૂએફઆઈ પર ગેરવહીવટનો પણ આરોપ લગાવ્યો હતો.
જાન્યુઆરીમાં વીનેશ ફોગાટે કહ્યું હતું કે, “ભારતીય મહિલા કુસ્તીદળમાં ફિઝિયોથૅરપિસ્ટ ન હતા. એ સ્થિતિમાં શું ચાર મહિલા કુસ્તીબાજો માટે એક મહિલા ફિઝિયોથૅરપિસ્ટ હોવા જરૂરી હતા કે અધ્યક્ષ માટે ગેમ્સ વિલેજમાં જવું જરૂરી હતું?”
બજરંગ અને વીનેશે એમ પણ કહ્યું હતું કે તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યાં હતાં અને વિરોધ કરવા પર તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બ્રિજભૂષણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. બીબીસી હિન્દીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, આ બધું તેમની છબિ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
કુસ્તીબાજોના આરોપો આંતરરાષ્ટ્રીય વિવાદોમાં આવ્યા બાદ ખેલ મંત્રાલયે ડબ્લ્યૂએફઆઈ વિરુદ્ધ આરોપોની તપાસ માટે 23 જાન્યુઆરી 2023એ 6 સભ્યોની સમિતિની રચના કરી હતી.
એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ દેખરેખ સમિતિનું નેતૃત્વ 6 વખતનાં વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયન અને 2012 લંડન ઑલિમ્પિકનાં બ્રોન્ઝ મેડલ વિજેતા એમસી મૅરીકૉમ કરશે.